છેલ્લા કેટલાક સમયથી ભારતીય અર્થતંત્રમાં કંઇક વિચિત્ર સ્થિતિ દેખાય છે. એક તરફ ઘણા સમયથી અહેવાલો મળે છે કોવિડના રોગચાળા પછી ભારતની રિકવરી સૌથી ઝડપી છે અને વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારત સૌથી વધુ ઝડપથી વિકસતો દેશ બન્યો છે. ભારતના ઝડપી વિકાસ દરનો દાવો ફક્ત ભારત સરકારનો નથી પણ વિશ્વની અગ્રણી આર્થિક સંસ્થાઓએ પણ ભારતનો વિકાસ ઝડપી હોવાનું જણાવ્યું છે.
બીજી બાજુ, પ્રજાનો એક મોટો વર્ગ આર્થિક મુશ્કેલીઓમાં ભીંસાઇ રહ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત ખૂબ પાછળ આવ્યું છે. જો કે ઇન્ડેક્સનું આકલન ખોટું હોવાનું પણ આપણે કહી શકીએ પણ હાલ કેટલાક સમયથી વ્યાપક મોંઘવારી, ખાસ કરીને ખોરાકી ચીજવસ્તુઓના ઉંચા ભાવો, તેમાં પણ ખાસ કરીને શાકભાજીના ઉંચા ભાવોની બૂમરાણ આપણે આપણી આજુબાજુ સાંભળી શકીએ છીએ અને અનુભવી પણ શકીએ છીએ.
ઉંચા ભાવોને કારણે અને લોકોની ઘટેલી ખરીદ શક્તિને કારણે દેખીતી રીતે બજારમાં વપરાશી ચીજવસ્તુઓની માગ ઘટી છે અને નાણા મંત્રાલયે પણ હાલમાં એવો સંકેત આપ્યો છે કે આગળ જતા ચાલુ નાણાકીય વર્ષમાં માગની સ્થિતિ વધુ બગડી શકે છે. ભારતીય અર્થતંત્રનો દેખાવ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધભાગમાં સંતોષકારક રહ્યો છે પરંતુ આગળ જતા માગની સ્થિતિ અંગે ચિંતાઓ રહે છે એમ નાણા મંત્રાલયે તેના તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું છે.
ભારતીય અર્થતંત્રનો દેખાવ સારો છે, તેને સ્થિર બાહ્ય સેકટર, કૃષિ ક્ષેત્રના હકારાત્મક દેખાવ, તહેવારોની ઋતુના ટેકે માગમાં સુધારાની અપેક્ષા અને સરકારી ખર્ચમાં વધારાની શક્યતાનો ટેકો છે જે રોકાણની સ્થિતિને વેગ આપશે એમ તેમણે જણાવ્યું હતું. અલબત્ત, હાંશિયામાં, અર્થતંત્રમાં માગની સ્થિતિઓ પર નજર રાખવી જરૂરી છે એમ આર્થિક બાબતોના વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ માસિક આર્થિક સમીક્ષાની સપ્ટેમ્બર આવૃતિમાં સોમવારે જણાવાયું હતું. ગ્રાહકોની મંદ પડેલી લાગણીઓ, સામાન્ય કરતા વધુ પડેલા વરસાદને કારણે લોકોની ઘટેલી ચહેલ પહેલ અને જેમાં લોકો નવી ખરીદી કરવાથી દૂર રહે છે ઋતુગત સમયગાળાને કારણે શહેરી માગ સપ્ટેમ્બરમાં મર્યાદિત જણાઇ છે. સપ્ટેમ્બરમાં માગની સ્થિતિ નબળી રહી છે અને તે ઓકટોબરમાં કેટલી સુધરી તેની હજી સ્પષ્ટતા મળી નથી.
