અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના એલિસબ્રિજ પોલીસ મથકમાં (Police Station) ખાનગી કંપનીના (Private Company) કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરવાના મામલે બે પોલીસ કર્મચારીઓ રૂપિયા 2.75 લાખની લાંચની માંગણી કરી તે સ્વીકારતા એસીબીના (ACB) છટકામાં ઝડપાઈ ગયા હતા.
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં થયેલી નાણાકીય ગેરરીતિની એલિસબ્રિજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ હતી. આ ફરિયાદની તપાસ હેડ કોસ્ટેબલ વિનોદ બાબુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ બાદલભાઈ પચાણભાઈ કરી રહ્યા હતા. આ બંને પોલીસ કર્મીઓએ ખાનગી કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવો પડશે, તેમ કહી જો કેસમાંથી બચવું હોય તો 25 લાખ રૂપિયા આપવા પડશે, તેમ કહી અંતે 7 લાખ રૂપિયામાં વાત નક્કી થઈ હતી. દરમ્યાનમાં આ અંગે એસીબીમાં ફરિયાદ થતાં ગોઠવાયેલા લાંચના છટકામાં આ બંને પોલીસકર્મીઓએ ખાનગી કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરવાના કામ પેટે લાંચની રકમનો પહેલો હપ્તો રૂપિયા 2.75 લાખની માંગણી કરી તે સ્વીકારવા જતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના છટકામાં ઝડપાઇ ગયા હતા.
રાજકોટના મનોજ અગ્રવાલની બદલી બાદ હવે વધુ આઈપીએસની બદલીના એંધાણ
ગાંધીનગર: ગઈકાલે રાત્રે રાજ્ય સરકાર દ્વારા રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની બદલી જુનાગઢ અનામત પોલીસ તાલીમ શાળા ખાતે કરી દીધી છે. એટલુ જ નહીં અગ્રવાલની બદલીની સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પો.ઈ. વિરલ ગઢવી તથા પો.સ.ઈ. અને અન્ય બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા ઉપરાંત તેઓની સામે પણ એસીબીને તપાસ સોંપી દેવામાં આવી છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ ગમે તે ઘડીયે કરાય તેવી સંભાવના છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા પોલીસ કમિશ્નર તથા રેન્જમાં પણ બદલાવ આવી શકે છે. જામનગર જિલ્લા પોલીસ વડાની જગ્યા ખાલી હોવાથી અહીં જિલ્લામાં નવી નિમણૂંક થઈ શકે છે.
રાજકોટના ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાની સામે 75 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરતો પત્ર ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો. આ પત્ર મીડિયામાં જાહેર થઈ જતાં સરકારે સિનિયર આઈપીએસ વિકાસ સહાયને તપાસ સોંપી હતી. જેમાં ફરિયાદી સખીયા બંધુઓએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના જવાબદાર અધિકારીઓની પાંચ કરતાં વધુ ઓડિયો કલીપ પુરાવા તરીકે રજુ કરી હતી. જેમાં આ પોલીસ અધિકારી ફરિયાદીને ફોન પર જ એવું કહેતા હતા કે 15 ટકા કમિશન થશે, જેમાં પોલીસ કમિશ્નરને આટલા આપવાના છે,. બાકીના અમારે લેવાના છે. આ પુરાવાના આધારે વિકાસ સહાયે પગ નીચેથી ધરતી સરકી જાય તેવો સ્ફોટક રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો હતો. રાજકોટના 75 લાખના તોડ પ્રકરણમાં નક્કર પુરાવાઓ મળ્યા બાદ છેવટે ગઈકાલે રાત્રે ગૃહ વિભાગે મુખ્યમંત્રીની સંમતિ મેળવીને મનોજ અગ્રવાની જુનાગઢ ખાતે પોલીસ તાલીમ શાળામાં નિમણૂંક કરી છે. એટલું જ નહીં એસીબીની તપાસનો પણ આદેશ કર્યો છે.
રાજકોટ બાદ હવે સુરતમાં પણ સરકાર આકરા પગલા ભરે તેવી સંભાવના છે. સિનિયર પોલીસ અધિકારીઓ કે, જેમને લો એન્ડ ઓર્ડર કાબુમાં રાખવાની મૂળ કામગીરી કરવાની છે તેને બાજુએ રાખીને પ્રજાના હિતના ભોગે અભ્યાસક્રમની બહારની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયા છે. તેની ચોંકાવનારી વિગતો ગાંધીનગરમાં સરકારને તો ઠીક છેક દિલ્હી દરબાર સુધી પહોંચી ગઈ છે.