Columns

એલન મસ્કને ટ્વિટર – ઇશ્ક મોંઘો પડયો, પરાગ અગ્રવાલ પહોંચી વળશે

માણસ પાસે લખલૂટ દોલત આવે ત્યારે એણે વધુ કાળજી રાખવી પડે. વાસ્તવમાં બને છે ઊલટું, એ માની બેસે છે કે આટઆટલી મૂડી વડે એ હવે ધારે તે કરી શકે છે અને પૈસો કાયમી ટકી રહેશે. બેપરવા બની જાય છે. પૈસાદાર બનવાની ઝડપ એટલી વધારી દે છે કે કયારેક સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવે છે. અકસ્માતનો જે ધડામ દઇને અવાજ આવે છે એ એક મોટા માથાનો હોવાથી, આખી દુનિયાને સંભળાય છે. ભારતમાં વિજય માલ્યા અને બીજા અમુક કિસ્સાઓમાં આવું જ થયું. માલ્યાએ બ્રિટનની જેલમાં જવાનો સમય આવ્યો છે.

હમણાં ટેસલા કાર કંપનીના માલિક એલન મસ્કની ટ્વિટર કંપની ખરીદવાની અને ખરીદી પાછી પડતી મૂકવાની ઘટના જગતમાં ચર્ચાઇ રહી છે. એલન મસ્કને કોઇ વૈભવી જિંદગી પસંદ નથી. માલ્યાની જેમ પિતા પાસેથી અબજોની દોલત વારસામાં મેળવી નથી. સખત મહેનત, હિંમત અને બુધ્ધિચાતુર્ય વડે એ અદના આદમીમાંથી જગતના પ્રથમ ક્રમના ધનિક બન્યા છે અને હમણાં હમણાં મોટી નુકસાનીઓ કરવા છતાં પ્રથમ ક્રમ પર જ છે. એમની પ્રકૃતિની વિજય માલ્યા સાથે સરખામણી ન થઇ શકે છતાં ઘણી વખત આવનારાં પરિણામો, સંજોગોની ગણતરી કર્યા વગર કોઇ નિર્ણય લેવાય તો ખૂબ મોંઘો પડે તે વિજય માલ્યાના જીવનમાં સાબિત થયું છે. અગાઉ અનેક નિર્ણયકર્તાઓના જીવનમાં સાબિત થયું હતું, થઇ રહ્યું છે, થતું રહેશે પરંતુ એ સ્થિતિના છેલ્લા શ્રેષ્ઠ ઉદાહરણ એલન મસ્ક છે.

એલન મસ્કે ટિવટર કંપની ખરીદી લીધી ત્યારે જગતમાં એ સમાચાર હેડલાઇનો બન્યા હતા. ટ્વિટર કરતાં પણ આર્થિક બાબતમાં કોઇ ગંજાવર કંપની એલને ખરીદી હોત તો આટલી ચર્ચા થઇ ન હોત. વેપારી અખબારોમાં તેની નોંધ લેવાઇ હોત. પણ ટ્વિટર એટલે જગતનો ચોક. મહાનથી માંડીને અદનો માણસ પોતાનો મત, અભિપ્રાય ટ્વિટર દ્વારા જાહેર કરી શકે. તેઓના અભિપ્રાયોની નોંધ લેવાય. નેતાઓ જે કંઇ સારું, ખરાબ કહેવા માગતા હોય એ ટ્વિટર મારફતે જ કહે. ઘણા નેતાઓ, સામાજિક, અસામાજિક તત્ત્વો ટ્વિટર દ્વારા બળાપો, માનસિક કચરો, ઉદ્વેગ, આવેગ વગેરે જાહેરમાં ઠાલવે.

