“આગળ ક્યુબા છે” નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump ફરી એકવાર પોતાના આક્રમક નિવેદનોને કારણે ચર્ચામાં છે. વેનેઝુએલા અને ઈરાનમાં થયેલી કાર્યવાહી બાદ હવે ટ્રમ્પે સ્પષ્ટ રીતે ક્યુબાને આગામી ટાર્ગેટ તરીકે દર્શાવ્યું છે. તેમના તાજેતરના નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ટ્રમ્પે મિયામીમાં યોજાયેલા એક ઇન્વેસ્ટમેન્ટ ફોરમ દરમિયાન કહ્યું કે, “Cuba is next,” એટલે કે હવે આગળ ક્યુબા છે. જોકે તેમણે કોઈ ચોક્કસ કાર્યવાહી અંગે ખુલાસો કર્યો નથી, પરંતુ તેમણે સંકેત આપ્યો કે જરૂર પડે તો સૈન્ય શક્તિનો ઉપયોગ પણ થઈ શકે છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકા પહેલેથી જ વેનેઝુએલા અને ઈરાન સામે આક્રમક પગલાં લઈ ચૂક્યું છે. ટ્રમ્પે પોતાના ભાષણમાં આ બંને કાર્યવાહીનો ઉલ્લેખ કરીને તેને સફળ ગણાવી અને હવે ક્યુબા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી.
ક્યુબા પર દબાણ કેમ વધ્યું? : ક્યુબા હાલ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા તેલ બ્લોકેડને કારણે દેશમાં ઈંધણની ભારે અછત સર્જાઈ છે. વીજળીના બ્લેકઆઉટ અને આવશ્યક વસ્તુઓની કમીને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. ટ્રમ્પનો દાવો છે કે ક્યુબાની સરકાર હવે કમજોર બની રહી છે અને ‘રેજીમ ચેન્જ’ માટે યોગ્ય સમય આવી ગયો છે. તેમણે પહેલા પણ “friendly takeover” જેવી વાતો કરી હતી, જેનાથી અમેરિકા ક્યુબામાં રાજકીય ફેરફાર લાવવા ઈચ્છે છે તે સ્પષ્ટ થાય છે.
શું યુદ્ધની શક્યતા છે? : હાલમાં અમેરિકા અને ક્યુબા વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે, પરંતુ સાથે જ સૈન્ય કાર્યવાહીનો સંકેત પણ આપવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ પરિસ્થિતિ આગળ જઈને મોટી જીઓપોલિટિકલ ટક્કરનું રૂપ લઈ શકે છે. ટ્રમ્પનું “ક્યુબા નેક્સ્ટ” નિવેદન માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ વૈશ્વિક તણાવ વધારવાનો સંકેત છે. જો પરિસ્થિતિ વધુ બગડે, તો તે માત્ર અમેરિકા અને ક્યુબા સુધી મર્યાદિત નહીં રહે, સમગ્ર વિશ્વ પર તેની અસર પડી શકે છે.