Gujarat

શું વિશ્વનાથ વાઘેલા ભાજપમાં જોડાશે? સી.આર. પાટીલ સાથે બંધબારણે બેઠક બાદ ઉઠી ચર્ચા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) ગમે ત્યારે જાહેરાત તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તેની વચ્ચે રાજ્યના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના (AAP) અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે તો આજે કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. જોકે, રાહુલ ગાંધી ગુજરાતમાં પગ મૂકે તે પહેલાં જ ગુજરાત યુવા કોંગ્રેસમાં ગાબડું પડતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

  • ગુજરાત યુવા કોંગ્રેસના વિશ્વનાથ વાઘેલા સી.આર. પાટીલને મળ્યા
  • યુવા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ વાઘેલાની આ મિટીંગ સૂચક
  • વાઘેલા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ઉઠી, પરંતુ હજુ સુધી અધિકૃત રીતે કોઈ જાહેરાત નહીં

આજે સોમવારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે તે પહેલા રવિવારે યુવા કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ વિશ્વાનાથ વાઘેલાએ બંધબારણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CRPatil) અને રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (HarshSanghvi) સાથે બંધબારણે બેઠક કરતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. આ બેઠક બાદ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દીધું હતું. વાઘેલાએ સાત પાનાનું લાંબું રાજીનામું કોંગ્રેસની નેતાગીરીને મોકલી આપ્યું હતું. આ પત્રમાં વાઘેલાએ કોંગ્રેસ નેતાગીરી પર દોઢ કરો લીધાનો આરોપ મૂકયો હતો. વાઘેલાએ કહ્યું હતું કે તેમને પાર્ટીમાં (કોંગ્રેસ) નિષ્ફળ બનાવવાના કાવતરા ચાલી રહ્યાં છે. મને યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે નેતાગીરીએ દોઢ કરોડ લીધા છે. હું જયારથી યુવા કોંગ્રેસનો પ્રમુખ બન્યો ત્યારથી જ સીનિયર નેતાઓના જુથવાદનો ભોગ બન્યો છે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલાએ પાર્ટીમાં જૂથબંધીના કારણે રાજીનામુ આપી દેતા તેમના સ્થાને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા રવિવારે સાંજે યુવા કાર્યકર હરપાલસિંહ ચુડાસમાની નિમણૂક યુથ કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ તરીકે કરાઈ હતી. હવે આજે વાઘેલાના સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બંધબારણે કરાયેલી બેઠકની તસવીર બહાર આવતા વાઘેલા ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા ઉઠી છે. આ અંગે હજુ કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી, પરંતુ ખાનગી મિટીંગની તસવીર બહાર આવતા ગુજરાતના રાજકીય ગલીઓમાં ચર્ચા ઉઠી છે. રાજીનામું આપ્યા બાદ વાઘેલાની આ મિટીંગ તે ભાજપમાં જોડાવા હોવાનો સંકેત આપે છે. જોકે, હજુ વાઘેલાના રાજકીય ભવિષ્ય કશું સ્પષ્ટ થયું નથી.

Most Popular

To Top