રાજકીય આગેવાનો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવે તે સ્વાભાવિક છે પરંતુ જો ધાર્મિક બાબતોમાં આક્ષેપો કરવામાં આવે તો વિવાદ મોટો થઈ જાય છે. આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજીના પ્રસાદમાં ગાયની ચરબી અને ડુક્કરની ચરબીની ભેળસેળ કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અગાઉના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની સરકારના સમયમાં તિરૂપતિ બાલાજીના પ્રસાદમાં આ ભેળસેળ કરાતી હોવાનો આક્ષેપ હાલની ચંદ્રાબાબુ નાયડુની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
આ આક્ષેપો જાણીને લાખો ભક્તોની ધાર્મિક ભાવનાને પણ મોટી ઠેસ પહોંચી છે. એક અહેવાલમાં આ અંગેની પુષ્ટિ પણ મળી છે કે પ્રસાદના લાડુ બનાવવામાં વપરાતું ઘી શુદ્ધ નહોતું અને તેમાં આ ભેળસેળ કરાતી હતી. આ લાડુ મંદિરના રસોડામાં જ તૈયાર કરવામાં આવે છે અને તેને પોટુ તરીકે કહેવામાં આવે છે. મંદિરને આ લાડુના વેચાણ થકી વાર્ષિક 500 કરોડની આવક થાય છે અને રોજના 3 લાખ લાડવા વેચવામાં આવે છે. મહાપ્રસાદના લાડુ બનાવવાની પ્રક્રિયાને ‘દિત્તમ’ તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ માત્રામાં વસ્તુઓ ઉમેરીને આ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. જોવા જેવી વાત છે કે આ લાડુ બનાવવાની રેસિપી 300 વર્ષ જૂની છે અને તે અત્યાર સુધીમાં 6 જ વખત બદલવામાં આવી છે.
2016માં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ બોર્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમારા લાડુમાં દૈવી સુગંધ છે. પ્રથમ ચણાના લોટમાંથી બુંદી તૈયાર કરવામાં આવે છે. બાદમાં તેમાં ગોળના શરબતનો ઉપયોગ કરીને આમળા, કાજુ અને કિસમિસ નાખીને લાડુ તૈયાર કરવામાં આવે છે. બુંદી બનાવવા માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. 175 ગ્રામના એક એવા રોજના 3 લાખ લાડુ તૈયાર કરવામાં આવે છે. સને 1715થી આ લાડુ તૈયાર કરવામાં આવે છે. 2014માં આ લાડુને જીઆઈ ટેગ પણ મળ્યો હતો.
જેથી આ નામ સાથે કોઈ અન્ય વ્યક્તિ આવા લાડુ વેચી શકે નહીં. જોકે, ગત જુલાઈ માસમાં જ્યારે લેબમાં આ લાડુનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે જે ઘીનો વપરાશ કરવામાં આવ્યો તેમાં બહારની ચરબી પણ હતી. આ ટેસ્ટને પગલે જે તે સમયે બોર્ડ દ્વારા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં ઘીની ખરીદી કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે જગનમોહન રેડ્ડીની સરકાર હોવાથી આ વાતને છુપાવી દેવામાં આવી હતી પરંતુ ટીડીપીએ હાલમાં રાજકીય લાભ લેવા માટે આ અહેવાલને સાર્વજનિક કરવામાં આવ્યો છે. જેને પગલે મોટો વિવાદ શરૂ થયો છે.
જે પ્રસાદનો લાખો લોકો ઉપયોગ કરતાં હોય ત્યાં તેને બનાવવામાં કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. જે તે સમયે જગનમોહન રેડ્ડીની સરકારે વાતને દબાવી દીધી અને હાલમાં ટીડીપી દ્વારા વાતને ઉખેળવામાં આવી તે ભલે રાજકીય રીતે કરાયું હોય પરંતુ એ સત્ય છે કે જ્યાં પણ આવા મંદિર કે અન્ય ધાર્મિક સ્થળો પર પ્રસાદની વહેંચણી કરવામાં આવતી હોય ત્યાં સમયાંતરે તેની ક્વોલિટીનો ટેસ્ટ થવો જરૂરી છે. જે તે સમયે તિરૂપતિના લાડુનો ટેસ્ટ નહીં થવાને કારણે કરોડો લાડુ ભક્તોના પેટમાં જતાં રહ્યા.
એ તો સારૂં થયું કે ફુડ પોઈઝનિંગનો મોટો કેસ નહીં બન્યો. અન્યથા મોટી હોનારત થઈ ગઈ હોત. દેશમાં લાખો ધાર્મિક સ્થળો છે કે જ્યાં પ્રસાદ તેમજ જમવાનું પણ ચાલતું હોય છે. આવા દરેક ઠેકાણે તપાસ કરવામાં આવે તે જરૂરી છે. આ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા પણ ગોઠવવાની જરૂરીયાત છે. જો આમ થશે તો જ ભવિષ્યમાં થઈ શકે તેવી આ ફુડ પોઈઝનિંગની ઘટનાઓને નિવારી શકાશે. આ મુદ્દો ભલે ધાર્મિક ગણાતો હોય પરંતુ સાથે સાથે ભક્તોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ છે તે નક્કી છે.