National

સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, એક્ટ્રેસે ભાષણથી સૌના દિલ જીત્યા

આંધ્રપ્રદેશમાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહ દરમિયાન અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું વર્તન અને ભાષણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર અને અન્ય પ્રખ્યાત હસ્તીઓ હાજર હતા પરંતુ લોકોનું ધ્યાન સૌથી વધુ ઐશ્વર્યા રાય બચ્ચન તરફ ખેંચાયું હતું.

સમારોહ દરમિયાન ઐશ્વર્યા સ્ટેજ પર પહોંચતાં જ સીધી પીએમ મોદી તરફ આગળ વધી નમન કરીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પીએમ મોદીએ પણ હાથ જોડીને ઐશ્વર્યાને આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. આ ક્ષણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે અને લોકો ઐશ્વર્યાના સંસ્કાર અને વિનમ્રતા માટે વખાણ કરી રહ્યા છે.

સત્ય સાંઈ બાબાના સમારોહમાં પોતાના ભાષણ દરમિયાન ઐશ્વર્યાએ પ્રેમ, માનવતા અને એકતાનો સંદેશ આપ્યો. તેણીએ કહ્યું “માત્ર એક જ જાતિ છે માનવતાની જાતિ. ફક્ત એક જ ધર્મ છે પ્રેમનો ધર્મ. અને ફક્ત એક જ ભાષા છે હૃદયની ભાષા.” તેણીના આ શબ્દો પર સભામાં તાળીઓના ગડગડાટ સાથે પ્રતિક્રિયા મળી હતી. ભાષણ દરમિયાન તેણીએ પીએમ મોદીનો આભાર માન્યો અને સત્ય સાંઈ બાબાના શિક્ષણ વિશે પણ વાત કરી.

ઐશ્વર્યા રાય અને સત્ય સાંઈ બાબા વચ્ચેનો સંબંધ લાંબો અને ભાવનાત્મક છે. ઐશ્વર્યાના માતાપિતા સત્ય સાંઈ બાબાના ભક્ત હતા અને ઐશ્વર્યા પોતે પણ બાળપણથી તેમની શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલી હતી. તેણીએ બાળ વિકાસ વિભાગમાં અભ્યાસ કર્યો હતો અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. 1994માં મિસ વર્લ્ડ જીત્યા પછી પણ ઐશ્વર્યા સત્ય સાંઈ બાબાના આશીર્વાદ લેવા ગઈ હતી.

સમારોહનો આખો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો ઐશ્વર્યાની સાદગી, સંસ્કાર અને માનવતાના સંદેશની પ્રશંસા કરી રહ્યા છે. આ પ્રસંગે ઐશ્વર્યાએ ફરી સાબિત કર્યું કે તે માત્ર સુંદરતાથી નહીં પરંતુ પોતાના વિચારો અને મૂલ્યો દ્વારા પણ લોકોના દિલ જીતે છે.

Most Popular

To Top