World

G-7 સમીટ પહેલા ઇટલીની સંસદમાં હોબાળો, મારપીટના વીડિયો વાઇરલ

ઇટલી: ઇટલી (Italy) આ વર્ષે 2024માં G-7 સમીટની (G-7 Summit) યજમાની કરી રહ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના વડાપ્રધાનો ઈટલી પહોંચી ગયા છે. તેમજ આ સમીટ માટે વડાપ્રધાન મોદી પણ ઇટલી પહોંચ્યા છે. ત્યારે ઇટલીની સંસદમાં (Italian Parliament) ચોંકાવનારા દ્રષ્યો જોવા મલ્યા હતા. જેના વીડિયો પણ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે.

જી-7 સમીટ પહેલા ઈટલીની સંસદમાં ઈટલીના સાંસદો એકબીજા સાથે અથડાયા હતા અને એકબીજાને લાતો અને મુક્કા મારવા લાગ્યા હતા. ત્યારે આ હંગામાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ લડાઈ શા માટે અને કયા કારણોસર થઈ.

અસલમાં સંસદમાં બેઠેલા વિપક્ષી દળના નેતાઓ ઈટલીની સરકારની નીતિઓને ફાસીવાદી ગણાવી રહ્યા હતા. તેમનું કહેવું છે કે સરકાર ઘણા ક્ષેત્રોને વધુ સ્વાયત્તતા આપવાની યોજના બનાવી રહી છે. આ યોજનાઓ રાષ્ટ્રીય હિતમાં નથી અને ફાસીવાદી નીતિઓથી પ્રેરિત છે. આ મુદ્દે ઈટાલીની સંસદમાં પાર્ટી અને વિપક્ષ વચ્ચે લડાઈ થઈ હતી. બંને પક્ષના સાંસદો એકબીજા સાથે અથડાયા હતા અને એક બીજા સાથે મારપીટ કરવા માંડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જ્યારે ફાઇવ સ્ટાર મૂવમેન્ટના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તરી લીગના પ્રાદેશિક બાબતોના મંત્રી રોબર્ટો કાલ્ડરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ બાંધવાનો પ્રયાસ કર્યો ત્યારે લડાઈ વધી હતી. લિયોનાર્ડો ડોનોના પગલાંથી રોબર્ટો કાલ્ડરોલીના સાથી સાંસદો એટલા ગુસ્સે થયા કે તેઓ તેમની બેન્ચ પરથી ઉભા થયા અને ડોનોને ઘેરી લીધા. આ પછી સંસદમાં જોરદાર હંગામો થયો, તેમજ થોડી જ વારમાં બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા અને એકબીજા પર લાતો અને મુક્કાથી હુમલો કરવા લાગ્યા. આ ઝપાઝપીમાં લિયોનાર્ડો ડોનો એટલા ઘાયલ થયા કે તેમને વ્હીલચેર પર હોસ્પિટલ લઈ જવા પડ્યા. આ બનાવ એવા સમયે બન્યો જ્યારે ઇટલી જી-7 સમીટની યજમાની કરી રહ્યું છે. તેમજ 7 દેશોના વડાપ્રધાનો હાલ ઇટલીમાં છે.

જી-7માં મેલોની પર ભારતનો રંગ દેખાયો
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગુરુવારે G7 સમિટમાં ‘નમસ્તે’ કહીને વિશ્વના નેતાઓનું અભિવાદન કર્યું હતું. મેલોનીના વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણીએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્યારે નેટીઝન્સ મેલોનીના ભારતીય પરંપરાગત આવકારની પ્રશંસા કરી રહ્યા છે.

Most Popular

To Top