સુરત : દાનહના નરોલી ખાતે માસૂમ બાળકીની હત્યા (child murder) બાદ પિતાએ પણ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી પિતા અને પુત્રીની અંતિમયાત્રા સાથે નીકળતા ઉપસ્થિત તમામ લોકોની આંખ ભીંની થઇ હતી. શુક્રવારે સાંજે નરોલીની આશાપુરા સોસાયટીના સી વિંગમાં 109માં રહેતો આરોપી સંતોષ બીટ્ટુ રજત (ઉં.વ.30)ના પડોસમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળકી બિલ્ડિંગના પેસેજમાં રમતી હતી. એ સમયે સંતોષ બાળકીને બિલ્ડિંગના પેસેજમાંથી હાથ પકડી પોતાની રૂમમાં લઇ ગયો હતો અને બાળકીનો અવાજ કોઈ સાંભળે નહીં એટલે બાળકીના ઘરના દરવાજાને કડી મારી દીધી હતી. ત્યારબાદ બાળકી એના હાથમાંથી જમીન પર પટકાઈ હતી. જેને લઈ બાળકી બેહોશ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ધારદાર હથિયાર વડે બાળકીનું ગળું કાપી નાંખ્યું હતું અને એક થેલામાં ભરી રૂમમાં છુપાવી દીધી હતી.
જો કે, બાળકીની શોધમાં બિલ્ડિંગના લોકો એના ઘરમાં પણ આવ્યા હતા. પણ કોઈનું ધ્યાન એ થેલા પર ગયું ન હતું. સોસાયટીના સભ્યોએ સીસીટીવી ચેક કરતાં બાળકી બિલ્ડિંગની બહાર ગઈ નથી. જેની જાણ થતાં બિલ્ડિંગ માલિકે બિલ્ડિંગનો મુખ્ય દરવાજો બંધ કરી પોલીસની મદદથી એ સોસાયટી સીલ કરી દીધી હતી. એ સમયે આરોપી સંતોષે પોતાના બાથરૂમમાં જઈ બાળકીની લાશ ઓટીએસમાં નાંખી દીધી હતી. ચેક કરતાં એક પોલીસ કોસ્ટેબલનું ધ્યાન ઓટીએસમાં પડેલા થેલા પર ગયું હતું. જે ચેક કરતાં બાળકીની લાશ મળી આવી હતી. સંતોષના બાથરૂમનો કાચ તૂટેલો જોતાં પોલીસે એના ઘરમાં ફરીથી જઈ તપાસ કરતાં બાથરૂમમાં બાળકીનું લોહી પડેલું જોવા મળ્યું હતું. એ જ સમયે પોલીસે આરોપી સંતોષની ધરપકડ કરી હતી.
બાળકીને પીએમ માટે રવાના કરતાં ગાડી પાછળ દોડેલા પિતાએ રસ્તામાં એસિડ પી લીધું હતું
બાળકીના પિતા લગભગ સાંજે 4-30 વાગ્યાથી બાળકીને શોધી રહ્યા હતા. ત્યારે બાળકીની લાશ મળી હતી. તે જોતાં શોકાતુર પિતા બાળકીને જ્યારે એબ્યુલન્સમાં પીએમ માટે લઈ જવાઈ રહી હતી એ સમયે ગાડી પાછળ લગભગ 300-400 મીટર દોડ્યા હતા. અને રસ્તામાં આવતી દુકાનોની બહાર મૂકેલું એસિડ પી લીધું હતું. એસિડ પીધાનું પિતાએ એના એક મિત્રને કહેતાં તેમણે તુરંત સેલવાસ સિવિલમાં લઈ જવા 108 બોલાવી હતી. રસ્તામાં પિતાએ એના મિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મને બચાવી લો. જો કે, એણે કઈ દુકાનની બહારથી એસિડની બોટલ લીધી એ જાણવા મળ્યું ન હતું. શનિવારે સવારે 6 વાગ્યાના સુમારે બાળકીના પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પિતા-પુત્રીની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં સોપો
શનિવારે સાંજે 4 વાગ્યે જ્યારે પિતા અને પુત્રીનો મૃતદેહ સોસાયટીમાં આવ્યો ત્યારે ઉપસ્થિત લોકોની આંખોમાંથી આંસુ સારી પડ્યાં હતાં. મૃતક બાળકીને ત્યાં 20 દિવસ અગાઉ એક બાળકનો જન્મ થયો હતો. પત્નીને ઓપરેશન દ્વારા બાળક થયું હતું. એક તરફ ઘરમાં છોકરાનો જન્મ થયો હોવાની ખુશીનો માહોલ ચાલી રહ્યો હતો. બીજી તરફ 20 દિવસના બાળકની બેનની હત્યા થાય અને પિતા એસિડ પી પોતાનું જીવન ટુંકાવે એ દૃશ્યો કંપારી છોડાવી દે એવાં હતાં. બાળકના જન્મના ઓપરેશનથી પીડાતી માતાને પોતાની લાડકી દીકરી અને પતિનો મૃતદેહ એકસાથે જ્યારે જોયો એ સમયે એ બેશુદ્ધ બની ગઈ હતી.
સીસીટીવીમાં બાળકીનાં કેટલાંક દૃશ્યો ઝડપાયાં
સીસીટીવીમાં બાળકીનાં કેટલાંક દૃશ્યો ઝડપાયાં હતાં. બાળકી પોતાની બિલ્ડિંગની બહાર નીકળવા માંગતી હતી. એની સામેની બિલ્ડિંગમાં રહેતી એની એક મિત્ર સાથે વાત કરતાં નજરે ચડી હતી. એ સમયે એની મિત્ર ઘરમાં જાય છે. પછી મિત્રની મમ્મી બાલ્કનીમાં આવે છે. જો કે. બાલ્કનીમાં આવેલી મહિલાનું લોકેશન થોડું દૂર હોય એ જ સમયે બાળકીને કોઈ હાથ પકડી ફરીથી બિલ્ડિંગમાં લઈ જાય છે. પણ સામે બાલ્કનીમાં આવેલી મહિલાને આરોપી દેખાતો નથી. જો કે, બાળકી બિલ્ડિંગની બહાર નથી ગઈ. એ સીસીટીવીમાં જોતાં દાનહ પોલીસને આરોપીને પકડવામાં આસાની થઈ હતી. 4 કલાકની ભારે જહેમત બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી.