શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ દિતવાહ વાવાઝોડું આજે તા. 30નવેમ્બર રવિવારની વહેલી સવારે તમિલનાડુના દરિયાકાંઠે પહોંચ્યું હતું. આ ચક્રવાતની અસરથી શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલન જેવી આપત્તિઓ સર્જાઈ હતી. જેમાં 150થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ વાવાઝોડું ભારત પર સત્તાવાર રીતે ત્રાટકે તે પહેલાં જ તેની અસરથી તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ અને તીવ્ર પવનનો માહોલ જોવા મળ્યો હતો.
વાવાઝોડાની અસરથી રાજ્યમાં સામાન્ય જીવન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ચેન્નઈ એરપોર્ટ પર 56 ફ્લાઇટ રદ કરાઈ. જ્યારે અનેક જિલ્લામાં સ્કૂલો બંધ રાખવામાં આવ્યા છે. સરકારોએ જણાવ્યું છે કે તમામ એજન્સીઓ કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે અસર
તમિલનાડુના રામનાથપુરમ, નાગપટ્ટિનામ સહિતના દરિયાકાંઠા જિલ્લાઓમાં શનિવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો. વેધરણ્યમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અંદાજે 9000 એકર મીઠાના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત એક લાખ એકરમાં ડાંગરનો પાક નષ્ટ થયો છે અને અન્ય પાકને પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતો માટે આ આર્થિક રીતે મોટી ચોટ માનવામાં આવી રહી છે.
રાહત અને બચાવ કામગીરી તેજ
ચક્રવાત દિતવાહનો સામનો કરવા રાજ્યમાં એસડીઆરએફ અને એનડીઆરએફની મળીને 28 ટીમો તૈનાત છે. લગભગ 6000 રાહત શિબિર તૈયાર કરવામાં આવી છે પરંતુ હજી સુધી મર્યાદિત લોકોનું જ સ્થળાંતર કરવામાં આવ્યું છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ સહિતના જિલ્લાઓમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ચેન્નઈ એરપોર્ટ પર વિમાન સેવા પર અસર પડી છે. તેમજ રેલવેએ પણ અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યા છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિતવાહ વાવાઝોડું પ્રતિ કલાક 8 કિ.મી.ની ગતિએ આગળ વધી રહ્યું છે. આજ રોજ તે તમિલનાડુના નાગપટ્ટિનામ નજીક કાંઠે ટકરાશે.
તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશમાં તા.3 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.
સરકારે લોકોને દરિયા કિનારે ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને તમામ સુરક્ષા સૂચનોનું પાલન કરવા અપીલ કરી છે.