Comments

યુદ્ધમાં હિઝબોલ્લાહની સાથે સાથે ઇઝરાયલે પણ આર્થિક ખુવારી વેઠવી પડે છે

લેબેનોનનું પાટનગર બૈરૂત એક સમયે પશ્ચિમના કોઇ આધુનિક શહેર સમાન જ હતું. તેને મધ્ય-પૂર્વના પેરિસ તરીકે ઓળખાવવામાં આવતું હતું. લેબેનોન દેશને પણ સ્વીત્ઝરલેન્ડ સરખો ગણાવવામાં આવતો હતો, જયાં તમે પર્વત પરથી પાટિયા પર ઊભા રહીને સરકવાની (સ્કીઇંગ) રમત રમી શકો છો અને એ જ દિવસે સમુદ્ર સ્નાન પણ કરી શકો છો. ટૂંકમાં સમુદ્ર અને બરફ આચ્છાદિત પર્વતો નજીક નજીક છે. લેબાનીઝ પ્રજા પણ એક સમયે ઘણી પ્રગતિશીલ હતી. તેઓની મજાકિયા વૃત્તિ પણ નોંધપાત્ર હતી અને છે.

પરંતુ હમણાં ઘણાં વરસોથી લેબેનોનને ગ્રહણ લાગી ગયું છે. લેબેનોનની પ્રજાને તેઓનો દેશ પ્યારો છે પણ લોકોમાં અંદરોઅંદર પ્રેમભાવના બચી નથી, કારણ કે લેબેનોનમાં અઢાર ધર્મોના લોકો વસે છે અને ધર્મ પાળનારાં લોકોની સંખ્યા પ્રમાણે તેઓએ દેશની સત્તાનું વિભાજન અથવા વહેંચણી કરી રાખી છે. જેમ કે સૌથી વધુ મુસ્લિમો છે. તો વડા પ્રધાન તરીકે મુસ્લિમને જ ચૂંટવાનો નિયમ છે.

બીજા ક્રમે ખ્રિસ્તીઓ છે તો પ્રમુખ તરીકે ખ્રિસ્તીને પસંદ કરાય છે. જેમની સંખ્યા જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ તે ફીરકા, જમાત કે ધર્મનાં લોકોને ઓછા મહત્ત્વના પદ પર બેસાડવામાં આવે છે.અઢાર ધાર્મિક ફીરકાઓને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આ સુંદર દેશમાં તેઓ અંદરોઅંદર લડતા રહે છે અને વરસોથી લડતા આવ્યા છે અને બહારના દેશો, જેમ કે સિરિયા, અમેરિકા, ઇરાન, ઇઝરાયલ વગેરે તેઓના આંતરિક વિખવાદોને હવા આપતા રહે છે અને ભડકાવતાં રહે છે.

લેબેનોનની ફીરકા આધારિત સત્તા વહેંચણીની વ્યવસ્થાને કારણે ભ્રષ્ટાચાર વધ્યો છે અને સરકારને વારંવાર રાજકીય પક્ષાઘાત લાગુ પડે છે. અર્થ વ્યવસ્થા સતત ખોરવાયેલી રહે છે. લેબેનોનનો વિકાસદર પણ ખૂબ નબળો રહે છે. રાહુલ ગાંધી જાતિની સંખ્યાને આધારે રિઝર્વેશનની વાત કરે છે પરંતુ એણે લેબેનોનનો અભ્યાસ કરવો જોઈએ.જયાં કોઇ મહત્ત્વનો નિર્ણય લેવાનો દોષ જાતિ કે ધર્મ પર મઢવાનો હોય ત્યાં કોઇ નિર્ણય લેતું જ નથી. બૈરૂતના દરિયા કાંઠે વરસોથી દારૂગોળાનો મોટો ભંડાર પડેલો હતો તેને ત્યાંથી ખસેડવાનો નિર્ણય વરસો સુધી લેવાયો નહીં અને તક મળી ત્યારે ઇઝરાયલે તેનો સમૂળગો વિસ્ફોટ કરી મોટી તબાહી મચાવી દીધી હતી.

