અમદાવાદ: એક તરફ લોકો પોતાના સ્વાસ્થય પ્રત્યે જાગૃત થયા છે. ધણાં લોકો સવારે જલ્દી ઉઠી દોડવાનું, કસરત કરવાનું, યોગા તો આજનું જનરેશન જીમ તરફ આગળ વધ્યું છે. સ્વાસ્થય પ્રત્યે જાગૃત થવા છતાં આજના સમયમાં લોકોને હાર્ટએટેક (Heart Attack) આવી રહ્યો છે. કોઈ જીમમાં (Gym) તો કોઈ રમતા રમતા જ ઢળી પડે છે. છેલ્લાં કેટલાય સમયથી એવા ધણાં કિસ્સાઓ સામે આવ્યાં છે જેમાં યુવાન ક્રિકેટ (Cricket) રમતો હોય અને તેને એકાએક હાર્ટએટેક આવે અને તે ઢળી પડતો હોય. સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવે અને ડોકટર પાસેથી જાણ થાય કે દર્દીને સિવિયર એટેક આવ્યો હતો. ખાસ કરીને આવા કિસ્સા હાલ યુવાનોમાં મોટે ભાગે જોવા મળી રહ્યાં છે. રવિવારનાં રોજ આવો જ એક કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) થયો હતો. અમદાવાદના ભાડજના શાંતિનિકેતનમાં આવેલા ક્રિકેટ મેદાનમાં એક યુવાન જીએસટી ઓફિસરનું મેચ દરમિયાન મોત થયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી.
જાણકારી મુજબ અમદાવાદના ભાડજમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ ચાલી રહી છે. GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચાલતી મેચમાં મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની વસંત રાઠોડ બોલિંગ કરી રહ્યા હતા. પહેલાં મેચમાં શાનદાર બોલિંગ કરીને તેમણે 2.5 ઓવરમાં એક વિકેટ પણ લીધી હતી. એટલું જ નહીં બેટિંગમાં પણ 14 બોલમાં 16 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેઓને એકાએક ગભરામણ થઈ અને ત્યાર પછી તેઓ એકાએક બેસી જાય છે. તેમ છતાં તેઓ હિંમત કરીને ફરી ઉભા થાય છે પરંતુ તબિયત વઘુ લથડતાં ફરી ઢળી પડે છે અને પછી તેઓ પાછી ઉભા થઈ શકયા નહિં. ક્રિકેટ મેદાનમાં રમતા અન્ય ઓફિસર્સ તેમની પાસે દોડી જાય છે અને તેમને CPR આપવાનો પ્રયાસ કરે છે. તેમની પીઠ ઉપર માલિશ પણ કરે છે. પરંતુ વસંત રાઠોડ ફરી ઉભા થઈ શકયા નહિં.
વસંત રાઠોડને ચાલુ મેચ દરમિયાન જ હાર્ટ અટેક આવતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોતાના સાથી જીએસટી ઓફિસરને આવેલા જીવલેણ હાર્ટ અટેકથી તેઓની ટીમ સ્તબ્ધ હતી. સાથી ઓફિસરને રમતાં-રમતાં મળેલા મોતથી સૌ શોકમગ્ન હતા.