ઘણા લોકો દુ:ખી થઇને ટ્વિટર પર કામ ચલાવવાની, તેને કાબૂમાં લેવાની માગણી કરે. ટ્વિટરે આવું કરવું પડે છે. બેધારી તલવાર પર ચાલવું પડે છે. અમુક લોકોનો અવાજ રૂંધવાનો પ્રયત્ન કરવાના આરોપોનો સામનો કરવો પડે છે. ટ્વિટર કંપની પોતે બાયસ, પક્ષપાતી હોવાનું આળ વારંવાર મઢવામાં આવે છે. અલગ અલગ દેશોની સંસદો સમક્ષ ટ્વિટરના અધિકારીઓને ખુલાસાઓ કરવા અને સંસદોના ઠપકાઓ સાંભળવા માટે તેડાવવામાં આવે છે. આમ અન્ય કંપની ચલાવવી અને ટ્વિટર કે ફેસબુક ચલાવવી તેમાં ખૂબ ખૂબ ફરક છે.

અગાઉ દુનિયામાં કહેવાનું કે જે લોકોના બીજા ધંધાઓ હોય તેમણે અખબારો ન કાઢવાં જોઇએ કારણ કે કાઢે તો સ્વતંત્ર રહી શકે નહીં. બીજા ઉદ્યોગો પર શાસનનું દબાણ આવે. જો કે આજકાલ અમેરિકા સહિત જગતમાં સમાચાર માધ્યમો ખુલ્લેઆમ અમુકતમુક પક્ષની બાજુમાં ઊભા રહી જાય છે અને પોતાનો વારો અથવા મોકો આવે ત્યારે આર્થિક લાભ મેળવે છે. જેમ કે અમેરિકામાં ફોકસ ન્યૂઝ મીડિયા આઉટ એન્ડ આઉટ રિપબ્લિકન પક્ષની સાથે છે. જરૂર પડે તો, તે માટે, પૂરતી તપાસ વગરના સમાચારો પણ પ્રસારિત કરે છે. બન્ને પક્ષો દ્વારા આવું ચાલે છે.

ટ્વિટર એક સ્વતંત્ર અને જાગતિક કંપની છે. એલન મસ્ક પોતાને લોકશાહી અને વાણી સ્વતંત્રતાના પ્રહરી ગણાવે છે પણ ધંધો એવા ચીનમાં કરે છે જયાં હોઠ પર ફરજિયાત તાળાં મારવા પડે છે. મસ્ક ઇચ્છા ધરાવતા હતા કે એ ટ્વિટરના પ્લેટફોર્મને સાવ સ્વતંત્રતા આપશે. કોઇની શેહમાં ટ્વિટર આવશે નહીં. એમણે ઇચ્છા જાહેર કરી હતી કે મસ્કના ઘોર વિરોધીઓ પણ ટ્વિટરના સભ્યો હોય. મસ્કનો વિરોધ કરે. પણ ટ્વિટર માત્ર મસ્ક જેવા વિશાળ દિલ માટે નથી અને માત્ર મસ્કની ટીકા કરવાથી વાત પૂરી થઇ જવાની નથી. જગતના સેંકડો આપખુદ, સરમુખત્યાર, રજવાડી શાસકોની કોઇ ટ્વિટર પર પણ ટીકા કરી જાય એ પસંદ નથી.

તેઓને, ખાસ કરીને શી ઝિનપિંગને, પુતિનને, સાઉદી અરેબિયા, UAE વગેરેના સુલતાનો અને રાજાઓને એમનાં શાસનો ડોલતાં જણાવા લાગે છે. તેવામાં ટ્વિટરને ઘરમાં ઘાલીને શું એલન મસ્કની કંપનીઓ ટેસલા, સ્પેસએકસ વગેરે આ જાગતિક બજારમાં ધંધો કરી શકે ખરી? જયાં એમનો ધંધો ઓલરેડી સારી પેઠે સ્થાપિત થઇ ચૂકયો છે. જો મસ્ક ટ્વિટર રાખે તો કંપનીના પ્લેટફોર્મને સમય પ્રમાણે શાણું, સાવધાન બનાવવું પડે. જુદાં જુદાં શાસનોની આણ સ્વીકારવી પડે કાં ટ્વિટર ગુલામ બની જાય અને સ્વતંત્ર રહે તો બીજા નફાકારક ધંધાઓ એક પછી એક બંધ કરવા પડે અને જે ટ્વિટરનું પ્લેટફોર્મ હાથમાં રહે તેમાં કોઇ ખાસ કસ નથી. કંપની એવો નફો રળતી નથી કે જેની જગતે નોંધ લેવી પડે.

