બિહાર ચૂંટણી પહેલા મત ચોરી અને નકલી મતદાર યાદીનો મુદ્દો ગરમાયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ “મતદાર અધિકાર પ્રવાસ” દ્વારા આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. તે વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના MNSના પ્રમુખ રાજ ઠાકરેએ પણ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
રાજ ઠાકરેએ દાવો કર્યો કે છેલ્લા 10 વર્ષથી દેશમાં સતત મત ચોરી થઈ રહી છે અને ચૂંટણી પંચ આ મામલાને દબાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ જો ઈચ્છા હોત તો અત્યાર સુધી તપાસ કરી દીધી હોત પરંતુ જાણે-બૂઝે સત્ય બહાર આવતું અટકાવવામાં આવી રહ્યું છે. તેમનો આક્ષેપ છે કે જો તપાસ થાય તો ગયા દાયકામાં થયેલી મત ચોરીનો ખુલાસો થઈ શકે છે.
વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા
ઠાકરેએ જણાવ્યું કે તેઓ 2016થી આ મુદ્દા પર સતત અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે શરદ પવાર, સોનિયા ગાંધી અને મમતા બેનર્જી જેવા અનેક વિપક્ષી નેતાઓ સાથે આ બાબતે મુલાકાત કરી છે. તેમના મુજબ વિપક્ષે આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે તે આ સીધો લોકશાહી પર ઘા કરે છે.
“અમારા મત બીજે ક્યાંક ગયા”: રાજ ઠાકરે
એમએનએસ પ્રમુખે કહ્યું કે 2024માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી એકપણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી કારણ કે લોકોને જે મત આપ્યા હતા તે તેમની પાસે પહોંચ્યા જ નહીં. “લોકો અમને મત આપીને બેઠા હતા પણ પરિણામમાં એ મત બીજે ક્યાંક પહોંચ્યા” એમ ઠાકરેએ દાવો કર્યો છે.
કાર્યકરોને ચેતવણી
રાજ ઠાકરેએ પોતાના કાર્યકરોને ચેતવણી આપી કે આવનારી ચૂંટણી પહેલા મતદાર યાદીની કાળજીપૂર્વક તપાસ કરે. તેમનું માનવું છે કે નકલી મતદાર યાદીઓ અને મત ચોરીનો પર્દાફાશ કરીને જ લોકોનો વિશ્વાસ પાછો મેળવી શકાય છે.
રાજ ઠાકરે લગાવેલા આક્ષેપોથી બિહાર સહિત દેશભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ આ મામલે શું પગલાં ભરે છે.