ઓનલાઈન બેટિંગ એપ કેસમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના બાદ હવે શિખર ધવનની સંડોવણી સામે આવી છે. ધવન આજે આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. EDએ તેમને ઓનલાઈન સટ્ટાબાજી એપ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
પ્રમોશનલ પ્રવૃત્તિઓ પર શંકા
EDને શંકા છે કે ધવનનું નામ સટ્ટાબાજી એપની જાહેરાતો અને પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં સામે આવ્યું છે. ED અધિકારીઓએ જણાવ્યું કે ધવનને પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવા માટે પૂછપરછમાં બોલાવવામાં આવ્યા છે. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેના કારણે તેમની સંડોવણીની ચર્ચા તેજ બની હતી.
સુરેશ રૈના પછી ધવનની પૂછપરછ
અહેવાલ અનુસાર સુરેશ રૈનાને પણ આ જ કેસમાં ટૂંક સમયમાં ED સમક્ષ હાજર થવાનું છે. તે પહેલાં હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોની પણ ED પૂછપરછ કરી ચૂકી છે. હવે ધવન પર પણ તીક્ષ્ણ પ્રશ્નો પૂછાવાની શક્યતા છે.
બેટિંગ એપ દ્વારા મનીલોન્ડરિંગની આશંકા
ED છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી તીવ્ર કરી રહી છે. 1xBet ઉપરાંત Fairplay, Parimatch અને Lotus365 જેવા પ્લેટફોર્મ્સની જાહેરાતો પર પણ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ પ્લેટફોર્મ્સ ગેરકાયદેસર રીતે સટ્ટાબાજી ચલાવે છે અને તેના માધ્યમથી મોટી માત્રામાં કાળાધનનું મની લોન્ડરિંગ થાય છે.
ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓની સંડોવણી
EDને લાગે છે કે ક્રિકેટરો અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ આ પ્લેટફોર્મ્સ માટે જાહેરાતો કરીને તેમની વિશ્વસનીયતા વધારવામાં મદદ કરે છે. તેના કારણે સામાન્ય લોકો આકર્ષાય છે અને મોટા પાયે સટ્ટાબાજીમાં જોડાય છે. આ મામલે ઘણા નામો તપાસ હેઠળ છે.
હવે સૌની નજર શિખર ધવનની પૂછપરછ પર છે. તેઓ શું જવાબ આપે છે અને EDની આગળની કાર્યવાહી શું રહેશે તે મહત્વપૂર્ણ સાબિત થશે. ધવન માટે આ પહેલીવાર છે કે તેઓ આ પ્રકારના વિવાદમાં સીધા EDની તપાસનો સામનો કરી રહ્યા છે.