અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. 154 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સંપન્ન થયું હતું.
આ ઈ-લોકાર્પણ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે સાણંદની આસપાસ ઔધોગિક વિકાસ પ્રસરી રહ્યો છે માટે સનાથલ ઓવરબ્રિજથી ઘણા લોકોને ફાયદો થશે. સનાથલ બ્રિજની વર્ષોની માંગણી આજે પૂરી થઈ છે, એનો આનંદ છે. આજે શેલા ગામે વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરાયું છે, જેથી ગામના લોકોને ફાયદો થશે. સ્માર્ટ સ્કૂલ એ બાળકમાં સુષુપ્ત રહેલી શકિતને બહાર લાવી ઉજાગર કરવાનું પ્લેટફોર્મ છે. સ્માર્ટ સ્કૂલથી બાળકના શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવશે. તેમણે કોર્પોરેશન તથા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો આભાર માનતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદમાં 459 જેટલી મ્યુનિ. શાળાઓ આવેલી છે. જેમાં 1,70,000 બાળકોનું ઘડતર થઈ રહ્યું છે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 96 સ્કૂલમાંથી 28 સ્કૂલો સ્માર્ટ થઈ છે. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, હું ખાતરી આપું છું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વિકાસયાત્રા અવિરતપણે ચાલતી રહેશે.
આ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત ગુડ ગવર્નન્સ થકી દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવાઓ, કૃષિ, ગ્રામીણ વિકાસ દરેક ક્ષેત્રે પ્રાયોરિટી નક્કી કરી પોલીસી બનાવીને પરફોર્મન્સ દ્વારા ગુજરાતે વિકાસના નવા બેંચમાર્ક પાછલા બે દાયકામાં સ્થાપિત કર્યાં છે. એડવાન્સમેન્ટ, એનહાન્સમેન્ટ અને ડેવલપમેન્ટથી વિકાસની વૈશ્વિક રફતાર તરફ આપણે જવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, AMC અને ઔડાના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ઈ-લોકાર્પણ થયેલા વિકાસ કાર્યોમાં રૂ. 62 લાખના ખર્ચે ચાંદખેડા વોર્ડમાં સિનિયર સિટીઝન પાર્ક અને નવા વાડજ વોર્ડમાં સિનિયર સિટીઝન કમ રી-ક્રીએશન પાર્ક, રૂ.7.38 કરોડના ખર્ચે 5 અનુપમ સ્માર્ટ શાળાઓ, રૂ.4.39 કરોડના ખર્ચે રાણીપમાં જીએસટી ફાટક પાસે પેડેસ્ટ્રીયન સબવે, 40 લાખના ખર્ચે નારણપુરા વોર્ડમાં પાંચ નવી આંગણવાડી, 97 કરોડના ખર્ચે સનાથલ જંકશન ખાતે ઓવરબ્રિજ, 5.68 કરોડના ખર્ચે શેલામાં ડ્રેનેજ પંપીંગ સ્ટેશન અને નેટવર્ક સહિત બાવળામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 38.58 કરોડના ખર્ચે કુલ 468 આવાસોના કામોનો સમાવેશ થાય છે.