ઢાકા: બાંગ્લાદેશમાં (Bangladesh) વડા પ્રધાન શેખ હસીનાના તખ્તાપલટ બાદ પરિસ્થિતિ સતત વણસી રહી છે. તેમજ દેશના વિવિધ ભાગોમાં હિંસા (Violence) ફાટી નીકળી છે. આ દરમિયાન સેનાએ વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી. તેમજ ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના સંયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસના (Dr. Muhammad Yunus) નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના માટે માંગ કરી હતી.
વિદ્યાર્થી નેતાઓએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા હાકલ કરી હતી. ત્યારે ઢાકામાંથી મળેલા અહેવાલો મુજબ બાંગ્લાદેશના વર્તમાન પડકારનો સામનો કરવા માટે અનામત વિરોધી વિદ્યાર્થી ચળવળના નેતાઓએ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકાર બનાવવની અપીલ કરી હતી. ત્યારે હવે તેઓને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે. દરમિયાન મળેલી જાણકારી અનુસાર તેમને બાંગ્લાદેશના વડાપ્રધાન પણ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
અસલમાં મંગળવારે સવારે 4:15 વાગ્યે કથિત વિદ્યાર્થી આંદોલનના મુખ્ય સંયોજકો, નાહિદ ઇસ્લામ, આસિફ મેહમૂદ અને અબુ બકરે એક વીડિયો સંદેશ જારી કરીને આ માહિતી આપી હતી. આ પહેલા સોમવારે નાહિદે 24 કલાકમાં વચગાળાની સરકારની રૂપરેખા તૈયાર કરવાની વાત કરી હતી. દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પણ શેખ હસીનાના રાજીનામા બાદ વચગાળાની સરકારની રચનાને મંજૂરી આપી દીધી છે. વચગાળાની સરકાર બનાવવા માટે આર્મી, નેવી, એરફોર્સના વડાઓ તેમજ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથેની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જણાવી દઇયે કે બાંગ્લાદેશમાં કથિત ભેદભાવ વિરોધી હિંસામાં અત્યાર સુધીમાં 135 થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે એક દિવસ પહેલા અવામી લીગ અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પોલીસ ગોળીબારમાં લગભગ 96 લોકો માર્યા ગયા હતા. નોંધનીય છે કે આ પહેલા જુલાઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન 200થી વધુ લોકોના મોત થયા હતા.
કટ્ટરવાદીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે
પ્રાપ્ત વિગતો મુજબ ભેદભાવ વિરોધી ચળવળના બહાને કટ્ટરવાદીઓ બાંગ્લાદેશી હિન્દુઓને નિશાન બનાવી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો, કારણ કે આ હિંસામાં હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલા થઈ રહ્યા છે. તેમજ ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધા રમને હિંસા પર નિવેદન જારી કરીને કહ્યું, ‘આજની રાત હિંદુઓ પર ભારે છે, બાંગ્લાદેશના હિંદુઓ માટે પ્રાર્થના કરો.’
હિંસા દરમિયાન સોમવારે ફેની બંસ પાડા દુર્ગા મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. તેમજ બારીશાલમાં પણ હિંદુઓના ઘરો અને મંદિરોમાં બળજબરીથી ઘૂસીને તોડફોડ કરવામાં આવી હતી. આ જ રીતે કટ્ટરવાદીઓએ ચટગાંવ હજારી ગલી, રાજશાહી, બોગુરા પીરગછાવ, પીરોજપુર, બરીશાલ અને અન્ય ઘણા સ્થળોએ હિન્દુઓ પર વિનાશ વેર્યો.
2,894 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પરત ફર્યા છે
બાંગ્લાદેશની હિંસા વચ્ચે ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવમાં આવ્યા છે. ત્યારે આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે 22 જુલાઈ સુધી બાંગ્લાદેશમાં અભ્યાસ કરતા લગભગ 2,894 ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા છે જ્યારે લગભગ 3,000થી વધુ વિદ્યાર્થીઓ પાછા ફરે તેવી અપેક્ષા છે. બીજી તરફ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના છેલ્લા 14 કલાકથી ગાઝિયાબાદના હિન્દાલ એરબેઝ પર સલામત ઘરમાં છે. તેઓ ગઈકાલે બાંગ્લાદેશના પનાગઢથી C130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટમાં ગાઝિયાબાદ પહોંચ્યા હતા. તેમજ તેઓ લંડનમાં પોતાના આશ્રયમાટેની લીલી ઝંડીની રાહ જોઇ રહ્યા છે.