ગાંધીનગર: એરકન્ડિશનીંગ અને રેફ્રિજરેશન (Air conditioning and Refrigeration) એપ્લિકેશનમાં વપરાશમાં લેવાતી અત્યાધુનિક કોપર ટ્યુબનું (Copper tube) ઉત્પાદન આગામી દિવસોમાં ગુજરાતમાં (Gujarat) થશે. મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં રાજય સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને કોપર ટ્યુબના ઉત્પાદન તથા વિકાસમાં અગ્રણી કંપની મેટટ્યુબ કોપર ઈન્ડિયા પ્રા.લિ. વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.
સાણંદ-II ઔદ્યોગિક વિસ્તારમાં મેટટ્યુબ ઈન્ડિયા પ્રા.લિ પોતાનો આ અત્યાધુનિક કોપર ટ્યુબ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ શરૂ કરશે જે સંભવતઃ જાન્યુઆરી ર૦ર૪માં ઉત્પાદન શરૂ કરે તેવી નેમ રાખવામાં આવી છે. ફિફથ જનરેશનના કોપર ટ્યુબના નિર્માણથી ભવિષ્યમાં ઉપકરણોના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં આ સૂચિત પ્લાન્ટ મદદરૂપ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ સૂચિત પ્લાન્ટ શરૂ કરવા માટેની યોગ્ય જરૂરી મદદ રાજ્ય સરકાર કરશે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું.
મેટટ્યુબ કોપર ઈન્ડિયાના ચેરમેન અપૂર્વ બાગરીએ કહ્યું કે, તેઓ મલેશિયામાં એક મોટો પ્લાન્ટ ચલાવે છે. ઉચ્ચ કાર્યક્ષમ ઇકો ફ્રેન્ડલી કોપર ટ્યુબના ઉત્પાદનનો ઉપયોગ મુખ્યત્વે વર્લ્ડકલાસ એપ્લાયન્સ મેન્યૂફેકચરીંગ કરતા ઉત્પાદકો કરે છે. હવે કોપર ટ્યુબનો સૂચિત પ્રોજેક્ટ શરૂ કરવા તેઓએ ગુજરાતના સાણંદ પર પસંદગી ઉતારી છે. આ સૂચિત પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની ઇકો સિસ્ટમ દ્વારા અંદાજે ૧પ૦૦ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળતી થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.