Dakshin Gujarat

મહિલા તબીબ તથા યુવાન મિત્ર એવું તે શું કરતા હતા કે મેડિકલ કોલેજના ઇન્ટર્ન આલમમાં ચકચાર મચી ગઈ

વલસાડ : વલસાડ (Vasad) સિટી પોલીસ મથકની (Police Station) ટીમને મળેલી બાતમીના આધારે સોમવારે વલસાડ મેડિકલ કોલેજના (Medical College) ઇન્ટર્ન હોસ્ટેલના રૂમમાં છાપો માર્યો હતો. જેમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતી મહિલા તેના મિત્ર સાથે નશાની હાલતમાં ઝડપી પાડી જેલમાં ધકેલી દેતા મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબ આલમમાં ચકચાર મચી ગઈ હતી.

  • પોલીસે વલસાડ મેડિકલ કોલેજના ઇન્ટર્ન હોસ્ટેલની રૂમમાં છાપો મારતા નશાની હાલતમાં પકડાયા
  • સુરતની તબીબ શ્રૃષ્ટી અને વલસાડના ચિરંજીવની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા

વલસાડ સિટી પોલીસ મથકને બાતમી મળી કે વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન હોસ્ટેલમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જે બાતમીના આધારે મેડિકલ કોલેજના ઇન્ટર્ન હોસ્ટેલના રૂમ નં. 313 માં છાપો મારતા ઇન્ટર્ન તબીબ શ્રૃષ્ટી વિદ્યાભૂષણ સિંહા (મૂળ રહે. ડી-601 દર્શન સોસાયટી મગોબ, પર્વત પાટિયા, સુરત) તથા ચિરંજીવ ભાસ્કર શેટ્ટી (રહે. પ્લોટ નં.118 અક્ષરધામ સોસાયટી, મોગરાવાડી વલસાડ)ની ધરપકડ કરી બંનેની પાસેથી દારૂની વોડકા બોટલ સાથે બંનેની ધરપકડ કરી જેલમાં ધકેલી દેતા મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોમાં ભારે હલચલ મચી ગઈ હતી. વલસાડ સિટી પોલીસે પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારી દેસાઈ તળાવમાં દારૂ પીધા બાદ ન્હાવા પડતા યુવાનનું ડૂબી જતા મોત
નવસારી : નવસારી દેસાઈ તળાવમાં દારૂ પીધા બાદ ન્હાવા પડતા તળાવના પાણીમાં ડૂબી જતા ઘેલખડીના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ વલસાડ વાપી તાલુકાના ચલા-7 મહાલક્ષ્મી નગરમાં અને હાલ જલાલપોર ઘેલખડી પ્રદીપ પાંડેની ચાલમાં અજય રામસુરત ચૌહાણ (ઉ.વ.આ. 29) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 16મીએ સવારે અજય દારૂનો નશો કરી જલાલપોરમાં આવેલા દેસાઈ તળાવ પાસે આવ્યો હતો. જ્યાં અજયે પહેરેલા કપડા કાઢી, મોબાઈલ અને પાકીટ કાઢી તળાવમાં ન્હાવા માટે કુદકો માર્યો હતો. જોકે તે પૂર્વે તળાવની પાળ પર કપડા ધોતી મમતાબેન રાઠોડે તેને તળાવમાં જવા માટે ના પાડી હતી. પરંતુ અજયે તેમની વાત નહીં સાંભળી તળાવમાં ન્હાવા પડ્યો હતો.

થોડા સમય બાદ અજયે મમતા કરીને બુમ પાડી તળાવના પાણીમાં નીચે બેસી ગયો હતો. થોડા સમય સુધી અજય પાણીની ઉપર નહીં આવતા મમતાબેને બુમાબુમ કરતા તળાવ પર લોકોનું ટોળું ભેગું થઇ જતા કોઈકે નવસારી ફાયર વિભાગને જાણ કરી હતી. જેના પગલે ફાયર વિભાગની ટીમે આવી તળાવમાં કુદી અજયને શોધી મૃત બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે જલાલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે મમતાબેનની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. લક્ષ્મણભાઈને સોંપી છે.

Most Popular

To Top