હથોડા: પીપોદરા જીઆઇડીસી (Pipodra GIDC) ખાતે કાળજું કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. પત્નીએ બે પુત્રી સાથે મળી દારૂ ઢીંચીને ઘરમાં કંકાસ કરતા પતિને મારી નાંખી (Murder) લાશ (Deathbody) કોથળામાં પેક કરી નજીકના કચરાના ઢગલા પાસે દાટી દીધી હતી. પરંતુ લાશ દુર્ગંધ મારતાં આખરે ભાંડો ફૂટી ગયો હતો.
ઘટનાની વિગત એવી છે કે, મૂળ ઓડિશાનો વતની નરેશ ઉર્ફે પરેશ સૃષ્ટિ નાયક માસ્ટર કેટલાંક વર્ષોથી પીપોદરા જીઆઇડીસીમાં આવેલી ઉમંગ રેસિડેન્સીમાં તેની પત્ની સવિતા અને બે પુત્રી સોનિયા (ઉં.વ.20) અને પિંકલ (ઉં.વ.18) સાથે રહેતો હતો. જે કંપનીમાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતો હતો. નરેશને દારૂ પીવાની આદત હોવાથી ઘરમાં કંકાસ થતાં પત્ની સવિતાએ પુત્રી સોનિયા અને બીજી પુત્રી પિંકલ સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ બાદ લાશ કોથળામાં પેક કરી ઉમંગ રેસિડેન્સીથી થોડાક અંતરે આવેલા કચરાના ઢગલા પાસે ખાડો ખોદીને કોથળો અડધો દાટી દીધો હતો.
આ બનાવમાં મરણ જનારનો ભત્રીજો સુરતથી પીપોદરા જીઆઇડીસી આવતાં તેને કંઈ અજૂગતું જણાયું હતું. તેણે તપાસ કરતાં ચાર દિવસ પહેલાં કરેલી હત્યાના કારણે લાશ સડી જતાં અને દુર્ગંધ ફેલાતાં આખરે ભાંડો ફૂટી ગયો હતો. બીજી તરફ ઘટનાને અંજામ આપ્યા બાદ પત્ની સવિતા અને બંને પુત્રી વતન ઓડિસા ભાગી છૂટી હતી. આ બનાવની જાણ થતાં કોસંબા પોલીસે ઘટના સ્થળે ધસી જઈ કોથળામાં પેક કરેલી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ઘરના ઓટલે બેસી રડવાનો ઢોંગ કર્યો, ને પડોશી પાસે ટિકિટ બુકિંગ કરાવી
પત્ની અને પુત્રીઓએ ભેગા મળી હત્યા કર્યા બાદ ગભરાઈ જઈ અડોશપાડોશના લોકોને ઉલ્લુ બનાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. આ ઉપરાંત પોતાના ઘરના ઓટલે બેસી રડવાનો ઢોંગ કરી જણાવ્યું હતું કે, ‘અમારા સસરા સૃષ્ટિ નાયક ઓડિશા ખાતે બનેલી ટ્રેન દુર્ઘટનામાં મરી ગયા છે અને મારો પતિ ત્યાં ગયો છે. અમારે પણ ત્યાં જવું છે. અમને ટિકિટ બુકિંગ કરાવી આપો’ તેવું જણાવતાં પડોશમાં રહેતા મહંમદ યાકુબ ઉર્ફે મુન્ના મોહમ્મદ પાસે ટિકિટ બુકિંગ કરાવી ઓડિસા ભાગી છૂટી હતી.