અમદાવાદ હત્યા કેસમાં મોટો ખુલાસો: પત્ની – બાળકોની હત્યા બાદ હત્યારાએ માતાને ફોન કર્યો

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના એક મકાનમાં ગઈકાલે એક જ પરિવારના (Family) ચાર સભ્યોની હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ઘટનામાં હજુ પણ રહસ્ય અકબંધ છે. જોકે પોલીસે (Police) શંકાના દાયરામાં આવેલા પરિવારના મોભી વિનોદ મરાઠીની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેર ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસની પાંચ અલગ અલગ ટીમોએ વિનોદ મરાઠીને શોધી કાઢવા તપાસ કરી છે. એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાને પગલે હત્યારાને શોધી કાઢવા તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. બીજી તરફ આ હત્યા કેસમાં એફએસએલ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા પણ આજે સવારથી જ તપાસ અને પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.

પ્રાથમિક તપાસમાં હત્યા બાદ વિનોદ મરાઠી ગાયબ હોવાથી પોલીસ તેના પર શંકા રાખી રહી છે. વિનોદ મરાઠી તેના વતન સાંગલી તરફ ગયો હોવાનું બહાર આવતા પોલીસની એક ટીમ સાંગલી તરફ રવાના થઇ છે. શહેરના ઓઢવ વિરાટનગરની દિવ્ય પ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી હતી જેમાં વિનોદ મરાઠીની પત્ની, બે બાળકો અને 70 વર્ષીય વડસાસુની હત્યા થઈ હતી.

હત્યા બાદ ઘરના મોભી વિનોદ મરાઠી ફરાર હોવાથી પોલીસની પ્રાથમિક તપાસમાં વિનોદે તેની માતા સાથે ફોન પર વાત કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તપાસમાં તેની માતા સાથે વાત કરી ત્યારે વિનોદે તેની માતાને ખોટી વાત કરી હતી કે મારા ઘર પર હુમલો થયો છે અને હું ઘરેથી નાસી ગયો છું.

બીજી તરફ પોલીસ તપાસમાં વિનોદ અને તેની પત્ની વચ્ચે મિલકતની બાબતમાં અવારનવાર ઝઘડા થતા હોવાનું અને વિનોદ તેની સાસુને તેની પ્રોપર્ટી તેની દીકરી એટલે કે વિનોદની પત્નીના નામે કરી દેવા માટે દબાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વિનોદ દારૂ પીવાની અને નશો કરવાની ટેવવાળો છે, અને તે બે થી ત્રણ દિવસ સુધી સતત નશામાં રહેવાની ટેવવાળો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મકાનમાંથી ચાર મૃતદેહો મળ્યા ત્યારે આ ચારેય મૃતદેહો અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા. આ તમામ ની હત્યા એટલી ઘાતકી રીતે કરવામાં આવી હતી કે હત્યારાએ 4૦થી વધુ તિક્ષણ હથિયારના ઘા જીત્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ હત્યા ચાર દિવસ પહેલા થઇ હોવાનું પણ જણાય છે, જ્યારે મૃતદેહોને બહાર લવાયા ત્યારે ખુબ જ દુર્ગંધ મારતી હતી. પોલીસ આ કેસમાં હત્યારાને શોધી કાઢવા માટે તપાસ ચલાવી રહી છે.


Most Popular

To Top