Business

AI ની અફરાતફરી: સેન્સેક્સ નિફ્ટીમાં પડ્યા ગાબડા, તો સોના-ચાંદીના ભાવોમાં આગેકૂચ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈના લીધે શેરબજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આની અસર અમેરિકા, એશિયાઈ બજાર અને ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. સેન્સેક્સ નિફ્ટીમાં પણ ભારે ગાબડા પડ્યા છે. તેમ જ આઈટી સ્ટોક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે શેરબજાર એકદમ નીચે છે. ટીસીએસ, ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા અને વિપરો જેવા શેરોમાં છ ટકા જેટલો ધટાડો જોવા મળ્યો છે. તો સામે સોના અને ચાંદીમાં સુધારો થયો છે. એઆઈના કારણે આઈટીના શેરોના ભાવોમાં મોટાપાયે ઘટાડો થયો હોવાનો માર્કેટમાં ગણગણાટ છે. એઆઈ કંપનીઓનો દાવો છે કે આઈટી કંપનીઓ વધારે ઊંચા ખર્ચે અને લાંબા સમય સુધી કામ કરે છે અને એમના પ્રમાણમાં એઆઈ કંપનીઓ ઓછો સમય અને ખર્ચ સાથે આ કામ ઝડપથી પતાવી લેવા સમર્થ છે. આનો અર્થ એ થયો કે આઈટી કંપનીઓનું બિઝનેસ મોડેલ કટોકટીમાં છે. આના કારણે શેરબજારમાં ભારે ધબડકો જોવા મળ્યો છે.

આજે સવારે પોણા દસ સુધી સેન્સેક્સ 739.44 એટલે કે 0.89% ગબડીને 82,932.25 પર, જયારે નિફ્ટી 241.45 અંક એટલે કે 0.94% ટૂટીને 25,908 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. બીએસઈના ટોપ 30 શેરોમાંથી 27 શેરોની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જેમાં મોટાભાગની આઈટી કંપનીઓ છે. ગઈકાલે મોડી રાત્રે સોના અને ચાંદીના ભાવોમાં પણ મોટા પ્રમાણમાં નીચે આવ્યા હતા. સોનું લગભગ 6000 રૂપિયા નીચે ઉતર્યું હતું અને 1,52 લાખ પહોંચ્યું હતું. જયારે ચાંદીના ભાવમાં 26000 રૂપિયા તૂટ્યા હતા અને ચાંદી 1.55 લાખની આસપાસ રહ્યું હતું. તો બીજી બાજુ સોના અને ચાંદીના ઇટીએફમાં છ ટકા જેટલું ગાબડું નોંધાયું હતું. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવોમાં મોટા ફેરફારો નોંઘાયા હતા. અમેરિકાની શેરબજાર પણ એમાંથી બાકાત રહી નહતી. બુલ્સે અમેરિકાના બજારોને પણ હડફેટે લઈ લીધા હતા.

Most Popular

To Top