અમદાવાદ(Ahmedabad): વેસ્ટઇન્ડિઝ સામે અહીં રમાનારી વન ડે (Oneday) સીરિઝ માટે અમદાવાદ પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) શિખર ધવન, શ્રેયસ અય્યર અને ઋતુરાજ ગાયકવાડ તેમજ સ્પોર્ટ સ્ટાફના સભ્યો સહિત 8નો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલો મળ્યા છે. જે અન્યનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે તેમાં નેટ બોલર અને સ્ટેન્ડ બાય ખેલાડી નવદીપ સૈની, મસાજર રાજીવ કુમાર, તેમજ ટીમના સિક્યુરિટી સ્ટાફનો એક સભ્ય અને એક ડ્રાઇવરનો સમાવેશ થાય છે. કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિતના અન્ય તમામનો બુધવારે કરાયેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને ગુરૂવારે થનારા ટેસ્ટમાં તેઓ ફરી નેગેટિવ આવશે તો તેઓ બાયો બબલમાં પ્રવેશશે.
વેસ્ટઇન્ડિઝની ટીમ આજે જ અમદાવાદ આવી પહોંચી છે અને 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ વન ડેની સીરિઝ પહેલા ભારતીય ટીમમાં કોરોનાના કેસ મળી આવતા હવે આ સીરિઝના આયોજન સામે શંકાઓ ઊભી થઇ છે. ભારતીય ટીમમાં કોરોનાના કેસ મળી આવતા હવે સીરિઝના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવે તેવી પહેલા સંભાવના વ્યક્ત કરાઇ હતી પણ તે પછી સ્ટેન્ડ બાય ખેલાડી સાથે સીરિઝને આગળ ધપાવાવાનું પણ વિચારી લેવાયું હોવાનું કહેવાયું છે. રોહિતના ઓપનીંગ જોડીદાર તરીકે શિખર ધવનના સ્થાને વેંકટેશ અય્યર અથવા તો ઇશાન કિશનની અજમાયશ કરી શકાશે.
અહેવાલ અનુસાર ભારતીય ટીમના ત્રણ ખેલાડી અને સપોર્ટ સ્ટાફના સંભ્યો મળીને કુલ 8નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વેસ્ટઇન્ડિઝ સામેની મર્યાદિત ઓવરોની મેચની સીરિઝ માટે ભારતીય ટીમ 31 જાન્યુઆરીએ જ અમદાવાદમાં એકત્ર થઇ હતી અને તેઓ ત્રણ દિવસના આઇસોલેશનમાં હતા. આમ તો બંને ટીમ એક જ હોટલમાં રોકાઇ છે, પણ બંને ટીમનો ફ્લોર અલગ અલગ છે.
બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે પહેલા કરાયેલા આરટીપીસીઆર ટેસ્ટમાં તમામ ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે બુધવારે જ્યારે ફરી ટેસ્ટ કરાયો ત્યારે શિખર ધવન સહિત ઘણાં ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફના બેથી ચાર સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સપોર્ટ સ્ટાફમાંથી જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાંથી કેટલાક નોન કોચિંગ સભ્યો છે. બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના થયો હોવાની વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
ભારતીય ક્રિકેટ ટીમના 8 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે બાબત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ બીસીસીઆઇ આ મહિને જ 12 ફેબ્રુઆરીએ આઇપીએલ 2022 માટે ઓક્શન યોજવાની છે અને તેના પહેલા ટીમમાં જ કોરોનાના કેસ મળી આવતા તેના માટે ઓક્શન બાબતે નવી ચિંતા ઊભી થઇ શકે છે.
ધવન, શ્રેયસ અને ઋતુરાજ વન ડે સીરિઝ ગુમાવશે
ભારતીય ટીમના ત્રણ ખેલાડી શિખર ધવન, શ્રેયસ અય્યર અને ઋતુરાજ ગાયકવાડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી હાલની સ્થિતિમાં આ ત્રણેય ખેલાડીઓ આ વન ડે સીરિઝ ગુમાવશે. નિયમોનુસાર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું પડે છે અને તે પછી બે આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે પછી જ તેઓ ટીમ સાથે સાથે જોડાઇ શકે છે. શિખર ધવન વન ડે સીરિઝ ગુમાવશે અને તે ટી-20 સીરિઝ માટેની ટીમમાં સામેલ નથી. જ્યારે ઋતુરાજ માટે હતાશા એ બાબતની છે કે છેલ્લા દોઢ વર્ષમાં બીજીવાર એવું બન્યું છે કે તેનો કોરોના ટેસ્ટ બીજીવાર પોઝિટિવ આવ્યો છે.