World

PM મોદી 40 વર્ષ બાદ ઓસ્ટ્રીયા પહોંચ્યા, રુસ ભારતને 6 પરમાણુ પાવર પ્લાન્ટ માટે મદદ કરશે

નવી દિલ્હી: રશિયાની (Russia) બે દિવસની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેમની એક દિવસીય મુલાકાતે ઓસ્ટ્રિયા (Austria) પહોંચી ગયા છે. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાન્ડર શૈલેનબર્ગે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા વાતચીત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની બે દિવસીય મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને મોસ્કોએ વેપાર, ઉર્જા, આબોહવા અને સંશોધન સહિત વિવિધ ક્ષેત્રોમાં 9 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મોટા પ્રોજેક્ટ પર સમજૂતી થઈ હતી, જેમાં રશિયાના સહયોગથી ભારતમાં 6 નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા પર પણ ચર્ચા થઈ હતી. રશિયાની આ મુલાકાત બાદ પીએમ મોદીની વિયેના પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત ઘણી ખાસ છે. કારણ કે નરેન્દ્ર મોદી 41થી વધુ વર્ષોમાં મધ્ય યુરોપિયન રાષ્ટ્ર ઑસ્ટ્રિયાની મુલાકાત લેનારા બીજા વડા પ્રધાન છે. આ પહેલા 1983માં ઈન્દિરા ગાંધી ઓસ્ટ્રિયા અને વિયેના ગયા હતા. ત્યારે આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિદેશ મંત્રી જયશંકર પણ છે.

ઓસ્ટ્રિયા પહોંચતા જ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું
ઓસ્ટ્રિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ પણ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે ઓસ્ટ્રિયાનો આ પ્રવાસ ખાસ છે. આપણા દેશો ભાતૃભાવના મૂલ્યો અને વધુ સારા સબંધો બનાવવા માટેની ફરજ સાથે જોડાયેલા છે. ત્યારે ચાન્સેલર કાર્લ નેહામર સાથેની વાતચીત, અહીં રહેતા ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ અને ઓસ્ટ્રિયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમે ખુબ જ આતુર છીએ.

ઓસ્ટ્રિયાના કલાકારોએ પીએમને આવકારવા વંદે માતરમ ગાયું હતું
એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા હતા. ત્યાં ઑસ્ટ્રિયન કલાકારોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ‘વંદે માતરમ’ ગાયું હતું. અહીં પીએમએ ભારતીય ઇમિગ્રન્ટ્સને શુભેચ્છા પણ પાઠવી હતી. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા રિપબ્લિકના ફેડરલ ચાન્સેલર કાર્લ નેહમેર દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી.

પીએમનો આજનો શેડ્યુલ આ પ્રમાણે રહેશે
વિયેના પ્રવાસ પર દરમિયાન પીએમ મોદી આજે એટલે કે બુધવારે રિપબ્લિક ઓફ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેન સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ તેઓ ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પણ વાતચીત કરશે. પીએમ મોદી અને ચાન્સેલર નેહમર ભારત-ઓસ્ટ્રિયાના ટોચના ઉદ્યોગપતિઓને બેઠકને પણ સંબોધિત કરશે. તેમજ મોદી વિયેનામાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.

Most Popular

To Top