સુરત: તાતા ગ્રુપમાં (TATA Group) મર્જર પછી એર એશિયા એરલાઈન્સ 2019-20માં ટુ ટાયર સિટીમાં સર્વાધિક 200 %થી વધુ પેસેન્જર ગ્રોથ મેળવનાર સુરત એરપોર્ટથી (Surat Airport) દિલ્હી, કોલકાતા, બેંગ્લુરુની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. એર એશિયાએ આજે વિધિવત એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓફિશિયલ વેબસાઈટ પર સુરતથી બેંગ્લુરુ, દિલ્હી, કોલકાતા અને ગોવા ફ્લાઈટની જાહેરાત કરી ટિકિટ બુકિંગ શરૂ કર્યું છે.
એર એશિયા 4 માર્ચથી સુરતથી દિલ્હી, બેંગ્લુરુ કોલકાતાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરશે. જ્યારે બેંગ્લુરુ-સુરત-ચેન્નાઇ, જયપુર-દિલ્હી-સુરત, સુરત-દિલ્હી-લખનૌ અને સુરત-બેંગ્લુરુ-ગોવાની વાયા ફ્લાઈટ પણ જાહેર કરાઈ છે. એ રીતે સુરત એકસાથે 8 શહેર સાથે એર એશિયાનાં નેટવર્ક સાથે કનેક્ટ થશે. માત્ર સુરતથી કોચીની ફ્લાઈટ માટે એરક્રાફ્ટ બદલવું પડશે. જ્યારે સુરતથી ગોવા વાયા બેંગ્લુરુ વિમાન બદલ્યા વિના સિંગલ પીએનઆર ટિકિટ પર જઈ શકાશે. એવી જ રીતે ચેન્નાઇ, લખનૌ, જયપુર પણ વિમાન બદલ્યા વિના કનેક્ટિવિટી મળશે.
સુરતથી આ શેહરોની સિંગલ પીએનઆર ટિકિટથી જોડાઈ શકશે. એવિએશન ઇન્ડસ્ટ્રીનાં સૂત્રોના જણાવ્યા મુજબ એરલાઈન્સ સુરતને મહત્ત્વનું સેન્ટર બનાવી દેશના અમદાવાદ-મુંબઇ સિવાયનાં મેટ્રો સિટી અને ટુ ટાયર સિટીને કનેક્ટ કરશે. માર્ચમાં સુરત એરપોર્ટ પર વિમાન પાર્કિંગ માટેની વધારાની સુવિધા મળવા જઈ રહી હોવાથી એરલાઈન્સે એકસાથે સુરતથી ઘણાં સ્ટેશનની કનેક્ટિવિટી જાહેર કરી છે. તાતા ગ્રુપની બીજી કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરત એરપોર્ટથી એકમાત્ર શારજાહ-સુરતની સપ્તાહમાં ત્રણ દિવસની ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે. સુરતના ટ્રાવેલર્સ, ટૂર ઓપરેટર આ એરલાઈન્સ પાસે દુબઈની ફ્લાઈટની માંગ કરી રહ્યું છે. એર એશિયાના સુરત આગમન પછી એરલાઈન્સ વચ્ચે ટિકિટ ભાડામાં દરમાં તીવ્ર સ્પર્ધા થઈ શકે છે. જેનો લાભ પેસેન્જરને મળશે
ઇન્ડિગો એરલાઈન્સ પણ માર્ચથી સુરત-કોલકાતાની ફ્લાઈટ શરૂ કરશે
ઈન્ડિગો એરલાઈન્સ સુરત-કોલકાતાની જે ફ્લાઈટ અગાઉ જાન્યુઆરીમાં શરૂ કરવાની જાહેરાત કરી ચૂક્યું હતું, એ ફ્લાઈટ હવે માર્ચ મહિનામાં શરૂ કરશે. ઈન્ડિગો એક બીજી નવી ફ્લાઈટ પણ સુરતથી શરૂ કરવા આયોજન કરી રહી છે.
1 એપ્રિલથી ફરી સુરત એરપોર્ટ પર 24 કલાક એર ઓપરેશન થઈ શકશે
સુરત એરપોર્ટ પર ચાલી રહેલાં વિકાસનાં કામોને લીધે NOTAMના અંકુશો હોવાથી મોડી રાતથી સવારે 7:30 સુધી એરપોર્ટ બંધ રહેતું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે 1 એપ્રિલ-2023થી દેશનાં 5 એરપોર્ટ પર 24 કલાક એર ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં સુરત, ઈમ્ફાલ, ભોપાલ, મદુરાઈ અને અગરતલાને 24 કલાક એર ઓપરેશન ચાલુ રાખવા અને એ મુજબ એરલાઈન્સ કંપનીઓને સ્લોટની ફાળવણી કરવા જણાવવામાં આવ્યું છે. DGCA નવા એપ્રનની મંજૂરી મળ્યા પછી નાઇટમાં વિમાનની સુવિધા જાહેર કરશે.