Business

અંબાણી પરિવારમાં પારણું બંધાયું, ગૂંજી જોડિયા બાળકોની કિલકારી

મુંબઈ: દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ ઈશા અંબાણીએ આજે ​​જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, બંને બાળકો સ્વસ્થ છે. આ બાળકોના નામ પણ રાખવામાં આવ્યા છે. જોડિયા બાળકોમાં છોકરીનું નામ આદ્યા અને છોકરાનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું છે.

ઈશાએ 19 નવેમ્બર એટલે કે શનિવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોની કિલકારીથી સમગ્ર અંબાણી અને પીરામલ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. જણાવી દઈએ કે થોડા મહિના પહેલા મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના રિટેલ બિઝનેસની જવાબદારી દીકરી ઈશા અંબાણીને સોંપી હતી. જણાવી દઈએ કે  મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBAનો અભ્યાસ કર્યો છે.

ઈશા અંબાણીની સગાઈ થઈ ત્યારે તેઓના દાદી કોકિલાબેન એક ખાસ વાત શૅર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઈશા છ મહિનાની થઈ ગઈ પછી તેના દાદા એટલે કે ધીરુભાઈ અંબાણી પૌત્રી ઈશાનો ચહેરો જોયા વગર ચા પણ પીતા નહોતાં. તેમને ઈશા ઘણી જ વ્હાલી હતી. નોંધનીય છે કે છ જુલાઈ, 2002માં ધીરૂભાઈનું અવસાન થયું હતું.

2018માં લગ્ન કર્યા હતા
ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ પીરામલ ગ્રુપના આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. આનંદ પીરામલ રાજસ્થાનના છે. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં પિરામલ પાસે કોઠીઓ, હવેલીઓ અને મહેલો છે. ઈશાની સાસુ સ્વાતિ પીરામલ પણ વ્યવસાયે વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ છે. સ્વાતિ મુંબઈમાં ગોપીકૃષ્ણ પીરામલ હોસ્પિટલના સ્થાપક છે. તેણીને વર્ષ 2012માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. ઈશાની ભાભી નંદિની પિરામલ ગ્રુપનો આખો બિઝનેસ સંભાળે છે. ઈશા અંબાણીના સસરા અજય પીરામલ શ્રીરામ ગ્રુપના ચેરમેન, ટાટા સન લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના બોર્ડ મેમ્બર, અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચેરમેન, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન ઉપરાંત અન્ય પદો ધરાવે છે. તેમની કંપનીના ચેરમેન હોવાને કારણે. તેઓ IIT ઈન્દોરના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

Most Popular

To Top