100થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
અમદાવાદ,તા.17
મુંબઈના દહીસર વિસ્તારમાં “ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ”ના નામે 100થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર અને છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી સુજીત શંકરરાવ દેવ (ઉંમર 47)ને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ દહીસર પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 1305/24 હેઠળ IPC કલમ 406, 420, 34, 120(બી) તેમજ MPID – Maharashtra Protection of Interest of Depositors (In Financial Establishments) Act, 1999 એક્ટની કલમ 3 અને 4 મુજબ ગુનો નોંધાયેલો છે.
ક્રાઈમ બ્રાંચની તપાસ મુજબ આરોપીએ વર્ષ 2021માં મહારાષ્ટ્રના દહીસર વિસ્તારમાં અન્ય સાગરિતો સાથે મળીને “ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ” નામે ઓફિસ શરૂ કરી હતી. તેણે દહીસર અને આસપાસના વિસ્તારોના લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી ચાર ગણો નફો મળશે તેવી લાલચ આપી હતી. આ લાલચમાં આવીને 100થી વધુ લોકોએ મોટી રકમનું રોકાણ કર્યું હતું. બાદમાં આરોપી સુજીત દેવ રોકાણકારોના કરોડો રૂપિયા લઈને નાસી ગયો હતો.
છેલ્લા બે વર્ષથી ફરાર રહેલા આરોપી અંગે ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ટ્રેકિંગ કરીને કાર્યવાહી હાથ ધરી હતી અને તેને અમદાવાદ એરપોર્ટ નજીકથી ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ નરોડા, અમદાવાદ ખાતે રહેતો હતો જ્યારે તેનું મૂળ વતન મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને નાણાંના ટ્રેલ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.