નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ (covid-19)ના પ્રથમ મોજા (first wave) પછી સરકાર (govt), વહીવટીતંત્ર (management), પ્રજા (people) – બધાએ જ સાવધાની રાખવાનું છોડી દીધું હતું અને તેને પરિણામે હાલની સ્થિત સર્જાઇ છે એમ આરએસએસ (rss)ના વડા મોહન ભાગવતે આજે કહેતા પ્રજાને હકારાત્મક અભિગમ (positivity) રાખવા અને રોગચાળા સામેની લડાઇમાં સક્રિય રહેવા વિનંતી કરી હતી.
રોગચાળા અંગે આયોજીત પ્રવચન શ્રેણી ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ (positivity unlimited)ને સંબોધન કરતા ભાગવતે કહ્યું હતું કે કસોટીના આ સમયે એક બીજા સામે આંગળી ચિંધવાને બદલે દેશે એકતા જાળવવી જોઇએ અને એક ટીમની માફક કામ કરવું જોઇએ. આપણે આ સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ કારણ કે પ્રથમ મોજા પછી ડોકટરો તરફથી સંકેતો છતાં બધા જ – પછી તે સરકાર હોય, વહીવટીતંત્ર કે જનતા હોય – ગફલતમાં આવી ગયા હતા એમ ભાગવતે કહ્યું હતું. હમ સબ ગફલતમાં આ ગયે એમ તેમણે કહ્યું હતું. દેશના શાસક પક્ષ ભાજપના વિચારધારાકીય વાલી સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાની આ ટિપ્પણીઓ ખૂબ નોંધપાત્ર છે કારણ કે ભાજપના વડપણ હેઠળની સરકાર એવો દાવો કરતી આવી છે કે રોગચાળા દરમ્યાન તેણે બધા પ્રોટોકોલનું પાલન કર્યું છે.
ભાવતે કહ્યું હતું કે ત્રીજા મોજાની વાતો થઇ રહી છે પણ આપણે ડરીશું નહીં. આપણે ખડકની માફક ઉભા રહીશું. આપણે હાલની સ્થિતિમાં પોઝિટિવ રહેવાનું છે અને આપણી જાતને કોવિડ-૧૯ નેગેટિવ રાખવા માટે સાવચેતીઓ રાખવાની છે. તેમણે કહ્યું હતું કે લોકોએ હિંમત ગુમાવવી જોઇએ નહીં અને દેશે લોખંડી મનોબળ રાખવું જોઇએ. ભાગવતે પોતાના ૩૦ મિનિટના પ્રવચનમાં આ રોગચાળાામાં સારી કામગીરી કરનાર લોકોની પ્રશંસા કરી હતી અને રોગચાળાની આર્થિક સહિતની સંભવિત અસરો અંગે પણ બોલ્યા હતા.
ભાગવતે ચર્ચિલ અને કવિ ઇકબાલને ટાંક્યા
પોતાના પ્રવચન દરમ્યાન બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટનના તે સમયના વડાપ્રધાન વિન્સ્ટન્ટ ચર્ચિલના મેજ પર લખવામાં આવેલું જાણીતું લખાણ ટાંક્યું હતું કે ”આ કચેરીમાં નિરાશાવાદને સ્થાન નથી. પરાજયમાં આપણને રસ નથી. તેમનું અસ્તિત્વ જ નથી.” આ જ રીતે ઉર્દુના મહાન કવિ ડો. ઇકબાલના ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ કાવ્યની તે પંક્તિઓ ટાંકી હતી કે ”કુછ બાત હૈ કી હસ્તિ મિટતી નહીં હમારી. સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા.”
જે લોકો ગયા તે મુક્ત થઇ ગયા
ભાગવતે એમ પણ કહ્યું હતું કે રોગચાળામાં જે લોકો દુનિયા છોડીને જતા રહ્યા તેઓ એક રીતે મુક્ત થઇ ગયાં. તેમણે આ રીતે જવું જોઇતું ન હતું પરંતુ જતા રહ્યા, તેઓ હવે પાછા ફરી શકે તેમ નથી. તેઓ તો એક રીતે મુક્ત થઇ ગયા. આ એક કઠીન સ્થિતિ છે અને હવે આપણે આનો સામનો કરવાનો છે.