રાજપીપળા(Rajpipla): સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 31 ઓક્ટોબર-2020ના દિવસથી શરૂ કરેલી સી પ્લેન (C-Plan) સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે. સી પ્લેન ક્યારે શરૂ થશે એની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સી પ્લેન માટે કેવડિયાનું વોટર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું હોવા છતાં એમાં નવી છત અને પ્રોટેક્શન વોલ, સુરક્ષા પોઇન્ટ બનાવવામાં આવી છે. એ જોતાં ટૂંક સમયમાં જ સી પ્લેન સેવા ફરી શરૂ થશે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં હતાં. તો આ તમામની વચ્ચે સરકારે સી પ્લેન સેવા નવી પોલિસી સાથે ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેથી હવે ટૂંક જ સમયમાં પ્રવાસીઓ સી પ્લેનનો લાભ લઈ શકશે. હાલ કેવડિયાના વોટર એરોડ્રામને નવરૂપ રંગ કરી નવો લૂક આપવામાં આવ્યો છે.
હવે આગામી સમયમાં સી પ્લેન સેવા નવી પોલિસી સાથે સરકાર શરૂ કરવા જઈ રહી છે. બંધ થયેલી સી પ્લેન સેવા ફરી શરૂ કરવા સરકારે રસ દાખવી બીડિંગ મંગાવ્યાં હતાં. બીડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુંબઈની એક કંપનીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સર્વિસ ઓપરેટ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ સેવાનો ફરી ફિયાસ્કો ન થાય એ માટે નવી પોલિસી મુજબ સી પ્લેન ચલાવવાનું નક્કી કરાયું છે. ગુજરાતના ટુરિઝમને વેગ મળે એ માટે શિવરાજપુરથી દ્વારકા વચ્ચે સી પ્લેન શરૂ કરવા આગામી સમયમાં નવા બિડિંગ ઓપન કરશે. આ સાથે ગુજરાતનાં બંદરોને પણ સી પ્લેન સાથે જોડવાની સરકારની વિચારણા છે. અગાઉ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સર્વિસ શરૂ થઈ હતી. પણ 50 વર્ષ જૂના સી પ્લેનને વારંવાર મેઇન્ટેનન્સ માટે માલદીવઝ મોકલવામાં આવી રહ્યું હતું. જો કે, હવે પછી એવું ન બને એની સરકાર દ્વારા પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે.
સરકાર ‘સી’ પ્લેનના મેન્ટેનન્સ માટે પણ કોઈ વ્યવસ્થા કરે એ જરૂરી છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ આ ‘સી’ પ્લેન સેવાને પ્રવાસીઓ મોટી સંખ્યામાં પ્રતિસાદ મળવો જોઈએ એ મળતો ન્હોતો. ‘સી’ પ્લેનને અમુક કલાક ઉડાન બાદ મેન્ટેનન્સની જરૂરિયાત હોય છે પરંતુ એ મેન્ટેનન્સ માટે કેવડિયાથી અમદાવાદ વચ્ચે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અમુક કલાકોની ઉડાન બાદ તેને મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવતું હતું. તો સરકાર ‘સી’ પ્લેનના મેન્ટેનન્સ માટે પણ કોઈ વ્યવસ્થા કરે એ જરૂરી બન્યું છે.