ઇઝરાયલને તો જોઈતું હતું અને મળી ગયું. પણ લેબેનોનની સરકારોની નાકાબેલિયત બહાર આવી ગઇ. આ લેબેનોનનો વિકાસ દર 2019માં માત્ર અરધો ટકો હતો અને વરસ 2023માં ઇઝરાયલની રિઝર્વ (સેન્ટ્રલ) બેન્ક ડોલર સામે લેબાનીઝ પાઉન્ડનું જેવું તેવું નહીં, પરંતુ ખાસ્સું નેવું (90) ટકાનું અવમૂલ્યન કરવું પડયું હતું. પાઉન્ડની કિંમત અમેરિકન ડોલર સામે માત્ર દસ ટકા રહી ગઇ હતી.

2023માં ફુગાવો પણ બસ્સો (200) ટકા વધી ગયો હતો. આવી સ્થિતિમાં લેબાનીઝ લોકો પોતાનો દેશ છોડીને વિદેશો તરફ પલાયન થવા માંડયાં હતાં તે હિજરત હજી ચાલુ જ છે. ગયા ઓકટોબર – 2023માં ગાઝા પટ્ટીનું યુદ્ધ શરૂ થયું તેના બીજા જ દિવસે, અર્થાત્ આઠમી ઓકટોબરના રોજ લેબેનોનમાંથી શિયાપંથી મુસ્લિમ ઉગ્રવાદી જૂથ હિઝબોલ્લાહ દ્વારા ઇઝરાયલ પર સંખ્યાબંધ રોકેટો દ્વારા હુમલો કરાયો હતો. એ વખતથી જ, યુદ્ધ ભડકવાની આશંકાથી લેબેનીઝ લોકોએ વધુ સંખ્યામાં દેશ છોડવા માંડયો હતો. લેબેનોનમાં એક વિરોધાભાસ જોવા મળતો હતો.

મોટી સંખ્યામાં લેબેનીઝો દેશ છોડી રહ્યાં હતાં અને તેની  સામે સિરિયા અને પેલેસ્ટાઈનમાંથી હજારો મુસ્લિમ શરણાર્થીઓ આવીને લેબેનોનમાં વસ્યાં હતાં. પરંતુ ઇઝરાયલે હમણાં પેજર અને બાદમાં મિઝાઈલો અને હવાઈ યુદ્ધ છેડયું ત્યાર બાદ લેબેનીજો અને શરણાર્થીઓ વગેરે મળીને અન્યત્ર શરણ શોધવા નીકળી પડયાં છે. હિઝબોલ્લાહ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ કયારે ખતમ થશે તે કહી શકાય તેમ નથી. એકવીસ દિવસના યુદ્ધવિરામની દરખાસ્ત ઇઝરાયલે મંજૂર રાખી નથી.

ઇઝરાયલ અને હિઝબોલ્લા બન્નેને આ યુદ્ધ આર્થિક રીતે પરવડે તેમ નથી, પરંતુ ઇઝરાયલની પડખે અમેરિકા ઊભું છે. જરૂર પડે તો ઇઝરાયલ વતી લડવા માટે અમેરિકાએ શસ્ત્રો ઉપરાંત સૈનિકોની ફોજ પણ મોકલી છે. હમાસ સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે ઇઝરાયલના ત્રણ લાખ ફેકટરી વર્કર્સ, કર્મચારીઓ વગેરેને યુદ્ધ લડવા માટે તૈયાર રાખવામાં આવ્યા હતા. હવે તેઓ ફેકટરીઓમાં પાછા ફર્યા છે, કારણ કે હમાસ અને ગાઝાપટ્ટીનો ઇઝરાયલે ખાત્મો બોલાવી દીધો છે.

કામદારો-કર્મચારીઓને યુદ્ધ માટે રિઝર્વ રખાયાં ત્યારે કારખાનાંઓમાં ઉત્પાદન ઘટી ગયું અને એપ્રિલથી જૂન દરમિયાન જીડીપીનો દર ઘટીને 0.7 (ઝીરો પોઈન્ટ સાત, અર્થાત્ સિત્તેર પૈસા)નો રહી ગયો હતો. ગણતરી કરતાં સવા પાંચ ટકાનો ઘટાડો થયો. ગઇ સોળ સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલના નાણાં મંત્રી બેઝાલેલ સ્મોત્રીકે અંદાજપત્રમાં વધેલી ખાધને સંસદ પાસે મંજૂર કરાવવી પડી હતી.