ટ્વિટરને શોભાના ગાંઠિયા તરીકે અપનાવીને એલન મસ્કે નાણાં ઉપરાંત સમયનો બિનજરૂરી વેડફાટ સહન કરવો પડે, જે મસ્ક પાસે નથી. અનેક વિવાદોની આગ ઠારવા દોડી જવું પડે. પાઇની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. આ મહાજ્ઞાન એલન મસ્કને તાવ તાવમાં ટ્વિટર ખરીદયા પછી શાંતિથી વિચાર્યું ત્યારે લાધ્યું. ઉધ્ધવ ઠાકેરના મગજમાં પણ સરકાર રચી તે અગાઉ પ્રકાશ ફેલાયો હોત તો માઠી દશા બેઠી ન હોત. એલન આવનારી તકલીફો પામી ગયા. અબજો ડોલર ખર્ચીને સળગતી સમસ્યાઓ ઘરમાં ઘૂસાડવાની જરૂર નથી એ સમજાઇ ગયું એટલે એમણે ઠાગાઠૈયાનો પ્રારંભ કર્યો.

પ્રારંભમાં મસ્ક બોલ્યા કે ટ્વિટરના સભ્યો તરીકે બનાવટી સભ્યોની સંખ્યા ઝાઝી છે. અમે પૂરેપૂરી તપાસ અને ઓડીટ કરીને આગળ વધીશું. સામે પક્ષે યુવાન, ઠાવકા અને સજજ, મૂળ મુંબઇના ટ્વિટરના વડા પરાગ અગ્રવાલે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ઠાવકાઇથી કામ લીધું. મસ્કે અચાનક ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી ત્યારે અનેક સવાલો ઊગી નીકળ્યા હતા. અગ્રવાલને ટ્વિટરના વડા બનાવી રખાશે કે કેમ? હવે પછી પરાગ અગ્રવાલનું શું? પણ પરાગે એ રીતે કંપનીના સ્ટાફનો મોરલ ટકાવી રાખ્યો જેની હંમેશાં નોંધ લેવામાં આવશે.

એલનની અધીરપ, બેપરવાઇ, પૈસાની તાકાત સામે પરાગની ધીરજ, કુનેહ અને પ્રામાણિક નીતિનો વિજય થયો છે. મસ્કની રજૂઆતોને કયારેય કંપની તાબે ન થઇ. આખરે લગભગ એક અબજ ડોલરનું (લગભગ 7800 થી 7900 કરોડ રૂપિયાનું) નુકસાન સહન કરીને એલન મસ્કે એક તરફી સોદો રદ કરવો પડયો છે. મસ્કે જયારથી ઠાગાઠૈયા, બહાનેબાજી અપનાવી હતી ત્યારથી ટ્વિટર કંપની અને દુનિયાના લોકોને સમજાઇ ગયું હતું કે મસ્ક હવે પાછી પાની ભરવા માગે છે. ટ્વિટરે મજબૂત વલણ અપનાવ્યું હતું કે હવે તો મસ્કે કંપની ખરીદવી જ પડશે. દરેક સવાલોના યોગ્ય પ્રત્યુત્તરો અને ખુલાસાઓ આપ્યા હતા. હવે જો તેનાથી મસ્કને સંતોષ ન થાય તો જાગતાને ઊઠાડવા જેવી વાત છે.

એલન મસ્કે થોડા મહિનાઓ અગાઉ 54 ડોલર 20 પેન્સની કિંમતે ટ્વિટરનો શેર, કુલ રકમ 44 અબજ ચૂકવવાની શરતે ટ્વિટર ખરીદવાનો કરાર કર્યો હતો. એ વખતે એલન મસ્ક પીછો છોડે એવા સીધા અને આડકતરા પ્રયત્નો થયા હતા પરંતુ હવે મસ્ક પોતે જ ડીલમાંથી છટકી જવા માગે છે. ત્યારે ટ્વિટર કંપની કહે છે કે મસ્ક એ રીતે ડીલમાંથી છટકી શકે નહીં. ટ્વિટર ડેલાવર શહેરની અદાલતમાં એલન સામે કેસ માંડવા તૈયાર થઇ છે. જો કે આ બધી ઝંઝાળમાં ટ્વિટર કંપનીએ કામના કર્મચારીઓ અને કર્મચારીઓનો જુસ્સો ગુમાવ્યો છે.

