નવી દિલ્હી: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા તોફાન મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની આદેશ આપ્યો છે. આ રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટીસ યૂયૂ લલિતની બેન્ચે કહ્યું કે આટલો સમય વીતી ગયા પછી હવે સુનાવણીનો કોઈ અર્થ નથી. ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચૂકાદો સંભળાવી ચૂકી છે. નરોડા ગામ સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આની સાથે જોડાયેલા કોઈપણ કેસમાં સુનાવણીની જરૂર નથી. ગુજરાતનાં તોફાનો સાથે જોડાયેલી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી.
બાબરી ધ્વંસ સંબધિત કેસ પણ બંધ
સુપ્રીમ કોર્ટે (Supreme Court) બાબરી મસ્જિદ ધ્વંસ (Babri Masjid Demolition) સાથે સંબંધિત કેસો પણ બંધ કર્યા છે. કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત અવમાનના કેસને પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણયને ધ્યાનમાં રાખીને, અવમાનના કેસને આગળ વધારી શકાય નહીં. હકીકતમાં, 2009માં એક ઈન્ટરવ્યુમાં પ્રશાંત ભૂષણે ભૂતપૂર્વ અને વર્તમાન ન્યાયાધીશો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ મામલે દલીલ કરતા કપિલ સિબ્બલે કહ્યું કે પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલે માફી માંગી લીધી છે. તેથી બંને સામેનો કેસ બંધ થઈ શકે છે. તેમની માંગ જસ્ટિસ ઈન્દિરા બેનર્જી, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચે સ્વીકારી હતી.
SCએ PMને મળેલી ક્લીનચિટને યથાવત્ રાખી
આ રમખાણો મામલે વર્ષ 2008માં સુપ્રીમ કોર્ટે SITની રચના કરી હતી. SITએ કેસમાં થયેલા ચુકાદાનો રીપોર્ટ આપવા આદેશ કર્યો હતો. બાદમાં ઝાકિયાની ફરિયાદની તપાસ પણ SITને અપાઈ. SIT એ મોદીને ક્લીનચિટ આપી અને 2011માં સુપ્રીમ કોર્ટના આદેશ પર SITના મેજિસ્ટ્રેટને ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો. 2013માં ઝાકિયાએ ક્લોઝર રિપોર્ટનો વિરોધ કરતાં મેજિસ્ટ્રેટ સામે અરજી કરી. મેજિસ્ટ્રેટે અરજી ફગાવી દીધી. ત્યાર પછી ઝાકિયાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. હાઈકોર્ટે 2017માં મેજિસ્ટ્રેટના ચુકાદાને યથાવત્ રાખ્યો. ત્યારે ઝાકિયાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જે અંતર્ગત આજે સુપ્રીમ કોર્ટે આજે કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત રમખાણ કેસ શું છે?
ગુજરાત રમખાણ કેસ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ રમખાણોનો કેસ શું છે તે જાણીએ. ગુજરાતમાં ગોધરા કાંડ બાદ વર્ષ 2002ની 27મી ફેબ્રુઆરીનાં રોજ હિંસા ફાટી નીકળી હતી. જેમાં અનેક સ્થળોએ પથ્થરમારો તેમજ આગ લગાડવામાં આવી હતી. આ તોફાનોમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા તો અનેક લોકો ઘાયલ થયા તો કેટલાક લોકો ગુમ થઇ ગયા હતા. આ તોફાનમાં ઉપદ્રવીઓએ અમદાવાદની એક સોસાયટીને નિશાન બનાવી હતી, જેમાં ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકો માર્યા હતા. તેમાંથી 38 લોકોના મૃતદેહો મળ્યા હતા, જ્યારે જાફરી સહિત 31 લોકોને ગુમ દર્શાવાયા હતા.