Editorial

અમેરિકા જેવા દેશો દ્વારા વિશ્વના દેશોને કરાતી સહાય અનેક છૂપા હેતુઓ પણ ધરાવતી હોઇ શકે છે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા એકાદ સપ્તાહ કરતા વધુ સમયથી એક વાત વારંવાર પોતાના પ્રવચનોમાં કહી રહ્યા છે અને તે એ કે ભારતને ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડનના શાસનમાં   ૨૧૦ લાખ ડોલરની સહાય આપવામાં આવી હતી અને તે ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે.  ટ્રમ્પે એવો પણ દાવો કર્યો  કે ‘મતદાન વધારવા’ માટે ભારતને ૨૧ મિલિયન   ડોલરનું ભંડોળ એક કટકીની યોજના હતી. ટ્રમ્પે આ ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં રિપબ્લિકન ગવર્નર્સ એસોસિએશનની બેઠકમાં બોલતા આ ટિપ્પણીઓ કરી હતી.

ભારતમાં મતદાન માટે 21   મિલિયન ડોલર. આપણે ભારતના મતદાનની કેમ ચિંતા કરીએ છીએ? આપણને ઘણી સમસ્યાઓ છે. આપણે આપણું પોતાનું મતદાન વધારવા ઇચ્છીએ એમ ટ્રમ્પે કહ્યું. એક અઠવાડિયામાં ત્રીજી વખત ટ્રમ્પે આ ભંડોળ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. આ પહેલા   મિયામીમાં FII પ્રાયોરિટી સમિટને સંબોધતા,   તેમણે ભારતને અપાતા ભંડોળ પર સમાન ચિંતાઓ વ્યક્ત કરી હતી અને સૂચવ્યું હતું કે તેઓ કોઈ બીજાને ચૂંટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના આવા આક્ષેપથી ભારતમાં રાજકીય   ઘમસાણ શરૂ થઇ ગયું અને શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામા આક્ષેપો કરવા લાગી ગયા.

આ આખી વાતમાં રમૂજી વળાંક આવ્યો. જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પુરોગામી જો બાઇડન પર પ્રહારો કરતા ભારતમાં મતદાન વધારવા માટે ૨૧૦ લાખ ડોલર આપવામાં   આવતા હતા તે મુદ્દો એક સપ્તાહમાં ત્રણ વખત ઉપાડ્યો અને અમેરિકાનું સરકારી કાર્યક્ષમતા વિભાગ કહે છે કે તેણે આ સહાય રદ કરી છે ત્યારે ભારતના એક અગ્રણી અખબારે હકીકતો   ચકાસતા જણાયું છે કે આ રકમ ભારત માટે નહીં પણ બાંગ્લાદેશ માટે ચુકવવામાં આવી હતી! મસ્કે આ મુદ્દો ઉપાડ્યો અને ટ્રમ્પે માની લીધું અને આ વાત ઉછાળવા માંડ્યા અને એમ પણ   કહી દીધું કે ભારતમાં કોઇ બીજાને ચૂંટાવવા આ રકમ આપવામાં આવતી હતી અને ભારતમાં શાસક ભાજપે આ અંગે કોંગ્રેસ પર ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પર અસર કરવા બહારથી   દખલગીરી થવા દેવાનો આક્ષેપ કર્યો.

જો કે એક અંગ્રેજી અખબારે ફેક્ટ ચેક કરતા જણાયું કે તે ૨૧ મિલિયન ડોલરની રકમ ૨૦૨૨માં બાંગ્લાદેશ માટે મંજૂર કરવામાં આવી હતી, ભારત માટે   નહીં. આમાંથી ૧૩.૪ મિલિયન ડોલરની રકમ તો અપાઇ પણ ગઇ છે અને તે રકમ જાન્યુઆરી ૨૦૨૪માં બાંગ્લાદેશમાં યોજાયેલ ચૂંટણી વખતે વિદ્યાર્થીઓમાં રાજકીય અને નાગરિક   જાગૃતિ માટેના કાર્યક્રમો માટે અપાઇ હતી. આ પહેલા મોલ્દોવાને પણ ૨૦૧૬માં આ પ્રકારની સહાય મંજૂર કરવામાં આવી હતી. એમ પણ જાણવા મળે છે કે 2008 થી 2024 ની વચ્ચે,   USAID એ બાંગ્લાદેશને ચૂંટણીના હેતુ માટે 23.6 મિલિયનનું ભંડોળ આપ્યું હતું.