આ વરસ આ રીતે બે વખત ખાધ મંજૂર કરાવવામાં આવી છે.ઇઝરાયલના લોકો અને કંપનીઓ ઇઝરાયલમાંનું મૂડીરોકાણ તેમ જ નાણાં ઉપાડીને વિદેશો રોકાણ કરી રહ્યાં છે અથવા જમા કરાવી રહ્યા છે. મેં અને જુલાઈ દરમિયાન વિદેશોમાં નાણાં રોકવાનું પ્રમાણ, 2023ના મે અને જુલાઈના ત્રણ મહિનાની સરખામણીમાં બમણું થયું છે. આ વરસના આ ત્રણ મહિનામાં કુલ બે અબજ ડોલર ઇઝરાયલમાંથી વિદેશમાં ગયા છે. નવી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ઇઝરાયલે તેના સંરક્ષણ બજેટમાં આઠ અબજ ડોલરનો કાયમી વધારો કર્યો છે.

ઇઝરાયલમાં બેરોજગારીનો દર ખૂબ નીચે અર્થાત્ 2.7 ટકા છે. કારખાનાંઓ માટે વર્કરો મળતાં નથી. યુદ્ધના સમયમાં વિદેશોનાં કામદારો આવે તેમ નથી. સાત ઓકટોબરના હમાસના હુમલા બાદ 80 (એંસી) હજાર ફિલિસ્તાનીઓને ઇઝરાયલમાં કામકાજ કે મજૂરી માટે આવવાની પરમિટો અપાઈ નથી. જેમની પાસે હતી તે રદ કરાઈ છે. આ કારણથી ઇઝરાયલનું અર્થતંત્ર ઉત્પાદનમાં ખાધ ભોગવી રહ્યું છે અને તેમાં યુદ્ધ લડવાનો મસમોટો ખર્ચ. પણ બુદ્ધિશાળી અને મહેનતુ યહૂદીઓને બેઠા થવામાં સમય નહીં લાગે.

બીજી તરફ હમાસ અને હિઝબોલ્લાહ (ઇરાન એમ વાંચો)ને ઇઝરાયલે વીસ વરસ સુધી બેઠા ન થવાય એવડો મોટો આર્થિક અને માનસિક ઘા ઓલરેડી આપી દીધો છે અને યુદ્ધ જલ્દી પૂરું થશે તેની કોઇ સંભાવના નજરે ચડતી નથી. ઇરાન સમાધાન માટે તૈયાર છે એવો સંકેત ઇરાનના વડા મસૂદ પેજેશ્કીઆને આપ્યો છે. પણ નક્કર કશું થઇ રહ્યું નથી. બેન્ઝામીન નેતાન્યાહૂની સરકાર અને પ્રજા બન્ને ઇચ્છે છે કે એક વખત હિઝબોલ્લાહનો સંપૂર્ણ સફાયો થઇ જવો જોઈએ.

વરસ 2004માં હિઝબોલ્લાહે ઇઝરાયલના બે સૈનિકોનાં અપહરણ કર્યાં હતાં. બદલામાં ઇઝરાયલે લેબેનોન પર તાબડતોબ વળતા હુમલા કર્યા હતા. જેમાં 1100 લેબનીઝ મરણ પામ્યાં હતાં. એ વખતે હસન નસરલ્લાહ બોલ્યા હતા કે ઇઝરાયલ તરફથી આવડો મોટો પ્રતિસાદ આવશે તેવું ધાર્યું ન હતું. નસરલ્લાહે ત્યારે કહ્યું હતું કે ઇઝરાયલી સૈનિકોનાં અપહરણ કર્યાં તે મોટી ભૂલ હતી. પણ લાગે છે કે નસરલ્લાહ એ બોધપાઠ ભૂલી ગયા અને આઠમી ઓકટોબરથી ઇઝરાયલ પર મિઝાઇલ અને રોકેટ હુમલાઓ શરૂ કીધા.

ગોલનની પહાડીઓ પર કરેલા એક હુમલામાં બાર (12) યહૂદી બાળકો માર્યા ગયાં. હમાસ પછી હિઝબોલ્લાહનો વારો નક્કી હતો. હમણાં ઇઝરાયલે હિઝબોલ્લાહ પર જે તાંડવ કર્યું તે અગાઉ ઓગસ્ટમાં જ હિઝબોલ્લાહની મિઝાઈલો લોન્ચ માટેની એક આખી ફેસેલીટી જ બોમ્બમારો કરીને ઉડાવી દીધી હતી. એક શકયતા એવી છે કે હમણાંના હુમલામાં હસન નસરલ્લાહ માર્યા ગયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top