ગાંધીનગર : રાજય સરકાર રાજ્યને વૈશ્વિક સ્તરે ‘સ્પોર્ટર્સ હબ’ તરીકે વિકસાવવા દિશામાં મોટા પગલાં ભરી રહી છે. ગુજરાત વિધાનસભામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે વિભાગ માટે ₹2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. તેમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે જ ₹1331 કરોડ ફાળવવામાં આવ્યા છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા માટે આશરે ₹500 કરોડના ખર્ચે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.
રમત ગમત માટે આ સુવિધા ઉપ્લબ્ધ કરાવાશે
(1) નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 335 એકર વિસ્તારમાં ‘SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ’ વિકસાવવામાં આવશે, જેમાં 12,000 ક્ષમતાવાળું ઓલિમ્પિક ધોરણનું એક્વેટિક સેન્ટર, 24,000 ક્ષમતાવાળું ટેનિસ સેન્ટર અને 18,000 બેઠક ક્ષમતાવાળું આધુનિક ઇન્ડોર એરેના બનાવાશે.
(2) ગુજરાત પોલીસ એકેડેમીના 143 એકર વિસ્તારમાં 50,000 દર્શકોની ક્ષમતા ધરાવતું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શૂટિંગ રેન્જ તૈયાર કરવામાં આવશે.
(3) અમદાવાદના ભાટ વિસ્તારમાં 135 એકરમાં 17,500 ખેલાડીઓ રહી શકે તેવું ‘ઓલિમ્પિક વિલેજ’ પણ બનાવાશે.
(4) રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ₹165 કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હોકીની રમતને પ્રોત્સાહન આપવા માટે ₹90 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાની પણ યોજના છે.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2010માં શરૂ થયેલા ‘ખેલ મહાકુંભ’માં શરૂઆતમાં 16.50 લાખ રમતવીરો જોડાયા હતા, જે સંખ્યા હવે 2025-26માં વધીને 72 લાખ સુધી પહોંચી છે. રાજ્યની 230 શાળાઓમાં ‘ઇન સ્કૂલ’ યોજના હેઠળ 1.29 લાખથી વધુ બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે, જ્યારે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલોમાં દર વર્ષે ₹95 કરોડના ખર્ચે 5300થી વધુ ખેલાડીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ ખેલાડીઓએ અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાએ 170 અને રાજ્ય કક્ષાએ 1938 મેડલ જીત્યા છે.
તે ઉપરાંત 2024-25ની 68મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ 32 ગોલ્ડ, 31 સિલ્વર અને 54 બ્રોન્ઝ સહિત કુલ 117 મેડલ જીતી રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજાવ્યું છે.યુવાનોના બૌદ્ધિક વિકાસ માટે ગ્રંથાલયોના આધુનિકીકરણ માટે ₹187 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં આદિવાસી વિસ્તારોમાં 12 નવી લાઈબ્રેરી અને 16 સોલાર પાવર આધારિત લાઈબ્રેરી બનાવાશે. સાહિત્ય ગૌરવ પુરસ્કારની રકમ ₹1 લાખથી વધારી ₹2 લાખ અને યુવા ગૌરવ પુરસ્કાર ₹51 હજારથી વધારી ₹1 લાખ કરવામાં આવ્યો છે.સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ માટે ₹226 કરોડના ખર્ચે કચ્છના વડીમેડી અને પ્રભાસ પાટણના સૂર્યમંદિર સહિતના ઐતિહાસિક સ્થળોના પુનઃસ્થાપનનું કાર્ય હાથ ધરાશે. સાથે જ કેવડિયામાં 562 રજવાડાની એકતાનું સંગ્રહાલય અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત મ્યુઝિયમ પણ વિકસાવવામાં આવી રહ્યા છે.ગુજરાત વિધાનસભામાં અંતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ₹2006 કરોડની અંદાજપત્રિય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.