બીજી બાજુ, નાણા મંત્રાલયનો અહેવાલ કહે છે કે વધતા ભૂરાજકીય સંઘર્ષો, વૈશ્વિક અર્થતંત્રમાં નબળાઇ અને કેટલાક વિકસીત અર્થતંત્રોમાં વધારીને કરાયેલા મૂલ્ય નિર્ધારણનું જોખમ છે જેની અસર ભારત પર પણ થઇ શકે છે અને તેને કારણે મિલકતો પર નકારાત્મક અસર થઇ શકે છે, કૌટુંબિક લાગણીઓ પર અસર થઇ શકે છે અને વપરાશી માલસામાન પર ખર્ચમાં ફેરફાર થઇ શકે છે એમ તેણે જણાવ્યું હતું. દેખીતી રીતે, નાણા મંત્રાલય સંકેત આપે છે કે આગામી દિવસોમાં બજારમાં સ્થિતિ ઓર બગડી શકે છે. તેના અહેવાલમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય સીધા રોકાણકારો અને પોર્ટફોલિયો રોકાણકારોની ભારત તરફની લાગણી હકારાત્મક છે અને વિકાસની ગતિ જળવાઇ રહે તે આ લાગણી દેશમાં ખરેખરા રોકાણમાં ફેરવાય તે માટે જરૂરી છે.
જો કે, વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં વેચવાલી ચાલુ રાખી છે અને તેમણે ચીનના પ્રોત્સાહક પગલાઓ, વિદેશમાં આકર્ષક શેરની કિંમતો અને ભારતમાં ઇક્વિટીઓની વધારે પડતી કિંમતોને કારણે તેઓ ભારતમાં શેરો વેચી રહ્યા છે. કેટલીક ખોરાકી ચીજવસ્તુઓને બાદ કરતા ભારતમાં ફુગાવો દબાયેલો રહ્યો છે અને ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ૬.પ અને ૭.૦ ટકાના દરે વિકાસ કરે કરશે એમ અહેવાલમાં જણાવાયું છે, સાથે જ જણાવાયું છે કે તેને ભૂરાજકીય સંઘર્ષો, વધતા જીઓ-ઇકોનોમિક ફ્રેગમેન્ટેશન, મોટા અર્થતંત્રોની વેપારી નીતિઓ અંગેની અચોક્કસતા અને તેની સામે નાણાકીય બજારના પ્રત્યાઘાતો વગેરેનું જોખમ છે એમ પણ અહેવાલમાં જણાવાયું છે.
હાલમાં કેટલાક સમયથી આપણુ શેરબજાર સતત નબળાઇ બતાવી રહ્યું છે. જો કે શેરબજાર એ સમગ્ર અર્થતંત્રનું બેરોમીટર નથી પરંતુ વિદેશી રોકાણકારો આપણા બજારમાંથી સતત રોકાણો ઓછા કરી રહ્યા છે તે હકીકત છે. અને શેરબજારના પરિબળને બહુ ધ્યાનમાં નહીં લઇએ તો પણ ગરીબ અને મધ્યમ વર્ગને જે રીતે અત્યારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આર્થિક સંકડામણને કારણે આપઘાતના અનેક બનાવો બની રહ્યા છે અને હવે ખુદ નાણા મંત્રાલયે પણ આગામી દિવસોમાં માગની સ્થિતિ બહુ સારી નહીં રહેવાનો સંકેત આપ્્ય? છે તેના પરથી એમ સમજાય છે કે અર્થતંત્રમાં બધુ સમુસૂતરું તો નથી જ. સમાજના એક મોટા વર્ગને આવકની મુશ્કેલી છે અને બે છેડા ભેગા કરવામાં તેણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેકારીની સમસ્યા તો છે જ, સાથે જ જે લોકો કામ કરે છે તેમને બજારમાં પ્રવર્તતા ભાવોની સામે પૂરતી આવક નહીં મળતી હોવાની સમસ્યા છે. છૂપી અને પ્રછન્ન બેકારીનું પ્રમાણ પણ ઉંચુ છે. આર્થિક અસમાનતા વ્યાપક છે. ભારત ભલે ઉંચો વિકાસદર ધરાવતો દેશ હોય તેમ છતાં તેના અર્થતંત્ર સામે અનેક પડકારો છે.