ભારતનું અર્થતંત્ર ઝડપભેર વિકસી રહ્યું છે અને તે વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટા અર્થતંત્રનું સ્થાન તો પ્રાપ્ત કરી ચુક્યું છે, પરંતુ આની સામે દેશની વસ્તી પણ ઘણી વિશાળ છે. દેશની કુલ આવક અને મિલકતો આ વસ્તી વચ્ચે વહેંચાતા માથાદીઠ આવક તો ઓછી જ રહે છે. કોઇ પણ દેશની પ્રજાની સુખાકારી જાણવા માટે તે દેશની માથાદીઠ આવક જાણવી જરૂરી છે. જો કે તે પણ અંતિમ માપદંડ તો નથી જ, પરંતુ તેના પરથી ઘણો ખયાલ આવી શકે છે.
વિશ્વ બેંક દ્વારા વિશ્વના દેશોને માથાદીઠ આવકના આધારે જુદી જુદી શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે જેમ કે નીચી આવક ધરાવતા દેશો, નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશો, ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશ અને ઉંચી આવક ધરાવતા દેશો. ભારત અત્યારે નિમ્ન મધ્યમ આવકની શ્રેણીમાં આવતો દેશ છે પરંતુ હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ ભારત ચાર-પાંચ વર્ષમાં ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશની શ્રેણીમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે.
સ્ટેટ બેંક દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, ભારત 2030 સુધીમાં વિશ્વ બેંકની ‘અપર-મિડલ ઇન્કમ’ (ઉચ્ચ-મધ્યમ આવક) શ્રેણીમાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે. ભારત સરકાર દેશને આઝાદીના ૧૦૦ વર્ષ પુરા થવા પ્રસંગે એટલે કે ૨૦૪૭ના વર્ષ સુધીમાં એક વિકસીત દેશ બનાવવા માગે છે, અને તે માટે તેણે ઉચ્ચ આવકની શ્રેણીમાં પ્રવેશવું જરૂરી બનશે. જો કે અભ્યાસ મુજબ 2047 સુધીમાં ‘હાઈ-ઇન્કમ’ સ્ટેટસ મેળવવા માટે વધુ ઝડપી વૃદ્ધિની જરૂર પડશે.
નોંધનીય છે કે, ભારતને ઉચ્ચ-મધ્યમ આવકની શ્રેણીમાં પ્રવેશવા માટે હજુ બીજા ચાર વર્ષ લાગી શકે છે, પરંતુ તે 2028 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા અને 2027-28 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) સુધી પહોંચવા માટેની શક્યતાઓ ધરાવે છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, આગામી ચાર વર્ષમાં માથાદીઠ આવક 4,000 ડોલરને સ્પર્શવાની ધારણા સાથે ભારત 2030 સુધીમાં વિશ્વ બેંકની ઉચ્ચ-મધ્યમ આવક શ્રેણીમાં જવાની અપેક્ષા છે.
આ મૂલ્યાંકન ગ્રોસ નેશનલ ઇન્કમ (GNI)ના માથાદીઠ વલણો અને છેલ્લા બે દાયકામાં ભારતના વૃદ્ધિના રેકોર્ડ પર આધારિત છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ભારત 2007માં લોઅર-મિડલ ઇન્કમ (નિમ્ન-મધ્યમ આવક) ધરાવતો દેશ બન્યો હતો, તેને લો-ઇન્કમ (ઓછી આવક)ના ગ્રુપમાંથી બહાર આવતા લગભગ 60 વર્ષ લાગ્યા હતા. અહેવાલ વધુમાં જણાવે છે કે માથાદીઠ GNI 2030 સુધીમાં 4,000 ડોલર સુધી પહોંચી શકે છે, જે ભારતને ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશોની સાથે ઉચ્ચ-મધ્યમ આવક જૂથમાં મૂકશે.
ભવિષ્ય તરફ નજર નાખતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2047 સુધીમાં ઉચ્ચ આવક ધરાવતા સ્ટેટસ સુધી પહોંચવાની ભારતની ક્ષમતા માથાદીઠ આવકની વૃદ્ધિની ગતિ પર નિર્ભર રહેશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો આપણે 2047 સુધીમાં પહોંચવા માટે ઉચ્ચ આવક ધરાવતા દેશ માટે હાલની 13,936 ડોલરની માથાદીઠ GNI મર્યાદાને ધ્યાનમાં લઈએ, તો ભારતની માથાદીઠ GNI માં 7.5 ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) થી વધારો થવો જોઈએે. જો કે, રિપોર્ટમાં એ બાબત તરફ નિર્દેશ કરાયો છે કે હાઈ-ઇન્કમ માટેની મર્યાદા સમય જતાં વધવાની શક્યતા છે.
જો વિશ્વમાં સારા જીવન ધોરણ માટે વધુ ખર્ચની જરૂર પડતી જણાય તો વિશ્વ બેંક આ મર્યાદા વધારી પણ શકે છે. જો ઉચ્ચ આવક ધરાવતા દેશ માટેની મર્યાદા બદલાઈને 18,000 ડોલર થઈ જાય, તો ભારતની માથાદીઠ GNI માં આગામી 23 વર્ષમાં લગભગ 8.9 ટકાના ઊંચા દરે વૃદ્ધિની જરૂર પડશે. આ ઝડપી વૃદ્ધિ તો જરૂરી છે જ, પરંતુ આવક વધવાની સાથે સંસાધનોની ઉપલબ્ધી પણ વધવી જરૂરી છે. આપણે જોઇ શકીએ છીએ કે આવક વધવા છતાં ઘણા મોટા વર્ગની સુખાકારી વધી નથી, બલ્કે સમાજના એક મોટા વર્ગની હાડમારીઓ વધી છે. આજે ગરીબ વર્ગ માટે જ નહીં, પણ મધ્યમ વર્ગ માટે પણ ઘર ખરીદવા જેવી બાબતો ખૂબ મુશ્કેલ બનતી જાય છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ આવે તો જ પ્રજાકીય સુખાકારી ખરા અર્થમાં વધી શકે.