Gujarat

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા

એક જ વર્ષમાં ૫૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર દેશની એકમાત્ર પબ્લિક સેક્ટર હોસ્પિટલ

અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC-ITS)એ કિડની પ્રત્યારોપણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજય સરકારના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થાએ માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
આ સફળતા સાથે ઇન્સ્ટિટયૂટ ઑફ કિડની ડિસિઝિસ એન્ડ રિસર્ચ સેન્ટરે સમગ્ર દેશમાં પબ્લિક હોસ્પિટલની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવી પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.કિડની ઇન્સ્ટિટયૂટની આ કામગીરી આજે અંગ પ્રત્યારોપણના દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરની પ્રગતિ પર નજર કરીએ તો, નવેમ્બર 2024 સુધીમાં કુલ 400 અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા,જ્યારે વર્ષ 2025માં માત્ર 7 ઓક્ટોબર સુધીમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટનો આંકડો 400 સુધી પહોંચી ગયો હતો. મોટી સફળતા પ્રાપ્ત કરતા, વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 500 પર પહોંચી છે, જે એક નોંધપાત્ર રેકોર્ડ છે.આ 500 ટ્રાન્સપ્લાન્ટમાં 367 પુરુષો અને 133 મહિલાઓનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ સેવાનો લાભ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, તેમાં 330 દર્દીઓ ગુજરાતના અને 170 દર્દીઓ અન્ય રાજ્યોના છે.

ટેકનોલોજી અને વિશેષ ટ્રાન્સપ્લાન્ટની દ્રષ્ટિએ પણ કિડની ઇન્સ્ટિટ્યૂટે નવી દિશા ચીંધી છે. વર્ષ 2025ના કુલ આંકડામાં 157 કેડેવર ટ્રાન્સપ્લાન્ટ, 90 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ, 49 બાળકોના પિડિયાટ્રિક (બાળકોના) ટ્રાન્સપ્લાન્ટ અને 43 રોબોટિક ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. આધુનિક ટેકનિક અને કુશળ તબીબોના સમન્વયથી આ જટિલ ઓપરેશન્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.

આર્થિક રીતે નબળા દર્દીઓ માટે પણ આ ઇન્સ્ટિટ્યૂટ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કુલ ટ્રાન્સપ્લાન્ટમાંથી 318 જેટલા ઓપરેશન PM-JAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ 29, SC વર્ગના 24, ST વર્ગના 7, તેમજ CAPFના 4 અને CGHS હેઠળ 5 ટ્રાન્સપ્લાન્ટ કરીને છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે. IKDRCની આ સફળતા પાછળ તેની સતત ઉપલબ્ધતા અને સેવાની ભાવના રહેલી છે.

Most Popular

To Top