Editorial

મસ્જિદો બાદ હવે મદરેસાઓ યુપીના રાજકારણનો અખાડો બની ગઇ છે

યુપીમાં હાલ મદરેસા રાજકારણનો અખાડો બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ મદરેસાઓને લઈને જુબાનીનો જંગ છેડાયો છે. આ સમગ્ર મામલો ખાનગી મદરેસાઓ સાથે જોડાયેલો છે. યુપી સરકાર મદરેસાઓનો સર્વે કરી રહી છે. સર્વે દરમિયાન મદરેસાઓના સંચાલકોને 12 સવાલ પુછવામાં આવશે. સવાલો સાથે સંબંધિત એક ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. મદરેસા સંચાલકોને આ ફોર્મેટ મોકલી દેવામાં આવશે. ફોર્મેટમાં આપવામાં આવેલા 12 સવાલોના જવાબના આધાર પર જ મદરેસાઓનો સર્વે થશે. સર્વે ટીમ ઘટના સ્થળે એ જોશે કે આપવામાં આવેલા જવાબોની ભૌતિક સ્થિતિ શું છે. સરકારે મદરેસાઓમાં થનાર સર્વે માટે સવાલોનું એક ફોર્મેટ તૈયાર કર્યું છે.

ફોર્મેટમાં જે 12 સવાલોના જવાબ આપવામાં આવ્યા છે, તે કઈંક આ રીતના છે. મદરેસાનું નામ, મદરેસાનું સંચાલન કરનારી સંસ્થાનું નામ, મદરેસાની સ્થાપનાનુ વર્ષ, મદરેસા ભાડાની જગ્યાએ છે કે ખાનગી ભવનમાં, મદરેસામાં પીવાનું પાણી, શૌચાલય, વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ છે કે નહિ, મદરેસામા ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યા, મદરેસામાં શિક્ષકોની સંખ્યા, મદરેસામાં કયો અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. મદરેસાને કઈ રીતે આવક થાય છે. મદરેસામાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ શું કોઈ બીજી સંસ્થામાં પણ રજિસ્ટ્રેશન છે?

શું મદરેસાનો બીજી કોઈ બિનસરકારી સંસ્થા અને સમુહ સાથે સંબંધ છે. અને સૌથી અંતિમ સવાલ આરોપનો છે. જો કે, આ મદરેસાઓનો સર્વે કરાવવા પાછળ રાજ્ય સરકારે હજી સુધી કોઇ ફોડ પાડ્યો નથી. સર્વે કોનો છે? કેટલા સમયમાં પૂર્ણ કરવાનો છે અને તેમાં કેટલા સવાલો છે તેની માહિતી તો મળી રહી છે પરંતુ હેતુ હજી ચોક્કસ નથી. જો કે એવુ માનવામાં આવે છે કે, મદરેસા ચલાવવામાં આવે છે તેનું ફંડ કોણ આપે છે અને ક્યાંથી આવે છે તે જાણવાની સરકારની મનસા હોય શકે પરંતુ તે પણ ચોક્કસ નથી. તો બીજી તરફી યુપીમાં આજે દારુલ ઉલુમ દેવબંદમાં એક સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ .

જેમાં વિવિધ મદરેસાઓના સંચાલકોએ ભાગ લીધો હતો. આ સંમેલનની જાણકારી આપતા મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે, મદરેસાઓમાં કોઈ ખોટુ કામ થતું નથી.જો કોઈ મદરેસા કે મસ્જિદ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરીને બનાવાયા છે તો એવા મદરેસાઓ સરકાર તોડી નાંખે, અમને કોઈ વાંધો નથી.અમે સરકાર દ્વારા કરાઈ રહેલા સર્વેનો વિરોધ નથી કરી રહ્યા. ઉલટાનુ અમે સરકારને એ તમામ જાણકારી આપીશું જે તેને જોઈએ છે.મૌલાના મદનીએ કહ્યુ હતુ કે, સરકારે મદરેસાઓ-મુસ્લિમો અને મસ્જિદોને ટાર્ગેટ કરવી જોઈએ નહીં પણ દેશહીતમાં જે કામ જરુરી છે તેને બંધારણની મર્યાદામાં રહીને કરવા જોઈએ.જે રીતે સરકાર મદરેસાઓને ટાર્ગેટ કરી રહી છે તે જોતા સમાજના એક આખા વર્ગને ટાર્ગેટ કરાઈ રહ્યો હોવાનો સંદેશો જઈ રહ્યો છે.

જેનો અમે વિરોધ કરીએ છે. સરકાર સાથે આ સંદર્ભમાં વાત કરવા માટે સંમેલનમાં 12 સભ્યોની એક કમિટિ પણ બનાવવામાં આવી છે. આ વિવાદમાં કોઇપણ પક્ષ એક હરફ સુદ્ધા ઉચ્ચારતો નથી. મદરેસાના સર્વે મુદ્દે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા, સપા, તૃણમુલ જેવા પક્ષો પણ ચૂપ છે. એવુ લાગી રહ્યું છે કે, મુસ્લિમ મતદારોને ખુશ કરવા તેઓ મદરેસાના સરવે મુદ્દે બોલીને હિન્દુઓનો વિરોધ સાંખી લેવા માંગતા નથી. એક માત્ર અસુઉદ્દીન ઔવેશી ખુલ્લેઆમ વિરોધ કરીને કહી રહ્યાં છે કે, જે મદરેસાઓ સરકાર પાસે કોઇ ફંડ લેતી નથી અને ખાનગી રીતે ચાલે છે તેમાં સરકારે દખલગીરી કરવી જોઇએ નહીં. તો બીજી તરફ કેટલાક હિન્દુ તરફે બોલનારા ટીવી ચેનલની ડિબેટમાં કહી રહ્યાં છે કે, જો મદરેસાઓમાં કંઇ જ ખોટુ ચાલતું નહીં હોય તો સર્વે કરાવવા માટે વિરોધ શા માટે હોવો જોઇએ? કારણ જે હોય તે પરંતુ હાલમાં તો યુપીના રાજકારણનો અખાડો બની ગઇ છે.

Most Popular

To Top