રાજકોટ: ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજા (Talaja) રાળગોન રોડ પર એક ખાનગી શાળામાં રસોઈ માટે જઈ રહેલી બે મહિલાઓને રસ્તામાં ઈકો કારમાં (Eco Car) આવેલા બે યુવકો તથા એક યુવતિએ અટકાવી તે બંને મહિલાઓના કાનમાં, નાકમાં અને ગળામાં પહેરેલા સોના-ચાંદીના ઘરેણા લૂંટી ભાગી ગયા હતા. જોકે આ કાર ભાવનગર તરફ ગઈ હોવાનું માહિતી મળતા ભાવનગર પોલીસે વોચ રાખી આ કારને વરતેજ પોલીસે અટકાવી ત્રણેય લૂંટ ચલાવનાર આરોપીઓને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, તળાજા રાળગોન રોડ પર આવેલી એક ખાનગી શાળામાં રાળગોન ગામના નંદુબેન જેરામભાઈ ડાભી અને માનકુંવરબા સુખદેવસિંહ ગોહિલ રસોઇ બનાવવાનું કામ કરે છે. આ બંને ગઇકાલે વહેલી સવારે રસોઇ કામ માટે જઇ રહ્યાં હતાં ત્યારે ઈકો કારમાં આવેલા બે અજાણ્યા યુવકો અને એક યુવતીએ અટકાવી છરીની અણીએ તેમને ડરાવી તેમણે પહેરેલા રૂ.55 હજારના ઘરેણાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.
લૂંટારા ઇકો કારમાં ભાવનગર તરફ આવી રહ્યાં હોવાની બાતમી વરતેજ પોલીસને મળતાં આરોપીઓને ઝડપી લેવા નાકાબંધી કરી હતી અને અંતે આ કાર સાથે કારમાં સવાર મહુવાના પ્રકાશ નાનજીભાઈ મકવાણા, અનીલ ભરતભાઈ ભાલીયા અને જાન્હવી કુંદનભાઈ ચૌહાણને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના બુકીઓ પાસેથી 22 લાખ રોકડા અને રૂપિયા ગણવાનું મશીન મળ્યું
અમદાવાદ : આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ કૌભાંડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. આ કેસની તપાસમાં પોલીસે ઉત્તરાખંડથી નિલેશ પ્રવીણભાઈ રામીની ધરપકડ કરી હતી. તેના અમદાવાદના વસ્ત્રાપુર ખાતેના રહેઠાણે તપાસ હાથ ધરતા સટ્ટા બેટિંગના વ્યવહારના 6 ચોપડાઓ મળી આવ્યા હતા. સાથે જ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા 22 લાખ રૂપિયા રોકડા તથા પૈસા ગણવાનું મશીન જપ્ત કર્યું હતું.
સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયાએ જણાવ્યું હતું કે ઓનલાઇન ક્રિકેટ બેટિંગના ગુનામાં આરોપી નિલેશ રામીની ધરપકડ કરી 22મી મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેમજ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરતા ઓનલાઇન સટ્ટા બેટિંગના હાર જીતના હિસાબો લખેલા વ્યવહારોની 6 ડાયરીઓ મળી આવી હતી. જેમાં ચાર ભાગીદારો હોવાનું બહાર આવ્યું છે.
ભાગીદારો પૈકી રણવીરસિંહ ઉર્ફે લલ્લો રાજપૂત (રહે, ઓઢવ, ચેતન સુનિલ સોનારા રહે, વસ્ત્રાલ) અને પ્રવીણ ઉર્ફેટીનો પ્રજાપતિ (રહે, ઓઢવ)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસે તમામા 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. દરમિયાનમાં આરોપી રણવીરસિંહ ઉર્ફે લલ્લાના ઘરે તપાસ કરતા રોકડા રૂપિયા 22 લાખ તથા રૂપિયા ગણવાનું મશીન મોબાઈલ ફોન વગેરે મળી આવતા તે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.