કાનૂની પ્રક્રિયામાં સપડાઇને ટ્વિટરને વધુ નુકસાન થશે. મસમોટી લિગલ ફી ભરવી પડશે. શકય છે કે એ બધી ખટપટ ટાળવા મસ્ક સાથે સમાધાન થાય અને અમુક ઓછી રકમ ચૂકવીને મસ્ક ટ્વિટરને ખરીદે. એલન મસ્કની કંપનીઓએ વર્તમાન વરસમાં શેરબજારમાં 50 અબજ ડોલરથી પણ વધુ રકમની પછડાટ ખાધી છે. એલન આવી સ્થિતિનો અગાઉ સામનો કરી ચૂકયા છે. એમને પૈસા ગુમાવવાનું દુ:ખ જરૂર થયું હશે પણ ટ્વિટરની ખરીદીમાં એમણે નાણાં, પ્રતિષ્ઠા અને ધંધાકીય પ્રોસ્પેકટ પણ ગુમાવવાના રહેશે.

પરાગ અગ્રવાલને બેઉ બાજુએ ફાયદો છે. જો મસ્ક એમને ટ્વિટરના હેડ ન રાખે તો પણ ટ્વિટરે અગ્રવાલને ગોલ્ડન પેરેશૂટ કરાર હેઠળ 6 કરોડ 20 લાખ ડોલર ચૂકવવા પડશે, જે ભારતીય રૂપિયામાં 500 કરોડ રૂપિયાની નજીક થવા જાય. આટલી રકમ હાથમાં આવે તે પણ એક સિધ્ધિ છે અને પરાગ અગ્રવાલ પોતાની રીતે બિઝનેસ શરૂ કરી શકે અથવા તો એમણે કાબેલિયત પુરવાર કરી હોવાથી કોઇ પણ અન્ય સારી કંપનીના હેડ બનવાની ગુંજાઇશ રહે છે. આ કેસ લડવાનું એલન મસ્ક માટે પણ આસાન નહીં હોય.

એ હારી જાય તેની પૂરેપૂરી શકયતા છે. મસ્કે કંપની ખરીદવાની જાહેરાત કરી હતી ત્યારે ટ્વિટરના શેરોની કિંમતમાં થોડો વધારો નોંધાયો હતો અને ફરી પાછી શેરની કિંમત ઘટી ગઇ છે. હવે કંપનીના માળખાને સારું એવું નુકસાન થયું છે ત્યારે મસ્ક પાછી પાની કરી રહ્યા છે અને ટ્વિટરની વેલ્યુ વધુ ઘટશે. મસ્ક પણ અમુક પુરાવાઓ સાથે અદાલતમાં રજૂઆત કરશે. ટ્વિટરે અમુક શરતોનો ભંગ કર્યો છે તેવું પુરવાર કરશે તો કદાચ અદાલતમાં જીતી જાય પણ એટલું ખરું કે ભવિષ્યમાં કોઇ કંપનીમાં હાથ ઘાલવા પહેલાં એલન મસ્ક, સ્પેસએકસના રોકેટમાં બેસી, અવકાશમાં લટાર મારી અવકાશથી વિચાર કરશે. ટ્વિટરની આ ધમાલમાં એમની પોતાની મૂળ કંપનીઓને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. હવે પછીનું યુદ્ધ, અદાલતમાં કે અદાલતની બહાર રસપ્રદ બનશે. જેની સતત ચર્ચા ‘ટ્વિટર’ પર જ થશે. પછી ટ્વિટર ભલે કોઇ પણના હાથમાં હોય.

Most Popular

To Top