નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને સમન્સ જારી કર્યા હતા. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને આ સમન્સ મોકલવામાં આવ્યા હતા. ત્યારે જેકલીનને આજે સવારે 11 વાગ્યે ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી હતી. કારણ કે EDએ અભિનેત્રીને આજે 10 જુલાઈએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. જેથી જેકલીનને સવારે 11 વાગે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના હેડક્વાર્ટરમાં હાજર થઇ હતી. ગઇકાલે મંગળવારે સુકેશે જેકલીનને 3 પાનાનો એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે જેકલીનની બર્થ ડે પહેલા 30 દિવસના કાઉન્ટ ડાઉનની જાહેરાત કરી હતી. અગાઉ EDએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે જેકલીન ફર્નાન્ડિસ સુકેશની છેતરપિંડી વિશે પહેલાથી જ બધું જાણતી હતી.
EDએ ચાર્જશીટ દાખલ કરી
જેકલીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અગાઉ પણ ઘણી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. ત્યારે સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગના આ કેસમાં EDએ સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. તેમજ જેકલીન આ કેસમાં જામીન પર જેલની બહાર છે.
ચાર્જશીટમાં શું ખુલાસો થયો?
ચાર્જશીટ મુજબ સુકેશ ચંદ્રશેખરે ખુલાસો કર્યો હતો કે જેકલીન ફર્નાન્ડિસ સાથે મિત્રતા થયા બાદ તેણે જેકલીનને કરોડો રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. જેમાં ગુચીની બેગ, જ્વેલરી, મોંઘા કપડાં, 15 જોડી ઇયરિંગ્સ, 5 બર્કિન બેંગ્સ, ચેનલ અને વાયએસએલ બેગ્સ, મોંઘા શૂઝ, સુપર લક્ઝરી બ્રાન્ડના બ્રેસલેટ, બંગડીઓ, રોલેક્સ જેવી મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે.
જેકલીને દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી
અગાઉ ડિસેમ્બર 2023 માં જેકલીન ફર્નાન્ડિસે આ કેસમાં પોતાની સામે દાખલ થયેલી FIR રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં જેકલીને કહ્યું હતું કે આ કેસમાં તેની કોઈ સંડોવણી નથી. જેકલીન હાલ જામીન પર બહાર છે. આ સિવાય મહાદેવ બેટિંગ એપ કેસમાં પણ જેકલીનનું નામ સામે આવ્યું હતું. ત્યારે વર્ષ 2022માં જેકલીન ફર્નાન્ડિસ આ મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી. પરંતુ આ વિવાદને કારણે તેણીના એક્ટિંગ કરિયરને પણ ગ્રહણ લાગી ગયું છે.