ગાંધીનગર: છેલ્લા 10થી 12 દિવસથી ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર (Ambaji Temple) ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દઈને તેના સ્થાને ચીક્કીનો પ્રસાદ શરૂ કરાંતા , રાજયભરમાં તેનો વિરોધ થયો હતો. સંતો – મહંતો તથા માઈ ભકત્તોએ મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવા માંગ કરી હતી. અંબાજી મંદિરની અંદર કેટલીક અજુગતી ઘટનાઓ પણ બનવાનું શરૂ થઈ ગયું હતું. રાજયમાં ચારેકોર એવી ચર્ચા ચાલુ થઈ હતી કે 156 બેઠકો આવી એટલે દાદાની સરકાર તથા ભાજપની અંદર અહંકાર પણ વધી ગયો છે.
આ રીતે રાજયભરમાં પેદા થયેલા દબાણના પગલે આજે ગાંધીનગરમાં મળેલી અંબાજી ટ્રસ્ટ તથા સરકારના સિનિયર મંત્રીઓની બેઠકમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે બેઠકમાં લેવાયોલા નિર્ણય મુજબ અંબાજી મંદિર ખાતે હવે મોહનથાળનો પ્રસાદ મળશે, તે ઉપરાંત ચીક્કીનો પ્રસાદ પણ ચાલુ રાખવામાં આવ્યો છે. સિનિયર કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરના પૂજારી તથા વહીવટદાર (પ્રાન્ત અધિકારી) પણ ઉપસ્થિત રહ્યાં હતા.
બેઠક બાદ કેબીનેટ પ્રવકત્તા ઋશિકેશ પટેલે કહયું હતું કે , રાજય સરકારને સંતો મહંતો તથા સમાજના વિવિધ વર્ગો તરફથી મળેલી રજુઆત બાદ આજની બેઠકમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે મોહનથાળની સાથે ચીક્કીનો પ્રાદ પણ ચાલુ રખાયો છે. જે ભકતને મોહનથાળનો પ્રસાદ જોઈ તો હોય તેને મોહનથાળનો પ્રસાદ અપાશે, જેને ચીક્કીનો પ્રસાદ લેવો હોય તે ચીક્કી લઈ શકશે. પટેલે એક પ્રશ્નના જવાબમાં કહયું હતું કે માત્રને માત્ર ગુણવત્તાના કારણોસર મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો હતો. હવે પ્રસાદની ગુણવત્તા સુધારાશે એટલું જ નહીં , તેનું બોકસ પેકિંગ પણ બદલાશે.