જ્યારે આ જ હેતુ માટે, ભારતને તે રકમનો માત્ર એક ભાગ મળ્યો છે – 2013 થી 2018 ની વચ્ચે અડધા   મિલિયન ડોલરથી પણ ઓછી રકમ મળી છે. ભાજપે  યુએસએઆઈડી ભંડોળના મુદ્દા પર કોંગ્રેસ પર પોતાના હુમલા વધુ તીવ્ર બનાવ્યા અને રાહુલ ગાંધીને ‘દેશદ્રોહી’ ગણાવ્યા, તેમના પર ભારતને નબળું પાડવાના  પ્રયાસમાં વિદેશી દળો સાથે  સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો અને મીડિયા અહેવાલોને ‘ઢાંકપિછોડા’ તરીકે ફગાવી દીધા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2022માં ભારતને નહીં પણ  બાંગ્લાદેશ માટે 21 મિલિયન  ડોલર મંજૂર કરવામાં આવ્યા હતા.

બીજી બાજુ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપની આ વાતો તેણે પોતે ભૂતકાળની સરકારોને અસ્થિર કરવા કરેલા ઉપયોગ  પરથી ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ  છે.  કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે સત્તાવાર દસ્તાવેજોએ પુરવાર કર્યું છે કે  વડાપ્રધાન મોદીના  મિત્ર  ટ્રમ્પે જાણે  અજાણે છબરડો કર્યો છે અને આ ૨૧ મિલિયન ડોલરની રકમ ભારતને અપાઇ હોવાનો ખોટો દાવો કર્યો છે અને ભાજપવાળા તે સાથે આક્ષેપબાજી  કરવા કૂદી પડ્યા છે. ભાજપે ભૂતકાળમાં  કોંગ્રેસની સરકારોને અસ્થિર કરવા વિદેશી ભંડોળોનો ઉપયોગ કર્યો હતો તે પાપ પરથી ધ્યાન બીજે દોરવા તેઓ આ કરી રહ્યા હોવાનું ખેડાએ કહ્યું  હતું. ભંડોળોની બાબતમાં શ્વેતપત્ર બહાર  પાડવાની પણ કોંગ્રેસે માગણી કરી છે.

ખરેખર તો અમેરિકા દ્વારા કરવામાં આવતી આવી સહાયો એક વ્યુહરચનાનો ભાગ છે. અમેરિકા વિશ્વના વિવિધ દેશોને સહાય કરીને મોટા ભાઇ તરીકેની ભૂમિકા ભજવતું હતું. હવે ચીન  પણ આ કરવામાં મેદાને પડ્યું છે. અને બરાબર એવા જ સમયે ટ્રમ્પે અમેરિકા દ્વારા કરવામાં આવતી આવી સહાયો બંધ કરી દીધી છે તે બાબતે નિષ્ણાતોમાં ચિંતા પણ  જન્માવી છે. કેટલાક  નિષ્ણાતો કહે છે કે આનાથી વિશ્વમાં પોતાની વગ વધારવામાં ચીનને મોકળું મેદાન મળી જશે.  આ બાબતો સૂચવે છે કે અમેરિકા જેવા દેશો દ્વારા દેશોને કરવામાં આવતી સહાયો પણ કેવા છૂપા હેતુઓ ધરાવે છે અને કેવા કેવા વિવાદો જન્માવી શકે છે.

Most Popular

To Top