ગાંધીનગર: રાજ્ય સરકારે સોમવારે (Monday) એક મહત્ત્વનો નિર્ણય લઈ સરકાર (Government) હસ્તકનાં 81 તળાવ વિકાસ માટે અમદાવાદ (Ahmedabad) મનપાને ફાળવવામાં આવ્યાં છે. સરકારે જે જે ૮૧ તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે રામોલનાં ૧૧, વટવાનાં ૧૦, વસ્ત્રાલનાં ૭, નારોલનાં ૫, રાણીપનાં ૩, નિકોલનાં ૩, ભાડજ અને હાથીજણનાં ૨-૨, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના ૧-૧ વગેરે તળાવોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લઈને આ તળાવો મહાનગર પાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગર પાલિકા હવે લેક ડેવલપમેન્ટથી નાગરિકોને હરવા-ફરવાનાં સ્થળ તરીકે ૮૧ તળાવનો વિકાસ કરશે. તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટિઝન બેઠક, ખેલ-કૂદનાં સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પીચિંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટિંગ ફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા હાથ ધરશે. એટલું જ નહીં આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યૂઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતાં ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.
અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારના ૨૧ તળાવ સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલાં છે. હવે વધુ ૮૧ તળાવ અમદાવાદ મનપાને વિકાસ માટે ફાળવાયાં છે. એટલે સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલિકાને ૧૦૨ તળાવ રાજ્ય સરકાર દ્વારા લેક ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યાં છે.