ગાંધીનગર: શહેરી વિકાસને (Urban development) વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ (Ahmedabad) અને વડોદરાની (Vadodra) કુલ ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીએ (CM) મંજૂરી આપી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાનાં (Road) કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે. ભૂપેન્દ્ર પટેલે ૧ પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ, ૧ ફાઈનલ સ્કીમ ઉપરાંત ૪ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર કરી છે. પ્રીલીમનરી સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં૨૬ (મકરબા) અને ફાઈનલ સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં.૩૭ (દાણીલીમડા નોર્થ)નો સમાવેશ થાય છે.
વડોદરાની ચાર ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમજ આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ (1) ટી.પી. સ્કીમ નં.૨૭/બી(બિલ), (2) ટી.પી. સ્કીમ નં.૨૭/સી (ચાવડ), (3) ટી.પી. સ્કીમ નં.૨૪/બી (ભાયલી-ગોકુલપુરા-રાયપુરા) તથા (4) ટી.પી. સ્કીમ નં.૪૨ (કોયલી)નો સમાવેશ થાય છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧ પ્રીલીમિનરી ટી.પી. સ્કીમ અને વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ૪ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ એમ કુલ પાંચ ટી.પી. સ્કીમ મળી સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે ૫૧.૮૪ હેક્ટર્સ જમીન, બાગ-બગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે કુલ ૬૧.૫૨ હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે ૫૨.૮૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતર માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે ૧૧૧.૯૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પાંચ સ્કીમમાં મળીને અંદાજે કુલ ૪૬,૪૦૦ ઈ.ડબ્લ્યૂ.એસ. આવાસો બની શકશે.