અમદાવાદ: અમદાવાદની (Ahmedabad) રાજસ્થાન હોસ્પિટલના (Hospital) બેઝમેન્ટમાં આગ (Fire) લાગવાથી હડકંપ મચી ગયો હતો. બેઝમેન્ટમાં પાર્ક કરેલા કરેલા 30થી વધુ વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની લગભગ 31 જેટલી ગાડીઓ મોકાના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનાં પ્રયાસોમાં લાગી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં રવિવારની વહેલી સવારે લગભગ 4.00 વાગ્યે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભીષણ હતી કે દૂરથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાતાં હતાં. બેઝમેન્ટમાં પાર્ક કરેલા 30 જેટલા વાહનોમાં આગ લાગી હતી. આગનો ધુમાડો ઉપરના માળ સુધી પહોંચ્યો હતો. જેનાં કારણે ત્યાં સારવાર લઈ રહેલા દર્દી અને તેમના પરિવારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જેથી સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફટ કરવામાં આવ્યાં હતા. જો કે ICUમાં દાખલ કરેલા 2 દર્દીઓને હાલ ખસેડી શકાય તેવી હાલતમાં ન હોવાથી તેઓને રાજસ્થાન હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યાં છે અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે દર્દીને કોઈ નુકશાન કે અગવડ ન થાય. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવું સામે આવ્યું નથી.
ફાયરના જવનો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યાં હતા પરંતુ આગના કારણે ધૂમાડો વઘુ ફેલાઈ જવાના કારણે ફાયરના જવાનોને પણ અંદર જવામાં અગવડ પડી રહી છે. હાલ ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાંથી ધુમાડો નીકળે તે માટે એક્ઝોસ્ટની વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધુ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ ઝોન-4 ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી, પાંચ પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફોલ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ હાલ માટે હોસ્પિટલમાં આગ લાગવાના કારણે તે રસ્તો બંઘ કરી દેવામાં આવ્યો છે.