અમદાવાદ : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહના હસ્તે દેવનગર ખાતે નિર્માણ પામનાર મીની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ગૃહયોજના હેઠળ નિર્માણ પામેલા ૪૬૫ આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા ૧૫૭૩ આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. આવાસોના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહયા હતા. અમદાવાદ શહેરને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ઓવરબ્રિજની નીચે નાના ખેલ સંકુલો, પુસ્તકાલય, ઓપન જિમ,યોગ સંકુલો બનાવી અનેક શહેરોને અમદાવાદ પ્રેરણા આપી રહ્યું છે.
અમીત શાહે જણાવ્યું હતું કે વિશ્વનુ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ ૨૦૩૦ની યજમાની અમદાવાદને મળી છે, સાથે આગામી ૨૦૨૯માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને ૧૩ જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે ૨૦૩૬ ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે. આ સાથે સમગ્ર વિશ્વના નકશામાં અમદાવાદ ખેલક્ષેત્રે અગ્રિમ સ્થાન પર અંકિત થઈ રહ્યું છે.