સુરત: સુરત (Surat) નાં ભાગળ (Bhagal) ચાર રસ્તા ખાતે બુંદેલવાડમાં આવેલા વર્ષો જુના એક લાકડાના મકાન (House) માં શુકવારે વહેલી સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી. મકાન લાકડાનું હોવાના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના પગલે આગની જ્વાળાઓ દુર દુર સુધી દેખાવા લાગી હતી. ભીષણ આગને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં નાશભાગ અને ભયનો માહોલ ફેલાયો હતો. બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા શહેરના જુદા જુદા પાંચ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિકરાળ આગ ઉપર કાબુ મેળવવાની જહેમત શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બુંદેલાવાડમાં અનેક જૂની દુકાનો આવેલી છે. પરંતુ આગ કાબુમાં આવતા મોટી દુર્ઘટના ટાળી હતી.
આગના પગલે મકાન ભડભડ સળગવા લાગ્યું
ભાગળ વિસ્તારનાં બુંદેલાવાડ ખાતે જલારામ મંદિર પાસે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું વર્ષો જુનું લાકડાનું એક મકાન છે. મકાનના ત્રણ માળ સુધી વાસણોની દુકાનો હતી. આજે મળસ્કે જયારે દુકાનો બંધ હતી. દરમિયાન સાડા પાંચેક વાગ્યાના અરસામાં મકાનમા અચાનક આગ ફાટી નીકળી હતી. મકાન લાકડાનું હોવાના લીધે જોત જોતામાં આગે વીરકાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રીજા માળ સુધી આગ પહોંચી ગઈ હતી. મકાન આગમાં ભડભડ સળગવા લાગ્યો હતો. તેમજ દૂર દૂર સુધી તેની જવાળાઓ પણ દેખાવવા લાગી હતી. ભીષણ આગની ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર કન્ટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી શહેરના કતારગામ, અડાજણ, ઘાંચી શેરી, નવસારી બજાર અને મુગલીસરા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભીષણ આગને કન્ટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી.
મકાનની સાથે દુકાનનો માલ સામાન પણ બળીને ખાક
ફાયર ઓફિસ૨ મહેશ પટેલે જણાવ્યું હતું ત્રીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી જેના કારણે મકાનની સાથે સાથે દુકાનમાં રહેલા વાસણો સહિત મોટા પ્રમાણમાં માલ બળીને ખાક થઇ ગયો હતો. આગ લાગવાનો ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે ચાર કલાક પછી આગને કંટ્રોલમાં કરી લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા મકાન માલિક તેમજ વાસણના દુકાનદારો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.