અમરનાથ યાત્રા 2025ને નિયમિત સમયમર્યાદા પૂર્ણ થવાને એક અઠવાડિયા પહેલાં આજ રોજ તા.3 ઓગસ્ટ રવિવારે સ્થગિત કરી દેવામાં આવી છે. યાત્રાનું અંતિમ દિવસ તા.9 ઓગસ્ટ, રક્ષાબંધનના પર્વ સાથે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હાલની હવામાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે.
યાત્રા સંચાલન વિભાગે કહ્યું કે સતત વરસાદને કારણે યાત્રા માર્ગોની હાલત બગડી ગઈ છે. બાલતાલ અને પહેલગામના બંને પરંપરાગત માર્ગો પર ભૂસ્ખલન અને રસ્તા તૂટી જવાની ઘટનાઓ બની છે. ત્યારબાદ હવે આ નિર્ણય લંબાવાયો છે.
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે જમીન ધસવા જેવી ઘટનાઓ બની છે અને યાત્રાળુઓ માટે રસ્તા અસુરક્ષિત બન્યા છે. બંને માર્ગો પર તાત્કાલિક સમારકામની જરૂર છે અને સ્થળ પર મશીનરી તથા મજૂરો વગર યાત્રા ફરી શરૂ કરવી શક્ય નથી.
આ વર્ષે લગભગ 4 લાખ યાત્રાળુઓએ શ્રી અમરનાથ ગુફાના દર્શન કરી લીધા છે. જોકે છેલ્લા એક અઠવાડિયામાં યાત્રાળુઓની સંખ્યા ઘટી હતી, જેના પાછળનું કારણ હવામાન સંબંધિત વિક્ષેપો માનવામાં આવે છે.
સુરક્ષા દૃષ્ટિએ પણ આ વર્ષે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તા 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે 600થી વધુ લશ્કરી દળો તૈનાત કરવામાં આવી હતી. યાત્રાળુઓને જમ્મુથી બેઝ કેમ્પ સુધી સુરક્ષિત કાફલામાં લઈ જવાયા હતા અને યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરિક અવરજવર પણ રોકી દેવામાં આવી હતી.
અમરનાથ યાત્રા કાશ્મીરની સંસ્કૃતિ અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતિક છે. 1850ના દાયકામાં બોટા મલિક નામના મુસ્લિમ ઘાસવાળાએ ગુફાની શોધ કરી હતી.