Business

પેપર ફૂટવા માટે કડક કાયદાની સાથે સાથે જેની જવાબદારી હોય તેની સામે પણ ગુનો નોંધવો જોઇએ

દેશમાં પેપર લીક વિરોધી કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, 2024 અમલમાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે (21 જૂન) મધ્યરાત્રિએ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડા કરવા પર ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે. આને રૂ. 10 લાખ સુધીના દંડ સાથે પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

જો સેવા પ્રદાતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હશે, તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે. NEET અને UGC-NET જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો લાવવાનો નિર્ણય એક મોટું પગલું છે. આ કાયદા પહેલા, કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો નહોતો. કેન્દ્ર સરકારે 21-22 જૂનની મધ્ય રાત્રિએ રાત્રે પેપર લીક કાયદાને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. અને એન્ટી-પેપર લીક કાયદાને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

જો કે, રાષ્ટ્રપતિ મુર્મુએ 12 ફેબ્રુઆરીએ જ કાયદાને મંજૂરી આપી હતીઆ બિલ 6 ફેબ્રુઆરીએ લોકસભા અને 9 ફેબ્રુઆરીએ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 12 ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને તેને કાયદામાં ફેરવી દીધું હતું. આ કાયદો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), રેલ્વે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર-આધારિત પરીક્ષાઓને આવરી લેશે. જો કે, ગુજરાત પેપર લીક બાબતના કાયદાને અગાઉ જ અમલી બનાવી ચૂક્યું છે અને તેમાં પણ આકરી સજાની જોગવાઇ રાખવામાં આવી છે.

પરંતુ તેમ છતાં પેપર ફૂટતા રહ્યાં છે. એટલે આ કાયદો કેટલો અસરકારક નીવડશે તે અંગે હાલમાં તો કંઇ જ કહી શકાય તેમ નથી. કાયદા કડક હોય તે સારી બાબત છે પરંતુ સિસ્ટમ ફૂલ પ્રુફ નથી તે પણ એટલી જ સાચી હકીકત છે એટલે પરીક્ષાની સિસ્ટમ જ ફૂલ પ્રુફ બનાવવી જોઇએ અને પેપર ફૂટે તો જેમની જવાબદારી હોય તે અધિકારીઓ ઉપર કડક પગલાં ભરવા જોઇએ કારણ કે, વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને કસોટી આપે છે અને માલેતુજારોને આન્સરશીટ સાથેના સીધા પેપર જ મળી જાય છે. આ વિદ્યાર્થી સાથે ગંભીર ચેડા કહી શકાય. વિદ્યાર્થીના ભવિષ્ય માટે સરકારે માત્ર કાયદો જ નહીં પરંતુ સિસ્ટમ ઉપર ધ્યાન આપવું જોઇએ. તેમના ભવિષ્યને ધ્યાનમાં લઇને સરકાર અને વિપક્ષ બંનેએ સાથે મળીને કામ કરવું જોઇએ.

