નવી દિલ્હી: ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સમિતિએ એક રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે લીવ ઇન રિલેશનશિપમાં (Live in relationship) રહેતા કપલની તમામ માહિતી મેળવવાનો તેમના માતા પિતાને પૂર્ણ અધિકાર છે, માટે હવે આવા કપલનની જાણકારી તેમના માતા-પિતાને આપવામાં આવશે. તેમજ કપલએ પણ પોતાના માતા-પિતામાં વિશ્વાસ રાખી તેમને પોતાની પરિસ્થિતિઓની જાણ કરવી જોઇયે.
UCC નિયમો અને અમલીકરણ સમિતિના અધ્યક્ષ શત્રુઘ્ન સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે સમિતિ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે લિવ-ઇનમાં રહેતા કપલ દ્વારા આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ રીતે ગોપનીય રહે પરંતુ 18 થી 21 વર્ષના લીવ-ઇન યુગલો વિશેની માહિતી તેમના માતાપિતાને આપવી જોઈએ. તેમજ આ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલ UCC એક્ટ, લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ફરજિયાત બનાવે છે. યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશની અધ્યક્ષતામાં રચાયેલી નિષ્ણાત સમિતિનો ચાર ખંડનો અહેવાલ તેમની વેબસાઇટ www.ucc.uk.gov.in પર અપલોડ કરવામાં આવ્યો હતો.
27 મે 2022ના રોજ નિષ્ણાંત સમિતિની રચના
સતત બીજી વખત વિધાનસભા ચૂંટણી જીતીને સત્તામાં આવેલી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની ભાજપ સરકારે 27 મે 2022ના રોજ આ પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિએ 43 સંવાદ કાર્યક્રમો દ્વારા સીધા અને અન્ય માધ્યમો દ્વારા 2.33 લાખ લોકો પાસેથી સૂચનો લીધા અને આ વર્ષે 2 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારને તેનો અહેવાલ સુપરત કર્યો હતો.
અહેવાલો સામે આવ્યા બાદ પણ આચારસંહિતા લાગુ થવાને કારણે આ અહેવાલ અગાઉ જાહેર કરવામાં આવ્યો ન હતો. ત્યારે એક પત્રકાર પરિષદને સંબોધતા ધામીએ કહ્યું હતું કે નિયમો અને અમલીકરણ સમિતિ જે યુસીસીના અમલીકરણ માટે નિયમો ઘડશે તે સુનિશ્ચિત કરશે કે લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપની નોંધણી સમયે યુગલો દ્વારા આપવામાં આવતી માહિતીની ગોપનીયતા જળવાય રહે. તેમજ કોઈપણ સંજોગોમાં કાયદાનું ઉલ્લંઘન થાય નહીં.
માતા-પિતાને પણ વિશ્વાસમાં રાખવા જોઈએ
લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 18 થી 21 વર્ષની વયના યુગલોના માતાપિતાને ફરજિયાત તેમની માહિતી આપવીએ તે ચર્ચાનો વિષય છે. ત્યારે આ અંગે પુષ્કર સિંહ ધામીએ કહ્યું, “લિવ-ઈન રિલેશનશિપમાં 21 વર્ષથી વધુ ઉંમરના યુગલોનો ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. પરંતુ 18 થી 21 વર્ષની વયના યુગલો માટે (મત આપવાનો અધિકાર હોવા છતાં) સમિતિ માને છે કે આ વય નિર્ણાયક છે અને યુગલોની સલામતી માટે તેમના માતા-પિતાને પણ વિશ્વાસમાં રાખવા જરુરી છે.’
UCC કાયદો ઘડનાર દેશનું પ્રથમ રાજ્ય
આ વર્ષે ફેબ્રુઆરીમાં બોલાવવામાં આવેલા ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રમાં બે દિવસની લાંબી ચર્ચા બાદ UCC બિલ પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યના રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ માર્ચમાં આ કાયદાને મંજૂરી આપી હતી. ત્યારે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પ્રકારનો કાયદો ઘડનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ અધિનિયમ રાજ્યમાં રહેતા તમામ ધાર્મિક સમુદાયોના નાગરિકો માટે લગ્ન, મિલકત, ભરણપોષણ અને વારસા માટે સમાન કાયદાની જોગવાઈ કરે છે. જો કે, અનુસૂચિત જનજાતિને આ બિલના દાયરાની બહાર રાખવામાં આવી છે. પરંતુ મહિલાઓ અને બાળકોના અધિકારોનું રક્ષણ કરતી વખતે બાળ લગ્ન, બહુપત્નીત્વ, હલાલા, ઇદ્દત જેવા સામાજિક દુષણો પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત લગ્નની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે અને જો તેમ ન કરવામાં આવે તો કપલને સરકારી સુવિધાઓથી વંચિત રાખવાની જોગવાઈ છે.
બીજા લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ
આ સાથે જ યુસીસી એક્ટ મુજબ જ્યાં સુધી પતિ-પત્ની જીવિત છે ત્યાં સુધી બીજા લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે તમામ ધર્મોમાં લગ્નની લઘુત્તમ ઉંમર છોકરાઓ માટે 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો વિવાહિત યુગલમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની સંમતિ વિના પોતાનો ધર્મ બદલી નાખે છે, તો બીજી વ્યક્તિને તે વ્યક્તિને છૂટાછેડા આપવાનો અને ભરણપોષણ ભથ્થું લેવાનો સંપૂર્ણ અધિકાર રહેશે. આ સાથે જ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા અથવા ઘરેલું વિવાદના કિસ્સામાં પાંચ વર્ષ સુધીના બાળકની કસ્ટડી માતા પાસે રહેશે. તમામ ધર્મોમાં પતિ-પત્નીને છૂટાછેડા લેવાનો સમાન અધિકાર હશે. પુત્ર અને પુત્રીને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર મળશે. દરેક બાળકને ‘કાયદેસર’ બાળક ગણવામાં આવશે, જે લગ્ન અને સંપતિના અધિકારો માટે સહવાસથી જન્મેલા બાળકો વચ્ચેના ભેદભાવને દૂર કરશે.
UCC એ કોઈપણ વિભાગની ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો નથી
આ સાથે જ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે લોકોના સૂચનો લેતા લગભગ 8 થી 10 ટકા લોકોએ કહ્યું હતું કે વસ્તી નિયંત્રણનો મુદ્દો પણ તેમાં સામેલ થવો જોઈએ. જો કે, તેમણે કહ્યું કે આ મુદ્દો સમિતિ દ્વારા લેવામાં આવ્યો ન હતો કારણ કે તે સમિતિ કાર્યક્ષેત્રમાં નથી.
સમગ્ર મામલે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સિંઘે જણાવ્યું હતું કે સમિતિએ તપાસ કરી હતી કે યુસીસી લાવવા માટે સમિતિ રાજ્યોના અધિકારક્ષેત્રમાં છે કે કેમ? તેમજ સમિતિએ જોયું કે આમ કરવામાં કોઈ બંધારણીય અવરોધ નથી. સમિતિએ એ પણ શોધી કાઢ્યું છે કે UCC એ કોઈપણ વિભાગની ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો નથી.