World

PM નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ શું રશિયા-યુક્રેન યુદ્ધ પર વિરામ આવશે? આ મુદ્દે થશે ચર્ચા

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પોલેન્ડની બે દિવસીય મુલાકાત બાદ હવે યુક્રેનની (Ukraine) મુલાકાતે ગયા છે. ત્યારે યુક્રેનમાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેંસ્કીને (Volodymyr Zelensky) મળશે. વડાપ્રધાનની આ મુલાકાત જાપાનમાં મળેલા ઝેલેંસ્કીના આમંત્રણ બાદ થઇ રહી છે. ત્યારે આ મુલાકાત બાદ રશીયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને વિરામ મળે સંભાવના છે.

યુક્રેનની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ યુક્રેનની સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલ અંગે પોતાના વિચારો ઝેલેંસ્કી સાથે શેર કરશે. વડાપ્રધાનની યુક્રેન મુલાકાત તેમના મોસ્કોના પ્રવાસ લગભગ છ અઠવાડિયા પછી થઇ રહી છે. તેમજ વડાપ્રધાનની આ મુલાકાતની યુએસ અને યુએસના કેટલાક પશ્ચિમી સાથી દેશો દ્વારા ટીકા કરવામાં આવી હતી. જો કે પીએમ મોદીની આ મુલાકાત એટલે પણ ખાસ છે કારણે 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. ત્યારે પીએમ મોદીની આ મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની સંભાવના છે.

વડાપ્રધાન મોદી આ મુદ્દે કરશે ચર્ચા
રશિયા-યુક્રેન યુદ્ધ સિવાય પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી સાથે અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. જેમાં સંરક્ષણ અને આર્થિક સહયોગ ઉપરાંત યુક્રેનના યુદ્ધ પછીના દેશના પુનર્નિર્માણમાં ભારતની ભૂમિકા અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે.

જણાવી દઇયે કે યુક્રેનના પ્રવાસ માટે વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરની જગ્યાએ ટ્રેનમાં જઇ રહ્યા છે. ત્યારે તેઓ ટ્રેનમાં 10 કલાકની મુસાફરી કર્યા બાદ યુક્રેન પહોંચશે. દરમિયાન પીએમ મોદી શુક્રવારે સવારે લગભગ 7 કલાક યુક્રેનની રાજધાની કિવમાં રહેશે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કી સાથે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ બાબતે પણ ચર્ચા કરશે.

પીએમ મોદી અને ઝેલેંસ્કીની આ ચોથી મુલાકાત
પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કી વચ્ચે આ ચોથી બેઠક હશે. અગાઉ પીએમ મોદી અને ઝેલેંસ્કી નવેમ્બર 2021માં સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં પહેલીવાર મળ્યા હતા. આ પછી, બીજી બેઠક મે 2023 માં જાપાનના હિરોશિમામાં G7 સમિટમાં યોજાઈ હતી. ત્રીજી બેઠક 14 જૂન 2024ના રોજ ઈટાલીમાં યોજાયેલી G7 સમિટમાં થઈ હતી. ત્યારે હવે આ પીએમ મોદીની ઝેલેંસ્કી સાથે ચોથી બેઠક છે.

પોલેન્ડમાં PM મોદીએ યુદ્ધ માટે કહી આ વાત
યુક્રેન જતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર મંતવ્યો શેર કરવા માટે રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી સાથે સંવાદને આગળ વધારવાની તકની રાહ જોઈ રહ્યો છું. તેમજ એક મિત્ર તરીકે અને ભાગીદારા સ્વરુપે અમે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની આશા રાખીએ છીએ.” આ સાથે જ વડાપ્રધાને કહ્યું હતુ કે ભારત અશાંત ક્ષેત્રમાં શાંતિનું સમર્થન કરે છે. દરમિયાન તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે “આ યુદ્ધનો યુગ નથી”.

Most Popular

To Top