રાજ્યમાં સરકારી પરીક્ષા દરમિયાન થઈ રહેલા પેપરલીકને અટકાવવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાંથી બિલ પસાર કર્યું હતું. હવે આ બિલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપી દીધી હતી. ત્યારે રાજ્યમાં આજથી કાયદો અમલી બન્યો હતો. 23 ફેબ્રુઆરી 2023 એ વિધાનસભા ગૃહમાં બિલ સર્વાનુંમતે પસાર થયું હતું.ગુજરાતના યુવાનો માટે આજે તમામે એક સૂરે નિર્ણય કર્યો હતો. તેમના ભવિષ્ય માટે આ બિલ સર્વાનુમતે પસાર કર્યું હતું. તમામ પરીક્ષાઓ આ કાયદો બન્યા બાદ જ લેવાશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતના પેપર લીકના કાયદામાં પેપર ફોડનારાં ખાનગી તત્ત્વોને 1 કરોડનો દંડ, 10 વર્ષની કડક જેલની સજા કરવાની જોગવાઇ છે.પરીક્ષા સાથે સંકળાયેલી એજન્સી અને સરકારી ઇસમો- ત્રણ વર્ષની કડક સજા, બિનજામીનપાત્ર ગુનો, આજીવન ભરતી પરીક્ષા કે અન્ય સરકારી કામો મળવા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો દોઢ વર્ષથી અમલી છે. 3 પેપર ખરીદનારાં ઉમેદવારો- 1 લાખનો દંડ, ત્રણ વર્ષની કડક જેલ, બિનજામીનપાત્ર ગુનો, કોઇપણ ભરતી પરીક્ષામાં  બેસવા પર કાયમી પ્રતિબંધ મૂકવાની આ કાયદામાં જોગવાઇ છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં પાસ થયેલા બિલમાં જોગવાઈ કરવામાં આવી હતી કે પેપર લીક કાંડમાં અધિનિયમ હેઠળ કરવામાં આવેલા કોઈ ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટરના દરજ્જાથી નીચે નહીં ઉતરતા અથવા તો નાયબ પોલીસ અધીક્ષક એટલે કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ કરશે. જો કે, ત્યાર પછી પણ ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનાઓ બની હતી અને ગુજરાત જેવો જ કડક કાયદો કેન્દ્ર સરકારે પણ બનાવ્યો છે પરંતુ ગુજરાતમાં કાયદાની એટલી અસર જોવા મળી નથી એટલે કાયદાની સાથે સાથે પેપર નહીં ફૂટે તેવી ફૂલપ્રુફ સિસ્ટમ જ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ તબીબ બનવા માટેની પરીક્ષા નીટની હોવાથી તેમજ અન્ય પરીક્ષા પ્રોફેસર બનવા માટે નેટની હોવાથી આ મુદ્દાએ રાજકીય સ્વરૂપ લઇ લીધું છે એટલે તેના માટે સરકાર અને વિપક્ષ બંને ગંભીર છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 43 જેટલા પેપર લીક થઇ ગયા છે. એટલે સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જ જોઇએ. નહીં તો તનતોડ મહેનત કરનાર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની બેઠક માલેતુજારના બાળકો રૂપિયા ખર્ચીને પેપર ખરીદીને લઇ જશે અને લાખો બાળકોને અન્યાય થશે. રાજ્ય સરકાર તો આ મામલે પહેલાથી ગંભીર હતી અને કેન્દ્ર પણ આ બાબતે ગંભીર હોવાથી મધ્યરાત્રિથી જ કાયદો લાગુ કર્યો છે પરંતુ તેની સાથે બે બાબત ખૂબ જ મહત્વની બની જાય છે.

જેમાં પહેલી એ છે કે પેપર ફૂટે નહીં તેવી ફૂલપ્રુફ સિસ્ટમ અમલી બનવી જોઇએ અને બીજી બાબત એ છે કે, જેની ઉપર પરીક્ષા લેવાની જવાબદારી હોય અને પરીક્ષા સાથે જેટલા પણ અધિકારી સંકળાયેલા હોય તે તમામ અધિકારીઓ પર પણ પગલાં ભરવા જોઇએ તો જ આ બદી અટકશે. નહીં તો આગામી દિવસોમાં પણ વિદ્યાર્થીઓને અન્યાય થતો જ રહેશે. આ તો શહેરના વિદ્યાર્થીઓ છે જાગૃત છે અને તેમની પાસે અદાલત સુધી જવાના નાણાં છે અથવા તો શક્તિ છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ખુલીને બહાર આવવા માટે સક્ષમ નથી એટલે તો આવા કેટલાય વિદ્યાર્થીઓને અન્યાય થઇ ચૂક્યો હશે તેની કલ્પના કરવી પણ મુશકેલ છે.

Most Popular

To Top