રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વધુને વધુ આક્રમક બની રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં તો રોજે રોજ 1000થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે. રાજ્યમાં રોજ નોંધાતા દર્દીનો આંક પાંચ હજારને પાર કરી ગયો છે. કોરોનાના કેસ વધવાની સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા આજે 1900થી વધુ નોંધાઈ છે. રાજ્યનું એક પણ શહેર બાકી નથી કે જ્યાં કોરોનાના કેસ નોંધાયા નહીં હોય. છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં હતા અને તેમાં સતત ઉછાળો આવી રહ્યો હતો તેમ છતાં સરકાર રાજકીય મેળાવડા કરવામાં વ્યસ્ત હતી. જો કે, હવે સ્થિતિ બેકાબુ થશે તેવું લાગતા ઉંઘમાંથી જાગેલી સરકારે નિયંત્રણો લાદવાની શરૂઆત કરી દીધી છે. શુક્રવારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
રાજ્યના આઠ મનપા વિસ્તાર ઉપરાંત આણંદ તથા નડિયાદ શહેરમાં રાત્રે 10 થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્નમાં 400 યથાવત, જિમ-સ્વિમિંગ, સિનેમા ઘરો 50 ટકા ક્ષમતાએ, રેસ્ટોરાં 75 ટકા ક્ષમતાએ જ ચાલુ રાખી શકાશે તેવું ફરમાન લાદી દેવામાં આવ્યું છે. અંતિમ ક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિને જ છૂટ અપાય છે. અને સૌથી મોટી જાહેરાત શાળાઓ માટે કરવામાં આવી છે. રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1 થી 9ના વર્ગોનું ઓફ લાઈન શિક્ષણ કાર્ય 31મી જાન્યુઆરી 2022 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. આ ઉપરાંત ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ ક્લાસિસ, ટ્યુશન ક્લાસ, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો, મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત શાળા કોલેજો તથા અન્ય સંસ્થાઓમાં પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાની શરતે જ તે યોજી શકાશે. વધુમાં બેઠક ક્ષમતાની 50 ટકા મર્યાદામાં પુસ્તકાલયો ચાલુ રાખી શકાશે.
કોરોના ફેલાવાના એક લક્ષણ અંગે અભણ લોકો પણ જાણકાર છે અને તે છે એક બીજાના સંપર્કમાં આવવું. એક બીજાના સંપર્કમાં આવવાથી કોરોના ફેલાઇ છે આ વાતમાં કોઇ મતમતાંતર નથી. આ વાત જાણવા છતાં એક તરફ કોરોના વધતો હતો અને બીજી તરફ રાજકીય મેળાવડામાં ભીડ ભેગી કરવા માટે ટારગેટ આપવામાં આવતો હતો. હવે રાજકીય મેળાવડાની સિઝન પૂર્ણ થઇ ગઇ છે એટલે હવે લોકો પર નિયંત્રણ લાદવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આખા રાજ્યમાં સરપંચની ચૂંટણીઓ યોજવામાં આવી હતી હવે ચૂંટણીમાં પ્રચાર અને સભામાં લોકો એક બીજાના સંપર્કમાં આવે તેમ છતાં વધતા જતાં કોરોના વચ્ચે ધરાર આ ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી અગાઉથી નક્કી હતી અને યોજાઇ એ વાત માની શકાય તેમ છે પરંતુ ત્યાર પછી ચૂંટાયેલા સરપંચોના સન્માન અને સ્નેહમિલનના નામે રાજકીય પાર્ટીઓએ જે તાયફા કર્યા તે કોરોનાના સંક્રમણકાળમાં કોઇ કાળે ચલાવી લેવાઇ તેમ નથી. આવા સમારોહમાં કોંગ્રેસ હોય કે ભાજપ કોઇ જ પક્ષ બાકાત નથી. પરંતુ હવે સરપંચોની ચૂંટણી પતી ગઇ છે.
સ્નેહમિલન સમારોહ પતી ગયા છે એટલે નિયંત્રણો પણ ફરી શરૂ થઇ ગયા છે. જેમાં ઇમાનદારીથી ધંધો કરતાં હોટલ, રેસ્ટોરન્ટ, રેકડી, ચાની લારી, પાનના ગલ્લાના ધંધાર્થીઓને ફરીથી આર્થિક ફટકો પડી શકે તેમ છે. તો બીજી તરફ માંડ માંડ વિદ્યાર્થીઓની ભણતરની ગાડી પાટા પર ચડી હતી તેને પણ માઠી અસર પડશે. નેતા એટલે કે લિડર આ શબ્દ લિડ પરથી આવ્યો છે. નેતા પ્રજાને લીડ કરે છે અને પ્રજા તેનું અનુસરણ કરે છે. સાર્વજનિક રીતે જ આપણા નેતાઓ મોટા મોટા કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરીને માસ્ક વગર જોવા મળતાં હતાં. અને હવે તેઓ અપેક્ષા રાખી રહ્યાં છે કે પ્રજા માસ્ક પહેરે અને કોરોનાના તમામ નિયંત્રણોનું ચૂસ્તપણે પાલન કરે.