સુરત : સુરતમાં એર એશિયાનાં આગમન પહેલાં એર ઇન્ડિયાએ એનું સંપૂર્ણ ઓપરેશન સમેટી લેવાનો નિર્ણય લીધો છે. એરલાઈન્સે દિલ્હી-સુરત રૂટની સવારની પછી હવે 8 માર્ચથી સાંજની ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ બંને ફ્લાઈટ સવારે અને રાતે દિલ્હીથી સિંગલ પીએનઆર ટીકીટ પર ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મેળવવા માટે મહત્વનાં હતાં. સુરતનાં જે પ્રવાસી દિલ્હી પહોંચી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનની ફ્લાઈટ પકડવા માંગતા હતાં એમને હવે મુંબઇ, દિલ્હી વહેલા પહોંચી ઇન્ટરનેશનલ ફ્લાઈટ પકડવાની ઝંઝટમાંથી પસાર થવું પડશે. એર એશિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, એર ઇન્ડિયા અને અલાયન્સ એર સહિતની એરલાઈન્સ કંપનીઓ ટાટા ગ્રુપમાં મર્જર થયાં પછી સુરતથી એર એશિયાએ 3 માર્ચથી દિલ્હી, બેંગલુરુ, કોલકાતા અને ગોવાની (વાયા) ડેઇલી અને 6 થી 8 શહેરોને સાંકળતી વનવે ફ્લાઈટની જાહેરાત કરી છે. પણ આ જાહેરાત પહેલા અને પછી એર ઇન્ડિયાએ સુરતથી દિલ્હીની બંને ફલાઇટ બંધ કરવાનું નક્કી કર્યું હતું.
ડિસેમ્બર-2022માં સવારની ફલાઇટ બંધ થઈ ગઈ હતી. હવે સાંજની ફ્લાઈટ પણ બંધ થશે. વી.વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, 8 માર્ચથી સુરત સેક્ટર એર એશિયાનાં હવાલે મૂકવામાં આવ્યું હોવાનું જણાય છે. સમર શિડ્યુઅલમાં પણ એર ઇન્ડિયાએ દિલ્હી – સુરત – દિલ્હીની સાંજની ફલાઇટનું બુકિંગ લેવાનું બંધ કર્યું છે. એને લીધે હવે સુરતનાં મુસાફરોને એર ઇન્ડિયા અને સ્ટાર એલાયન્સની ઇન્ટનેશનલ કનેક્ટિવિટીની ખૂબ મોટી ખોટ ઊભી થશે. માનવામાં આવે છે કે એર એશિયા થકી ઇન્ટનેશનલ સીમલેસ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. પરંતુ એ માટે લાંબો સમય રાહ જોવી પડે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. સુરત એરપોર્ટની કનેક્ટિવિટી માટે લડત લડીને તમામ સ્તરનાં પ્રયાસોથી સુરતનાં મુસાફરો સુરતથી ફ્લાય કરતાં થયાં હતાં. એ ટ્રેન્ડ ફરીથી તૂટવાની પૂરેપૂરી સંભાવના છે. 8 માર્ચથી આ ફ્લાઇટ બંધ થશે તો ઇન્ટનેશનલ કનેક્ટિવિટીનો મુદ્દો ધ્યાને લઈએ તો સંભવતઃ 6 થી 8 મહિના માટે શૂન્યાવકાશ સર્જાઈ શકે છે. વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા જ્યાં સુધી એર એશિયા થકી ઇન્ટનેશનલ એક્સેસ ન મળે ત્યાં સુધી દિલ્હી- સુરત- દિલ્હીની સાંજની ફ્લાઇટ ચાલુ રાખવા એરલાઈન્સ અને સાંસદને રજૂઆત કરવામાં આવી છે એમ ગ્રુપના અગ્રણી સંજય જૈને જણાવ્યું હતું.
સુરતે 3 કરોડની બેંક ગેરંટી આપી મેળવેલી દિલ્હી-સુરત ફ્લાઈટ પણ બંધ થઈ ગઈ
ભારતનાં એવિએશનનાં ઇતિહાસમાં સુરત પ્રથમ એવું શહેર છે જેના ત્રણ ઉદ્યોગ સંગઠનોએ 3 કરોડની માતબર બેંક ગેરંટી આપી એર ઇન્ડિયાની દિલ્હી-સુરતની ડેઇલી ફલાઇટ મેળવી હતી. આ ફ્લાઈટ એટલી સફળ રહી હતી કે, એરલાઈન્સે સામે ચાલીને ત્રણે એસોસિએશનને બેંક ગેરન્ટી પરત લેવા જણાવી કરાર ટૂંકાવી દીધો હતો. નવાઈની વાત એ છે કે, સુરતથી દિલ્હીની આ સૌથી સફળ ફ્લાઈટ પણ એર ઇન્ડિયાએ ડિસેમ્બરથી બંધ કરી દીધી છે. AI 489/490 એ એક ઐતિહાસિક ફ્લાઇટ છે જેને મેળવવા માટે સુરતનાં સાંસદોએ 3 કરોડની બેંક ગેરંટી સરકારી એરલાઈન્સને અપાવી હતી.
2022 નાં વર્ષમાં સુરત એરપોર્ટ પર 12,11,800 પેસેન્જરની અવર જવર નોંધાઇ
સુરત એરપોર્ટ પર ગોકળગાય ગતિએ ચાલી રહેલાં 353 કરોડનાં વિકાસનાં કામો અને અન્ય સમસ્યાઓને લઈ એક પછી એક અંકુશોને લીધે ફ્લાઈટ બંધ થવા છતાં 2022 નાં વર્ષમાં ઓછી ફ્લાઈટ છતાં સુરત એરપોર્ટથી અવર જવર કરનાર પેસેન્જરોની સંખ્યા 12,11,800 નોંધાઇ છે. એટલેકે સરેરાશ 1,00,983 પેસેન્જર સુરત એરપોર્ટનો મહિને ઉપયોગ કરી રહ્યાં છે. 2022નાં વર્ષમાં સુરત એરપોર્ટ પર 11,82,375 ડોમેસ્ટિક અને 29,425 ઇન્ટરનેશનલ પેસેન્જર મળી 12,11,800 પેસેન્જર નોંધાયા છે. ગત મહિને ડિસેમ્બર 2022 માં 99,267 ડોમેસ્ટિક અને 3938 ઇન્ટરનેશનલ મળી 1,03205 પેસેન્જરની અવર જવર રહી હતી. એવી જ રીતે ડિસેમ્બરમાં કુલ 306 મેરિક ટન કાર્ગોની અવર જવર પણ નોંધાઇ છે.