અમેરિકા અને ઇઝરાઇલ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ઈરાનને લઈને એક નવી વૈશ્વિક ચિંતા ઉભી થઈ છે. અત્યાર સુધી આ સંઘર્ષનો સીધો પ્રભાવ ઓઈલ અને ગેસ સપ્લાય પર જોવા મળ્યો હતો, પરંતુ હવે ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોખમમાં આવી શકે છે. ખાસ કરીને Strait of Hormuz અને Red Sea જેવા વિસ્તારોમાં સમુદ્રના તળિયે આવેલી ફાઈબર-ઓપ્ટિક કેબલ્સ પર ખતરો મંડરાઈ રહ્યો છે. વિશ્વના મોટા ભાગનો ડેટા ટ્રાફિક આ સમુદ્રી કેબલ્સ મારફતે જ પસાર થાય છે. વીડિયો કોલ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, ઈમેલ અને AI સેવાઓ, બધું જ આ નેટવર્ક પર નિર્ભર છે. રેડ સીમાં લગભગ 17 અને હોર્મુઝ વિસ્તારમાં અનેક મહત્વપૂર્ણ કેબલ્સ છે, જેમ કે AAE-1, FALCON અને Tata-TGN સિસ્ટમ, જે એશિયા, યુરોપ અને આફ્રિકા વચ્ચે કનેક્ટિવિટી જાળવી રાખે છે.
હાલની પરિસ્થિતિમાં હોર્મુઝ વિસ્તારમાં માઇન્સ મૂકવામાં આવ્યા છે, જેના કારણે શિપિંગ અને મેન્ટેનન્સ કામગીરી લગભગ બંધ થઈ ગઈ છે. બીજી તરફ યમનમાં હૂતી જૂથો દ્વારા Bab-el-Mandeb નજીક હુમલાઓ થઈ રહ્યા છે, જે આ કેબલ્સ માટે જોખમ વધારી રહ્યા છે. જો આ કેબલ્સને નુકસાન પહોંચે, તો તેને રિપેર કરવું મુશ્કેલ બની શકે છે અને અઠવાડિયા કે મહીનાઓ સુધી ઈન્ટરનેટ સેવા પ્રભાવિત રહી શકે છે. જો હોર્મુઝ અને રેડ સી બન્ને માર્ગો પર એકસાથે અસર થાય, તો વૈશ્વિક સ્તરે ડિજિટલ બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેની અસર ફક્ત ઈન્ટરનેટ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બેન્કિંગ, શેરબજાર, હોસ્પિટલો અને ટેક્નોલોજી સિસ્ટમો પર પણ પડી શકે છે. હાલમાં તમામ કેબલ્સ કાર્યરત છે, પરંતુ વધતા તણાવ વચ્ચે આ જોખમને નકારી શકાય તેમ નથી.