Business

અગ્રણી અમેરિકી બેન્કમાં કટોકટી: દુનિયાભરના શેરબજારોમાં કડાકા

ન્યૂયોર્ક: અમેરિકાની (America) સિલિકોન વેલી બેન્કે (Bank) મોટા નુકસાનને પગલે તેની પાસેના સરકારી બોન્ડોના (Government Bond) વેચાણની જાહેરાત કરતા અને આ બેન્કની પેરન્ટ કંપની એસવીબી ફાયનાન્શ્યલનો શેર ૬૦ ટકા જેટલો ગગડી જતા અમેરિકી શેરબજારમાં મોટા વમળો સર્જાયા હતા અને ડો જોન્સ ઇન્ડેક્સ પ૪૦ પોઇન્ટ જેટલો ગગડી ગયો હતો અને એસએન્ડપી – ૫૦૦ બેન્ક ઇન્ડેક્સ પણ ૬ ટકા જેટલો ગગડી ગયો હતો અને બે વર્ષમાં આ સૌથી મોટો કડાકો છે. અને આ સાથે દુનિયાભરના શેરબજારોમાં ગાબડા સર્જાયા હતા. એશિયન શેરબજારોમાં ભારત સહિતના બજારોમાં આજે નોંધપાત્ર ગાબડા જોવા મળ્યા હતા.

એસવીબી ફાયનાન્શ્યલ ગ્રુપમાં વમળોને કારણે નાણાકીય સેકટરના શેરોમાંથી રોકાણકારો ભાગવા માંડ્યા હતા અને તેને કારણે શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. અમેરિકાની સૌથી મોટી ચાર બેન્કો જેપી મોર્ગન ચેઝ, બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો અને સિટિગ્રુપના શેરો ૪થી ૬ ટકા જેટલા ગગડી ગયા હતા અને તેને પરિણામે આ બેન્કોનું સામૂહિક બજાર મૂલ્ય આજે પ૨.૮ અબજ ડોલર જેટલું ધોવાઇ ગયું હતું. આ વમળોને કારણે અમેરિકી શેરબજારના ઇનડેક્સો વ્યાપક રીતે ગગડી ગયા હતા. વૉલ સ્ટ્રીટમાં ડો જોન્સ ઇન્ડસ્ટ્રીય એવરેજ પ૪૩ પોઇન્ટ જેટલો ગગડી ગયો હતો જે ૧.૬૬ ટકા જેટલું થાય છે. જયારે એસએન્ડપીએ ૧.૮પ ટકા ગુમાવ્યા હતા અને નાસ્ડેક કમ્પોઝિટ ૨.૦પ ટકા નીચો હતો.

અમેરિકી શેરબજારમાં એસવીબીનો શેર એક તબક્કે તો ૬૩ ટકા જેટલો નીચો જતો રહ્યો હતો અને તે ઓગસ્ટ ૨૦૧૬ પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. ક્રિપ્ટોકરન્સી બજારમાં ધિરાણ કરતા સિલ્વરગેટ કેપિટલના શેરમાં કડાકાની અસર પણ બજાર પર જોવા મળી હતી જેનો શેર ૨૨ ટકા જેટલો ગગડી ગયો હતો. આ ધિરાણકર્તાએ ગુરુવારે મોડેથી એવી જાહેરાત કરી હતી કે તે ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સ તૂટી પડવાને કારણે ગયેલી ખોટને કારણે તેની કામગીરીઓ ઘટાડી રહ્યું છે તેના પગલે તેનો શેર ગગડી ગયો હતો.

Most Popular

To Top